Team Chabuk-International Desk: ગઈકાલે એકાએક નવ વાગ્યાની આસપાસ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનો ધબડકો થઈ ગયો. છ કલાકથી વધારે સમય સુધી સમગ્ર દુનિયામાં બંધ રહ્યું. એક્ઝેટ 9-15 વાગ્યાથી આ સમસ્યાની શરુઆત થઈ હતી. આવું થતાં જ લોકો ટ્વીટર પર દોડી ગયા હતા અને મેસેજનો ઢગલો કરી નાખ્યો હતો. કેટલાક લોકો મિત્રોને ફોન કરી પૂછતા હતા, તો ઘણા મોબાઈલ કાર્ડની કંપનીને સ્લો ઈન્ટરનેટ અંગે ફરિયાદ કરતાં હતાં. ફેસબુક આઉટેઝ રહ્યું તેનાથી તેના શેરમાં 6 ટકાનો કડાકો બોલી ગયો છે.
આ અંગે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાના ત્રણે પ્લેટફોર્મ અંગે નિવેદન આપ્યું હતું કે, હવે ઓનલાઈન પરત આવી રહી છે. આજે આપને પડેલી અડચણ માટે હું દુ:ખ અનુભવું છું. મને ખ્યાલ છે કે તમે એ લોકો સાથે જોડાયા રહેવા માટે અમારી સર્વિસ પર કેટલો વિશ્વાસ કરો છો. આઉટેઝની આ સમસ્યા કેટલાય કલાકો પસાર થયા બાદ પણ જૈસે થે જ રહી હતી. મેસેજ આવે નહીં, જાય નહીં. ફેસબુક પણ જ્યાં અટકી ગયું ત્યાં અટકી ગયું. આઉટેજ ટ્રેકિંગ કંપની Downdetector.comના જણાવ્યા પ્રમાણે 80 હજાર યુઝર્સે વોટ્સએપ અને પચાસ હજાર યુઝર્સે ફેસબુકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ફેસબુક, ઈન્સ્ટા અને વોટ્સએપ ત્રણે પર માલિકીનો હક માલિક ઝુકરબર્ગનો છે. સર્વિસ સ્થગિત થયા બાદ ફેસબુકે જણાવ્યું હતું કે, કેટલાક લોકોને એપ્લિકેશનના ઉપયોગમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે આ માટે માફી માગીએ છીએ. તુરંત આ સમસ્યાને યથોચ્ચિત કરી નાખવામાં આવશે. બીજી બાજુ વોટ્સએપ માટે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું છે કે, અમને ખ્યાલ છે કે આ સમયે કેટલાક લોકોને અડચણ આવી રહી છે. અમે વસ્તુઓને ફરી સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ અને થઈ શકે એટલી જલ્દી આ અંગેની જાણકારી આપીશું.
ફેસબુક ડાઉન થવાની ઘટનાઓ ખૂબ જ ઓછી બની છે. આમ છતાં ડાઉન થતાં અને ઈતિહાસનું સૌથી મોટું ડાઉન થતાં સમગ્ર દુનિયાના સોશિયલ મીડિયા યુઝર્સ પર તેની ખાસ્સી અસર પડી છે, કારણ કે ત્રણ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઝુકરબર્ગની માલિકીના છે. કંપની આ પ્રકારના સ્લો ડાઉન અંગે કોઈ જાણકારી નથી આપતી. ન તો તેનું કોઈ કારણ બતાવે છે. સમસ્યા દૂર કર્યા બાદ પણ કંપની એ વાતનો કોઈ ફોડ નથી પાડતી કે આખરે સમસ્યા શું હતી? 2019ની સાલમાં ફેસબુકનું અત્યાર સુધીનું સૌથી મોટું સ્લોડાઉન થયું હતું. એ સમયે પણ કંપનીએ માત્ર એટલું જ કહ્યું હતું કે, રુટિન મેન્ટનેન્સ ઓપરેશન દરમ્યાન કોઈ ખરાબી આવી ગઈ હતી. જેને દૂર કરી લેવામાં આવી છે.

ત્રણે પ્લેટફોર્મ ડાઉન થવાની સમસ્યા એન્ડ્રોઈડ, IOS અને PC તમામ જગ્યાએ દેખાઈ રહી હતી. અમેરિકાના ટેક્નોલોજી બ્લૉગ ધ વર્ઝે 2019ના સ્લોડાઉન પર એક લીક ટ્રાન્સક્રિપ્ટ પબ્લિશ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કંપનીના ચીફ એક્ઝિક્યૂટીવ માર્ક ઝુકરબર્ગે આ પ્રકારના સ્લોડાઉનને ગંભીર મુદ્દો માન્યો છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સમસ્યા લોકોને આપણા પ્રતિસ્પર્ધિઓના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા તરફ વાળી શકે છે. આવું થવા પર લોકોનો વિશ્વાસ જીતવામાં મહિનાઓ લાગી જાય છે.
આજથી બરાબર છ મહિના પહેલા 42 મિનિટ સુધી વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ રહ્યા હતા. 11.05 મિનિટ પર શરુ થયેલી આ સમસ્યા આશરે 11-47 વાગ્યા સુધી રહી હતી. જણાવી દઈએ કે દુનિયામાં વોટ્સએપ 5 અરબથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. પહેલા પણ કેટલીય વખત સર્વર પર લોડ વધવાના કારણે વોટ્સએપ ક્રેશ થઈ ચૂક્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત