Homeસાહિત્યતારક મહેતાએ લખેલી એ કવિતા કોણે સાર્વજનિક જાજરૂની છત પર નાખી દીધેલી...

તારક મહેતાએ લખેલી એ કવિતા કોણે સાર્વજનિક જાજરૂની છત પર નાખી દીધેલી ?

જીવનમાં સફળ થયેલા લોકો આત્મકથા એટલા માટે લખે છે કે હું સફળ થતા પહેલા આટલી વખત નિષ્ફળ ગયો હતો. આ બધામાંથી આપણને યાદ એટલું રહી જાય છે કે તેના પ્રેમ પ્રકરણો કેટલા હતા ? દારૂ પીતો હતો કે નહોતો પીતો ? લફરા કરતો હતો કે નહીં ? પાડોશી સાથે ધીંગાણું કરેલું કે નહીં ? કેસ કેટલા થયેલા ?

ચંદ્રકાંત બક્ષીના જીવનમાં એટલે રસ પડે કે એમનું જીવન વિવાદાસ્પદ પણ એટલું જ રહ્યું. એમના વિવાદો પણ એમના લેખન જેટલા જ સફળ રહ્યા હતા. ગુજરાતી હાસ્ય લેખકોમાં સૌથી સારી આત્મકથા એક્શન રિપ્લે છે. આવું ચાબુક એટલા માટે કહી શકે છે કે આત્મકથા બે ભાગમાં છે. મોટી છે. દળદાર પણ છે અને દમદાર પણ છે. તેની તુલનાએ બીજા હાસ્યલેખકો જેમ કે આપણા વિનોદ ભટ્ટની એવા રે અમે એવા એક ભાગમાં છે અને તે તેમના સંસ્મરણો છે. આત્મકથા છે તેવું તો તેઓ ખૂદ પણ નથી સ્વીકારતા. તેનાથી નાની જ્યોતીન્દ્ર દવેની છે. હવે કોઈ જ્યોતીન્દ્રથી મોટો ગુજરાતી હાસ્યલેખક તો પાક્યો નથી અને પાકવાનો છે પણ નહી. બાકી આવનારી પેઢીના ગુજરાતી વિવેચકો તે જ્યોતીન્દ્ર કરતા શ્રેષ્ઠ છે એ તેની આત્મકથાના કદ પરથી નક્કી કરશે!!

આ 26મી તારીખે આપણા વ્હાલસોયા અને જેમના વિના ગુજરાતી હાસ્ય સાહિત્યના નિબંધો અધૂરા અધૂરા રહે છે. એવા તારક મહેતાનો જન્મદિવસ આવે છે. ચાબુકે નક્કી કરી રાખ્યું છે કે એમનો જન્મદિવસ આવે ત્યાર સુધીમાં એટલે કે ચાર દિવસમાં ચારા સારા લેખો ગુજરાતી વાચકોને આપવા. તારક મહેતા વિશે અન્ય સમાચાર વેબસાઈટો શું લખશે તેની અમને જરા પણ ખબર નથી. કદાચ તેઓ યાદ નહીં કરે.

જો તારક મહેતા એક દિવસ માટે પૃથ્વી પર પાછા અવતરે અને એ જ દિવસે પાછા મૃત્યુ પામે તો વેબસાઈટો, સમાચારો અને છાપાવાળાઓને ‘‘ઈચ્છા’’ હોય તો તેમના વિશે લખે. જોકે એક દિવસ માટે અવતરેલા તારકને છાપામાં કોલમ લખવા માટે તો દસ વર્ષ ફરી મહેનત કરવી પડે, કારણ કે હવે ઘણા મહાન લેખકો આવી ચૂક્યા છે.

વિદ્યાર્થીઓ કોલેજમાં પાસ થવા જાય છે. તારક મહેતા નાપાસ થવા જતા હતા. તેઓ ઈન્ટરમાં નાપાસ થયેલા ત્યારે વડીલોએ તેમને એ રીતે સાંત્વના આપેલી કે, ‘કંઈ વાંધો નહીં તું તો નાપાસ જ થયો છો. ફલાણાનો ફલાણાનો ફલાણો છોકરો તો નાપાસ થયા પછી ભણતા ઉઠી ગયેલો.’

પહેલાથી કળાને સમર્પિત થવા ઈચ્છુંક એવા તારકદાદા માટે તો આ હેરાનગતિ જ કહેવાય, કારણ કે બચારાને ભણતા ઉઠી જવું હશે અને ઘરના લોકો તેને પરાણે ભણાવવા ઈચ્છતા હશે. એમની આત્મકથા પરથી ખ્યાલ આવે છે કે એ આર્ટ્સના વિદ્યાર્થી હતા અને કોમર્સમાં પાકિટના કારણે ઘુસી ગયેલા.

તારકને નવલકથાઓ વાંચવાનો શોખ હતો. અંગ્રેજીની પોકેટ નવલકથાઓ ત્યારે ખૂબ વેચાતી પણ વંચાતી ઓછી. તારકે પોકેટ બુક્સની એ નવલકથા વાંચવા માટે પ્રથમ ડિક્ષનરી ખરીદી અને પછી અંગ્રેજીની પોકેટ નવલકથાઓ વાંચવાનો આરંભ કર્યો. સ્પેલિંગ ન આવડે ત્યાં ડિક્ષનરી ખોલી અર્થ સમજી લે. ચોપડીઓ ખરીદવા માટે પણ રૂપિયા તો જોઈએ.

વાડાપોળમાં બાબાલાલભાઈની પરચૂરણ વસ્તુઓની દુકાન હતી. એ દુકાનમાં એવી અગણિત વસ્તુઓ હતી જેને વેચી શકાય. બાબાલાલે તારકને કામ સોંપ્યું. કામ એવું હતું કે જો તારક પરચૂરણનું પાકિટ વેચે તો આઠ આના અને મોટું પાકિટ વેચે તો એક રૂપિયો. તારકે મોટાભાગના પાકિટો સગાવ્હાલાઓને જ વેચી માર્યા. પૈસા મળ્યા, પોકેટ બુક પણ ખરીદાણી, પણ ન થવાનું થઈ ગયું. ઘરના લોકો સમજી બેઠા કે આવો બધો વેપાર કરે છે તો નક્કી છોકરો કોમર્સમાં આગળ વધશે. તારકના કોમર્સના પાયામાં તો આર્ટ્સની અંબૂજા સિમેન્ટ હતી.

તારક મહેતાની એક્શન રિપ્લે આત્મકથા વાંચનારાઓને તો ખ્યાલ જ છે કે યુવા અવસ્થામાં કોઈ પણ ધંધો કરીએ તેની એક પણ વસ્તુ ઘરમાં ન વેચવી. આત્મકથા ન વાંચનારાઓને આ લેખ વાંચીને ખબર પડી ગઈ હશે કે, કોઈ પણ ધંધો કરો તેનો માલ કમાણી અને શોખની પૂર્તિ કરવા માટે ઘરમાં ન વેચવો. નહીંતર ઘરના આપના ભવિષ્યનું ભાથું બાંધી દેશે.

આ લેખક કોલેજમાં હતા ત્યારે સૌ પ્રથમ તેમને કવિ થવાના અભરખા જાગેલા. એ વખતે પિતાના મિત્ર જયંતિ દલાલ. જયંતિ દલાલ લખતા પણ તેમને પૈસા ન મળતા. જેથી પિતાએ તારકના મગજમાં ઠસાવી દીધેલું કે લખવામાં કંઈ વળતર નથી. જોકે બાદમાં તારકને જેટલું વળતર મળતું એટલું તો ગુજરાતી સાહિત્યની દુનિયામાં કોઈ લેખકને નહીં મળ્યું હોય. તારક મહેતા સહિતના બીજા બે પાંચ લેખકોના કારણે જ કેટલાક કવિઓ પણ બાદમાં કોલમ લખતા થઈ ગયા હતા.

આ તારક દર બુધવારે કુમાર સામાયિકની ઓફિસે જતા. ઓફિસમાં નિરંજન ભગત, પિનાકિન ઠાકોર, અશોક હર્ષ, કાલિદાસ જાધવ સહિતના કવિઓ હોય. વરિષ્ઠ કવિઓ ખુરસી પર બેઠા હોય. બચુભાઈ મુખ્ય સીટ પર બિરાજમાન હોય અને બાકીના નવોદિતો જે હાથમાં આવે તે લાકડાના સ્ટુલથી લઈને લાકડાનું પાટીયું, તેના પર બેઠક જમાવે.

કુમારની કવિતાસભાઓ થકી તારક મહેતા અને પ્રિયકાન્ત મણિયારની જોડી જામી ગયેલી. બંને નવોદિત હતા અને કવિતાઓ કરતા હતા. પ્રિયંકાતભાઈની બાલા હનુમાનના નાકે બંગડીઓની દુકાન હતી. એ દુકાન એટલી મોટી હતી કે શરૂ થતા પહેલા જ પૂરી થઈ જતી હતી. બેસવા માટે બે જ જગ્યા. એક તો દુકાનના માલિક પ્રિયકાંતભાઈની અને બીજું કોઈ બંગડી લેવા આવે તો એના માટે. એ બંગડી લેવાની જે જગ્યા હતી ત્યાં તારક કાયમ બેસવા જતા અને પ્રિયંકાત અને તેઓ પોત પોતાની કવિતાઓનું પઠન કરતા હતા. બહારથી જોનારાઓને એમ જ લાગતું કે દુકાનમાં ભીડ છે!

તારક કોઈ દિવસ કોઈ સાહિત્યિક સભામાં શરમના કારણે પોતાની કવિતા ખિસ્સામાંથી કાઢી સિનીયર કવિઓની સન્મુખ સંભળાવી ન શક્યા. પ્રિયકાંત મણિયારની કવિતાઓ પર એક સમયે તારક સહિત ઘણા લેખકો હસતા, છતાં એમણે કવિતાનો પાલવ છોડ્યો નહીં અને આગળ વધી ગયા. તારકના મગજે નક્કી કરી લીધું કે આ કવિતા બવિતા કરવું એ આપણું કામ નહીં બાપા.

તો પણ ઈન્ટર કોમર્સમાં બે વખત નાપાસ થયેલા તારક મહેતાના મગજમાંથી કવિ બનવાનું નીકળી નહોતું રહ્યું. ઉર્મીઓ ગાંડા બાવળની જેમ ગમે ત્યારે ગમે ત્યાં ઉગી નીકળતી. તારક મહેતા પુખ્ત થયા હતા. તેમનામાં જવાબદારી જેવું કશું હતું નહીં. ઉનાળાની એક બપોરે તારક કવિતા લખવા માટે બેઠા. ઉનાળાની બપોરે તો નિબંધ લખાય તેની જગ્યાએ કવિતા લખનારા તારકદાદા ગુજરાતના પ્રથમ લેખક ગણવા રહ્યા!!

તારકે લખ્યું…

ગૃહપછિતે

સ્થાન અદિઠે

આપણ બન્ને

મળતાં જ્યાહરે

તારકે હસ્યું અને પછી આગળ શું લખવું તે વિચારવા લાગ્યા. કવિતાની આગળની લીટી તો મગજમાં ન આવી પણ પાછળથી તેમના નાના વહાલાભાઈ આવી ગયા. એમણે ત્રાડ પાડતા તારક ધ્રૂજી ઉઠ્યો. લખેલી કવિતાની નોટબુક લઈ બારી બહાર ઘા કર્યો. એ નોટબુક જે છત પર પડી તે સાર્વજનિક જાજરું હતું.

આપણા સૌના હ્રદયમાં બાળપણની પ્રિત ધબકતી હોય છે. તારકદાદાના દિલમાં પણ ધબકતી હતી. એને પ્રેમ કહેવો કે શું કહેવું ? આકર્ષણ રાખીએ? એક્શન રિપ્લે આત્મકથામાં તારક મહેતા લખે છે, ‘પશ્ચિમના સાહિત્ય અને પ્રાણસુખની સોબતમાં મને એટલું ભાન થઈ ચૂક્યું હતું, હું ગદ્યલેખક થવા સર્જાયો છું. પદ્ય મને પલ્લે પડે તેમ નથી. વળી એ સોબતથી મારામાં બીજી પણ થોડી હિમ્મત આવી. પોળની એક કન્યા સામે હું ડરતાં ડરતાં સ્મિત કરતો. તેને મેં એક પ્રેમપત્ર લખી નાખ્યો અને કઝિન સિસ્ટર જોડે મોકલી આપ્યો. કન્યાઓ લેખતિ જવાબ આપવાની હિમ્મત ન કરે પણ એણે સ્મિતના જવાબમાં સ્મિત આપવા માંડ્યું. મેં એના ઘરના સામેના ઓટલા ઉપર બેસવા માંડ્યું. એણે બારીમાં ઊભા રહેવા માંડ્યું. મૂળ તો હું ગીતા બાલીના જ પ્રેમમાં હતો. (છું). પણ દરેક યુવાન કન્યામાં ગીતા બાલી હું જોતો થઈ ગયો હતો. મારા પત્રનો જવાબ ભલે ન આપે પણ મારા સ્મિતનો જવાબ સ્મિતથી કોઈ એક કન્યા આપે, તે મારી લઘુતાગ્રંથિની મનોવૈજ્ઞાનિક સારવાર જેવું હતું. દરેક કિશોર કે કન્યાના જીવનમાં પ્રિયપાત્રનું પ્રથમ સ્મિત મેડિકલ સર્ટિફિકેટ જેવું કામ કરે છે.’

તારક દાદાની આવી જ વાતો 26મી તારીખે આવતા તેમના જન્મદિવસ સુધી ચાલુ જ રહેશે. મળીએ કાલે તારકદાદાની નવી વાતો ને યાદો સાથે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments