Team Chabuk-Political Desk: દેશની સંસદનું ઉપલું ગૃહ ગણાતી રાજ્યસભાની જૂનથી ઓગસ્ટની વચ્ચે ખાલી પડતી બેઠકો પર 10 જૂનના રોજ ચૂંટણી યોજાશે. દેશભરની કુલ 57 રાજ્યસભાની બેઠકો પર આગામી તારીખ 10 જૂનના રોજ ચૂંટણી થશે. દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા થનારી રાજ્યસભાની આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કેમ કે હાલમાં કેન્દ્ર સરકારમાં બિરાજમાન ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 95 સભ્યો છે જે સૌથી વધુ છે. જ્યારે આ ચૂંટણી બાદ ભાજપના સભ્યોની સંખ્યાનો આંકડો 100ને પાર પહોંચી શકે છે. જો કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરવામાં આવતા સાત સાંસદોની જગ્યા પણ ખાલી છે.
જૂન થી ઓગસ્ટ દરમિયાન ત્રણ મહિનામાં જે સભ્યોનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણ, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવીનો સમાવેશ થાય છે. આ મંત્રીઓએ ફરીથી ચૂંટાવું ફરજિયાત છે. જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસના પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, જયરામ રમેશ અને અંબિકા સોની જેવા મોટા ગજાના નેતાઓનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. કોંગ્રેસ આ દિગ્ગજોને પણ ફરીથી રાજ્યસભામાં મોકલવા માટે પ્રયત્નો કરશે.

રાજ્યસભાની કુલ 57 બેઠકો માટે થનારી આ ચૂંટણીમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશની 11 બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રની 6-6 બેઠકો, બિહારની 5 બેઠક, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશની 4-4 બેઠકની ચૂંટણી થશે. તો મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની 3-3 બેઠક પર ચૂંટણી યોજાશે. પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તીસગઢ અને તેલંગાણાની 2-2 અને ઉત્તરાખંડની 1 બેઠક પર ચૂંટણી થશે. બિહારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવની બેઠક પર પણ ચૂંટણી યોજાશે.
માનવામાં આવી રહ્યું છે કે, રાજ્યસભામાં આગામી સમયમાં ડીએમકે અને આમ આદમી પાર્ટીની બેઠકો વધશે. રાજ્યસભાની આ ચૂંટણીની જાહેરાત 24 મેના રોજ કરાશે. ઉમેદવારી નોંધાવવા માટેનો અંતિમ દિવસ 31 મે રહેશે અને મતદાન 10 જૂનના રોજ શુક્રવારે સવારે 9 કલાકે થશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી શરૂ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત