Homeગામનાં ચોરેઆપણે દિલ્હી જીતવા નહીં, દેશની જનતાના દિલ જીતવા જઈ રહ્યા છીએ

આપણે દિલ્હી જીતવા નહીં, દેશની જનતાના દિલ જીતવા જઈ રહ્યા છીએ

ગોવાબાપાઃ ચાબુક આવતીકાલે પ્રજાસત્તાક દિવસ છે એના કરતાં આવતીકાલે ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરવાના છે એની ચર્ચા દેશભરમાં વધુ થઈ રહી છે. કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરવાની પરવાનગી મળી ગઈ છે. અને આજે ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ ટ્રેક્ટર લઈને પરેડનું રિહર્સલ પણ કર્યું. હવે કાલે આ બધા ટ્રેક્ટર દિલ્હીના રસ્તાઓ પર દોડશે ચાબુક. ખેડૂતોની આ પરેડ એક પ્રકારનું સરકાર સામેનું શક્તિ પ્રદર્શન જ છે.

ચાબુક મને તો જાણવા મળ્યું છે કે અમુક લોકોએ તો પરેડ માટે નવા નક્કોર ટ્રેક્ટર ખરીદ્યા છે.

ટ્રેક્ટર માર્ચ માટેના નિયમો

ખેડૂતો તો તમામ વાહનો સજાવીને ટ્રેક્ટર પરેડ માટે તૈયાર છે પરંતુ સરકાર અને દિલ્હી પોલીસે વાતાવરણ બગડે નહીં એના માટે અમુક બંધનો રાખ્યા છે. દિલ્હી પોલીસે 37 શરતો સાથેની એનઓસી આપી છે. જેમાં કહેવાયું છે કે ખેડૂતો નક્કી કરેલા રૂટ પરથી જ ટ્રેક્ટર લઈને નીકળી શકશે. આ દરમિયાન ભડકાઉ ભાષણ નહીં આપી શકાય અને હથિયાર પણ નહીં રાખી શકાય. ટ્રેક્ટર પરેડ માટે બપોરના 12 થી સાંજના 5 વાગ્યા સુધીનો જ સમય આપવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે જો નિયમો તોડવામાં આવશે તો કાર્યવાહી થશે જ.

કોણ કરશે ટ્રેક્ટર પરેડની આગેવાની

હજારો ટ્રેક્ટરો સાથેની પરેડ દિલ્હીના રસ્તાઓ પર નીકળશે ત્યારે માહોલ તો જોવા જેવો હશે જ હો ચાબુક. કેમ કે આવી ટ્રેક્ટર પરેડ દેશની જનતાએ ક્યારેય નહીં જોઈ હોય. પણ તને ખબર ચાબુક આ ટ્રેક્ટર પરેડનો સેનાપતિ કોણ છે.

ના ગોવા બાપા.

આજે સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં ટ્રેક્ટર પરેડની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ખોડૂતોના જણાવ્યા અનુસાર કુલ 9 જગ્યાએથી દોઢ લાખ ટ્રેક્ટર દિલ્હીમાં પ્રવેશ કરશે અને આ ટ્રેક્ટર પરેડની આગેવાની ગુરુનામ સિંહ ચઢૂની કરશે.

શાંતિની અપીલ

આટલી મોટી ટ્રેક્ટર પરેડ થવા જઈ રહી છે ત્યારે ન કરે નારાયણને કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો ? આવું ન થાય એટલા માટે ખેડૂત સંગઠનના આગેવાનો આંદોલનકારી ખેડૂતોને શાંતિ માટેની અપીલ અત્યારથી જ કરી રહ્યા છે. યોગેન્દ્ર યાદવે ટ્વિટ કરીને લખ્યું કે, ‘આપણે દિલ્હી જીતવા નથી જઈ રહ્યા, આપણે દેશની જનતાના દિલ જીતવા જઈ રહ્યા છીએ’. સંયુક્ત કિસાન મોર્ચાએ એક પત્રિકા બહાર પાડી છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે, આપણે આ પરેડના માધ્યમથી દેશ અને દુનિયાને આપણું દુઃખ દર્દ દર્શાવવાનું છે. પત્રિકાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે પરેડ દરમિયાન કોઈ સાથે હથિયાર ન રાખે અને ભડકાઉ અથવા નેગેટિવ સૂત્ર લખેલા બેનર પણ ન લગાવે.

ખેડૂતોનું નવું એલાન

પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડ બાદ ખેડૂતોએ સરકારનો વિરોધ કરવા માટે નવી જાહેરાત કરી છે. અને હવે વારો છે સંસદનો.

કેમ ગોવાબાપા ખેડૂતો સંસદમાં ઘુસવાના છે ?

ના ચાબુક વાત એવી છે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સંસદમાં દેશનું બજેટ રજૂ કરવાની છે અને આ દિવસે આંદોલનકારી ખેડૂતોએ સંસદ માર્ચ કાઢવાની જાહેરાત કરી દીધી છે.

ગોવા બાપા આ તો ફેબ્રુઆરીમાં માર્ચ જોવા મળશે.

ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો

ચાબુક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બારણે ટકોરા દઈ રહી છે. સમયગાળો ઓછો હોવાથી તમામ પક્ષો જીતના ચોગઠા ગોઠવવામાં લાગી ગયા છે. આજે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપના આગેવાનો અલગ અલગ જગ્યાએ ચૂંટણી લડવા ઇચ્છુકોને સાંભળવા આવ્યા હતા. હવે ચાબુક રાજકોટ મનપાની 72 બેઠકો પર ભાજપમાંથી 784 જેટલા દાવેદારોએ પક્ષ સમક્ષ ટિકિટની ઇચ્છા વ્યક્ત કરી છે. હવે ભાજપનું મોવડી મંડળ મુંઝાયું છે કે આમાંથી કોને ટિકિટ આપવી. કેમ કે જેટલી બેઠક છે એના દસ ગણા દાવેદારો ટિકિટ માગી રહ્યા છે. હવે જોઈએ કોને ટિકિટ હાથ લાગે છે અને કોની ટિકિટ કપાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments