Team Chabuk-National Desk: એક એવો વ્યક્તિ જેની ઈચ્છા છોકરીઓને પામવી, ચાહવી અને ભોગવવી હતી. એ ભરભર જોબનિયું ધરાવતી રૂપસુંદરીઓને ફસાવતો હતો અને લગ્ન કરી લેતો હતો. છોકરીઓને પામવાની તેની કામલોલુપતા એ શીખર સુધી પહોંચી ગઈ હતી કે તેણે પોતાની કામવાળીને પણ નહોતી છોડી. તેની આ પ્રેમભરી લીલાઓ તેને પોલીસ સ્ટેશનના દરવાજા સુધી લઈ ગઈ.
આ દરવાજો ટપતાની સાથે જ તેના જૂના રહસ્યો પણ શરીરના સફેદ ડાઘની જેમ નીકળી પડ્યા. આ ભાઈ ખૂદને કલેક્ટર કહેતા હતા. કલેક્ટર હતા પણ ખરા, જોકે તેમણે આઈએએસ એવોર્ડ માટે જે કૃત્ય કર્યું તેણે કલેક્ટરના પદની ગરીમાને ક્યાંયની નથી રહેવા દીધી. કલેક્ટર ખોટી રીતે બન્યો. આ ચાલબાજનું નામ છે સંતોષ વર્મા. જેની જીવની એક ફિલ્મની પટકથાને લાયક બની ગઈ છે.
આઈએએસ બની ધૂતારામાં શ્રેષ્ઠ એવા સંતોષ વર્માના કિસ્સાઓ મધ્યપ્રદેશની ગલીએ ગલીએ રહેતા છોકરાઓની જીભે ચોંટી ગયા છે. તેણે અત્યાર સુધી ચાર મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી છે. જેમાંથી એક તેની કામવાળી પણ છે. તેણે આ તમામ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા પણ પત્નીનો દરજ્જો કોઈને ન આપ્યો.
એ ચપટી વગાડતા શહેર બદલી નાખતો હતો અને પ્રેમિકા (પત્ની) પણ બદલી નાખતો હતો. જાણે કપડાંની જોડી હોય. નવી જગ્યાએ જઈ તે નવી પ્રેમિકાની શોધખોળ કરવા લાગતો હતો. સંતોષ વર્માની પોસ્ટિંગ રિવામાં સાંખ્યકી અધિકારીના પદ પર થઈ હતી. જ્યાં તેણે પોતાનો રંગ દેખાડતા કામવાળીને ઝપેટમાં લઈ લીધી. તેની સાથે લગ્ન કરી લીધા. થોડા સમય પછી કામવાળીનો ત્યાગ કરી ભાગી ગયો. તેની કામવાળી તેના પદની સામે કંઈ ન કરી શકી. સંતોષ કબૂતરની જેમ ઉડન છૂ થઈ ગયો, નવી કબૂતરીની શોધ માટે.
સંતોષ વર્મા જ્યારે હરદા ખાતે પહોંચ્યો તો ત્યાં પણ એક યુવતીના ગળાડૂબ પ્રેમમાં પડી ગયો. આ અધિકારીએ તેના પર લાખો રૂપિયા ખર્ચ કરી દીધા. જોકે લગ્ન અને સંબંધોને સાર્વજનિક ન કર્યા. પીડિતા પોલીસ સ્ટેશને પહોંચી ગઈ અને સંતોષ વર્માની વિરૂદ્ધ પોલીસ કેસ ફાઈલ કરી દીધો. સંતોષ માટે આ કેસ આડખીલી રૂપ આવતો હતો. તેને કલેક્ટરના પદ પર પ્રમોશન જોઈતું હતું અને પ્રમોશન ત્યારે મળે જ્યારે જે તે વ્યક્તિ પર કોઈ કેસ ફાઈલ ન હોય.
જ્યારે સંતોષ વર્માની પોસ્ટિંગ ધારમાં થઈ તો તેણે ઈન્દોરની એક યુવતીને ફસાવી લીધી. આ યુવતી એલઆઈસી એજન્ટ હતી. સંતોષે થોડા દિવસ બાદ તેની સાથે પણ લગ્ન કરી લીધા. જોકે સાથે રહેવાની ના પાડી દીધી. યુવતી આ વાતથી ભડકી ગઈ અને ઈન્દોરના લસૂડિયા પોલીસ સ્ટેશનમાં કમ્પલેન કરી દીધી. પીડિતાની વાત પર તપાસ કરવામાં આવી તો નકલી આઈએસ અધિકારીની પોલ ખુલીને રહી ગઈ.
જાણકારી એવી મળી રહી છે કે હરદાની યુવતીની ફરિયાદ સંતોષ વર્માના પ્રમોશનમાં આડે આવી રહી હતી. તેણે ખૂદને દોષમુક્ત દર્શાવવા માટે નકલી દસ્તાવેજ તૈયાર કર્યા અને ડીપીસીમાં લગાવીને પ્રમોશન મેળવી લીધું. તેણે સીબીઆઈ અને વ્યાપમના વિશેષ ન્યાયાધીશ વિજેન્દ્ર સિંહ રાવતનાં નકલી હસ્તાક્ષર પણ કરી લીધા.
જણાવી દઈએ કે રાજ્ય પ્રશાસનિક સેવાથી ભારતીય પ્રશાસનિક સેવામાં જતાં પહેલા જે તે અધિકારીની તપાસ કરવામાં આવે છે. સાવ સામાન્ય ગુનો હોય તો પણ આઈએએસ એવોર્ડ અટકી જાય છે. એવામાં જો સંતોષ વર્માની વિરૂદ્ધ કેસ ફાઈલ થયો તેવી જાણ ડીપીસીને મળેત તો તેને પોતાના કાર્યકાળમાં કોઈ દિવસ આઈએએસ એવોર્ડ ન મળેત. તેણે નકલી આદેશ બનાવી લીધો. કલેક્ટર બની ગયો. જોકે પોલીસ તપાસમાં સંતોષ વર્મા ખૂદ પર લાગેલા આરોપોને નકાર્યા રાખે છે. સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે બે દિવસમાં તેના નિલંબનની કાર્યવાહી થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત