Homeગામનાં ચોરેલગ્નમાં 10 હજાર મહેમાનો આવ્યા છતાં કોરોનાની ગાઈડલાઈન ન તૂટી

લગ્નમાં 10 હજાર મહેમાનો આવ્યા છતાં કોરોનાની ગાઈડલાઈન ન તૂટી

કોરોના કાળમાં લગ્ન સમારોહ પણ ફિક્કા બની ગયા છે. ઓછા મહેમાનોની વચ્ચે કરવા પડતાં લગ્નમાં જાણે રોનક ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ લગ્ન સમારોહમાં 100 લોકોની જ છૂટ છે. 100 લોકોમાં કોને બોલાવવા અને કોને ન બોલાવવા તેની મૂંઝવણ પણ લોકો અનુભવી રહ્યા છે. ત્યારે મલેશિયામાં એક પરિવારને ત્યાં લગ્નમાં 10 હજાર મહેમાનો આવ્યા છતાં, કોરોનાનો નિયમ ન તૂટ્યો.

કોરોનાના ડરના કારણે મલેશિયામાં પણ ઘણા કડક નિયમો લાદવામાં આવ્યા છે. તેથી મલેશિયામાં લગ્નમાં પણ 20 લોકોને જ બોલાવવાની પરવાનગી છે. તેથી લગ્નમાં કોને કોને બોલાવવા તેની મુશ્કેલી મલેશિયામાં પણ પડી રહી છે. તેવામાં મલેશિયામાં એક પરિવાર પોતાના સંબંધીઓ અને મિત્રોને લગ્નમાં બોલાવવાનો એક નવો આઈડીયા અપનાવીને સૌને અચંબામાં મૂકી દીધા.

આ પરિવારે લગ્ન સમારંભને ડ્રાઈવ થ્રુ ઈવેન્ટમાં તબ્દીલ કરી નાખ્યો. અને લગ્ન સમારંભમાં 10 હજાર લોકોને બોલાવ્યા. તેમ છતાં કોરોનાનો નિયમ તૂટ્યો નહીં.

શું છે ડ્રાઈવ થ્રુ ઈવેન્ટ

મલેશિયામાં યોજાયેલા આ લગ્નને ડ્રાઈવ થ્રુ ઇવેન્ટ કહેવામાં આવે છે. એટલે કે લગ્ન સમારંભ ચાલતો હોય, ત્યાં મહેમાનો પોતાની કાર લઈને આવે. કારમાંથી બહાર નહીં નીકળવાનું કારમાં જ બેસી રહેવાનું અને સમારંભ સ્થળ પાસે કાર પહોંચે એટલે કાર ધીમી પાડી દેવાની. અને નવ વિવાહિત દંપતીને દૂરથી જ આશીર્વાદ આપી દેવાના. અને કાર ત્યાંથી હંકારી મૂકવાની. એટલે કે લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનો સીધા નવદંપતીના સંપર્કમાં ન આવે અને દૂરથી જ મળીને ચાલ્યા જાય.

જમવાની પણ વ્યવસ્થા અનોખી

ઘણાને પ્રશ્ન થાય કે લગ્ન સમારંભ પર પહોંચીને કારમાં જ બેસી રહેવાનું તો લગ્નના જમણવારનું શું ? કેમ કે લગ્નમાં લગભગ લોકો જમવા માટેનું મન બનાવીને જ આવતાં હોય છે. જમણવાર વિના લગ્ન સમારંભ અધૂરો જ કહેવાય. તેથી મલેશિયાના આ પરિવારે પણ મહેમાનોને ભૂખ્યા પેટે રવાના ન કર્યા પરંતુ ભોજન માટે પણ એક નવો રસ્તો અપનાવ્યો. કારમાં બેઠેલા મહેમાનો માટે પરિવારે ભોજનના પેકેટ અગાઉથી તૈયાર રાખ્યા હતા અને જેમ જેમ કાર પસાર થતી જાય તેમ તેમ આ ભોજનના પેકેટ મહેમાનોને આપી દેવામાં આવતાં હતા.

આ અનોખા લગ્ન મલેશિયાના એક રાજનૈતિક પરિવારમાં હતા. મલેશિયાના કુઆલાલમ્પુરમાં ટેન્ગકુ અદનાન જેઓ મલેશિયાના પૂર્વ મંત્રી અને મોટા નેતા છે તેમના દિકરા ટેન્ગકુ મહોમ્મદ હાફિઝના આ લગ્ન હતા. ટેન્ગકુ મહોમ્મદ હાફિઝ અને દુલ્હન ઓસિયન એલેગિયાને મહેમાનોએ કારમાં બેઠં બેઠાં જ દૂરથી આશીર્વાદ આપ્યા. લગ્નમાં આવેલા તમામ મહેમાનોનો પરિવારે આભાર પણ માન્યો.

ટેન્ગકુ અદનાને મહેમાનોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું અને મારો પરિવાર મહેમાનોનો ઉત્સાહ જોઈને બહુ જ સમ્માનિત અનુભવ કરી રહ્યા છીએ. તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવા માગું છું કે આ પરિસ્થિતિને તેઓએ સમજી અને કારમાંથી ઉતર્યા વિના લગ્નમાં હાજરી આપી.’

લગ્ન સમારંભમાં 10 હજાર લોકો આવ્યા હોવાથી કારની પણ લાંબી લાઈન લાગી હતી. લગ્ન સ્થળેથી તમામ કારને પસાર થવામાં આશરે 3 કલાકનો સમય લાગ્યો હતો. કારમાં બેઠેલા મહેમાનોએ પણ માસ્ક પહેરી રાખ્યા હતા. આ અનોખા લગ્નની ચર્ચા ન માત્ર મલેશિયા પરંતુ દુનિયાભરમાં થઈ રહી છે. અને લોકો પરિવારના આ અનોખા આઈડીયાની સરાહના કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments