પરમ દેસાઈ: જેમ સાહિત્યમાં આપણે સાહસકથાઓમાં ઊણા ઊતરીએ છીએ એમ ફિલ્મોમાં પણ એ વિષયને લગભગ અછૂત જ રાખ્યો છે. અહીં સાહસકથા એટલે મારફાડની કથા નહીં. એવી ફિલ્મો બોલિવુડે ઠીકઠીક બનાવી છે. પણ કશુંક મેળવવા, શોધવા પ્રકૃતિ ખૂંદી વળવી એવા હાર્ડકોર સાહસવાળી વાર્તાઓ બહુ ઓછી બની છે. નક્શા (2006), બ્લ્યૂ (2009) જેવી અમુક ફિલ્મો યાદ આવે છે. ‘રામસેતુ’ પણ એ જ શ્રેણીમાં મૂકી શકાય એવી છે. ફિલ્મ ખામીઓવાળી જરૂર છે, પણ આનંદની વાત એ છે કે બોલિવુડે સાહસકથા બનાવવાનું સાહસ કર્યું. ડિરેક્ટર અભિષેક શર્મા એના માટે અભિનંદનને પાત્ર છે. બોલિવુડને પૂર્વગ્રહથી જોતા થઈ ગયેલા લોકો ‘રામસેતુ’ પર કશુ જ નથી બોલતા એ દુઃખની વાત છે.
દોઢ દાયકા પહેલાં જહાજોના ટૂંકા રૂટ માટે પ્રસ્તાવિત ‘સેતુસમુદ્રમ’ નામના સાચા પ્રોજેક્ટ પર વાર્તા આધારિત છે. સુપ્રીમ કોર્ટમાં કેસ ગયા પછી કોર્ટે વૈકલ્પિક રૂટ વિચારવાનું કહી રામસેતુને ખંડિત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. આ સત્યઘટનામાં કલ્પનાના રંગો પૂરીને રોમાંચક ફિલ્મ બનાવાઈ છે. રામસેતુ ખરેખર માનવનિર્મિત છે કે પછી કુદરતી આ પ્રશ્ન હંમેશા વિજ્ઞાનના ત્રાજવે તોલાતો રહ્યો છે, જેમાં ક્યારેક એક પલ્લું તો ક્યારે બીજું પલ્લું નમે છે. સેતુસમુદ્રમ પ્રોજેક્ટની કંપની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ થયો છે. એટલે રામસેતુની ખોજ માટે કંપની નાસ્તિક પુરાતત્વશાસ્ત્રી આર્યન કુલશ્રેષ્ઠને દરિયાઈ સફરે મોકલે છે. આર્યન સંશોધન કરે છે ત્યારે પહેલાં વિજ્ઞાન જીતે છે. પણ પછી એ ઊંડો ઊતરે છે ત્યારે પલ્લું પૌરાણિક માન્યતાની ખરાઈ તરફ નમતું જાય છે. આર્યન જો સત્ય જાહેર કરી દેશે તો જહાજી કંપનીને મોટું નુકસાન થાય. એટલે કંપનીના જ માણસો આર્યન એન્ડ ટીમના દુશ્મન બની જાય છે. આર્યને ટીમ સાથે શ્રીલંકા તરફ નાસી જવું પડે છે. શ્રીલંકામાં એને પોતાની જાતને ‘એપી’ તરીકે ઓળખાવતો સ્થાનિક મળે છે. એની સાથે આર્યન નવેસરથી રામસેતુના અસ્તિત્વનો ઈતિહાસ ખંખોળે છે, રાવણનું પગેરું કાઢવા એના મહેલ સુધી જાય છે અને અંતે સુપ્રીમ સામે આશ્ચર્ય જનક પુરાવા રજૂ કરે છે.
બોલિવુડમાં આવું કશુંક આવ્યું એ જ પહેલી હકારાત્મક વાત. નાયક દરિયો ખેડતો હોય, પહાડો ખૂંદતો હોય, ગુફાઓમાં સરકતો હોય એવી રોચક વાર્તાઓ લોકોને હંમેશા ગમતી રહી છે. ‘રામસેતુ’ ખાસ કરીને ઉત્તરાર્ધમાં રોમાંચક ખોજ અભિયાનનો ચિતાર આપે છે. અહીં સમુદ્રના તળિયાથી માંડીને પહાડની ટોચ સુધીના પ્રવાસમાં દર્શકો જોડાય છે અને પુરાણોની અદ્દભુત વાતોથી રોમાંચ અનુભવે છે. ફિલ્મની છેલ્લી 15 મિનિટ પૈસાવસૂલ છે. જો પૂરેપૂરા ઈન્વોલ્વ હશો તો રૂંવાડા ખડા થઈ જવાની સંપૂર્ણ શક્યતા.
અક્ષય કુમારનો લૂક તો નેવર બિફોર છે. પણ અભિનયમાં ક્યાંક ક્યાંક કાચું કપાય છે. છતાં પણ એ અક્ષયને બદલે આર્યન જ છે એવું તો ફિલ કરી શકો. જેકલિન ફર્નાન્ડિઝ અને પત્નીના પાત્રમાં નુસરત ભરૂચાને તો માત્ર દેખાવ પૂરતી જ રાખી છે. ખાસ કામ દક્ષિણના કલાકાર સત્યદેવ કાંચરાનાનું પણ ખરું. ફિલ્મ પૂરી થશે ત્યારે એનું પાત્ર દિલમાં ખાસ જગ્યા બનાવશે. ‘પરમાણુ’ ફેઈમ અભિષેક શર્માનું નિર્દેશન સારું. અસીમ મિશ્રાની સિનેમેટોગ્રાફી એક નંબર. એડિટિંગમાં થોડું વધુ ધ્યાન આપવાની જરૂર લાગી. બેકગ્રાઉન્ડ સ્કોર પણ એવરેજ. જોકે પાશ્ચાદ ભૂમિકામાં સંભળાતા ‘રામ રામ’ જાપ દૈવિય અનુભૂતિ કરાવે છે.
ખામીઓ પણ ઘણી છે. ફિલ્મ કાગળ ઉપર તો જોરદાર લખાઈ, પણ એની રજૂઆત જોઈએ એવી ન થઈ શકી. શરૂઆતમાં તો ચીલાચાલુ બોલિવુડ ફિલ્મ જેવું જ લાગે. ઈન્ટરવલ સુધી VFX અને સિનેમેટોગ્રાફીના જોરે ફિલ્મ ચાલી જાય. જે છે એ મધ્યાંતર પછીનું. પણ એ પહેલાં ઘણી જગ્યાએ બાલીશતા લાગે. બીજું, સંવાદો ચોટદાર નથી. ગણ્યાગાઠ્યા અમુક સંવાદો ઠીક ઠીક લાગ્યા. રાવણના ટ્રેકને ઓછું અને રામના ટ્રેકને વધારે મહત્વ આપ્યું હોત તો બહેતર હતું. આવડું મોટું રિસર્ચ માત્ર ગણતરીના દિવસોમાં જ પૂરું થઈ જાય, બધી વસ્તુ ફટાફટ જાણે રાહ જોતી હોય એમ મળતી જાય, ત્રણ અઠવાડિયામાં તો રિસર્ચનું ફીંડલું વળી જાય એ અતિશયોક્તિભર્યું લાગ્યું. ફિલ્મ કરતાં વેબસિરીઝ બની હોત તો આગ લાગી ગઈ હોત.
હાલક ડોલક થતી અને છતાં રસ જાળવી રાખતી ‘રામસેતુ’ એક સારી અનુભૂતિ છે. આખી સફર દરમિયાન દર્શકોને શ્રીરામ અને રામાયણની યાદ આવતી રહે છે. કેટલાક અચરજો પણ દેખાય છે અને રામસેતુ માનવનિર્મિત હોવાની માન્યતા વધુને વધુ નક્કર સ્વરૂપ લેતી જાય છે. આર્યનના સાહસને અંતે મળતા પરિપાકની અનુભૂતિ કંઈક અલૌકિક, દૈવિય થાય છે. સાહસકથાઓના શોખીનોએ જોવાલાયક ફિલ્મ.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા