The Chabuk- National Desk: ગણતંત્ર દિવસ અને ખેડૂતોની ટ્રેક્ટર રેલીને ધ્યાને રાખી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમામ તૈયારીઓ વચ્ચે, દિલ્હી પોલીસને ઇનપુટ મળ્યા છે કે, પ્રતિબંધિત સંગઠન દિલ્હીમાં વીજળી ડૂલ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે, 25 અને 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખાલિસ્તાન તરફી સંગઠન સીખ ફોર જસ્ટિસએ સોશિયલ મીડિયા પર વીજળી કટ કરવાની ધમકી આપી છે.
આ માહિતી મળ્યા બાદથી ગુપ્તચર એજન્સીઓ અને દિલ્હી પોલીસ હાઈએલર્ટ પર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંગઠન ડિસ્કોમ્સ, પાવર ગ્રીડ અને પાવર સબ-સ્ટેશનોને નિશાન બનાવી શકે છે. પોલીસનું કહેવું છે કે, યુવાનોને આવું કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. સીખ ફોર જસ્ટીસ સંગઠન પર ગુપ્તચર એજન્સીઓની સતત નજર છે.
26 જાન્યુઆરીએ દિલ્હી, અયોધ્યા અને બોધ ગયામાં આતંકવાદી હુમલા થવાના ઇનપુટ્સ પણ મળી ચૂક્યા છે. રોંહિગ્યા ઘુસણખોરોનું એક જૂથ દિલ્હીમાં આત્મઘાતી હુમલો કરી શકે છે. એવી પણ ચર્ચા છે કે, દેશના ઘણા ઉગ્રવાદી સંગઠનો આતંકવાદી સંગઠનો સાથે ભળી ગયા છે. આવી સ્થિતિમાં આતંકવાદી સંગઠનો દિલ્હી સહિત દેશમાં ગમે ત્યાં ટાર્ગેટ કિલિંગ કરાવી શકે છે.
આ આતંકવાદી સંગઠનો ખેડૂત આંદોલનને પણ નિશાન બનાવી શકે છે. આ વખતે જે ઈનપુટ્સ મળ્યા છે તે ખૂબ ગંભીર છે. સુરક્ષા એજન્સીઓ એટલે જ વધુ સતર્ક બની છે. આતંકી હુમલાના સિરિયલ ઇનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય, દિલ્હી સહિત અનેક રાજ્ય સરકારો અને તેમના પોલીસ વડાઓ સાથે સંપર્કમાં છે.
દિલ્હી પોલીસની આતંકવાદ વિરોધી ટીમ એટલે કે સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે કહ્યું હતું કે, આ વખતે આતંકવાદી હુમલાના ખૂબ ગંભીર ઇનપુટ્સ છે. આતંકવાદી સંગઠનો દિલ્હી, અયોધ્યા અને બોધ ગયા સહિત અનેક જગ્યાએ આતંકવાદી હુમલા કરી શકે છે.
રોહિંગ્યાના જૂથને આ માટે તાલીમ આપવામાં આવી છે. આ જૂથ આત્મઘાતી તરીકે દિલ્હી સહિત દેશમાં હુમલો કરી શકે છે. આ સિવાય ખાલિસ્તાન, ઉત્તર-પૂર્વ રાજ્યો અને જમ્મુ-કાશ્મીરના કેટલાક આતંકવાદી જૂથોના આતંકવાદી સંગઠનો એક થઈ ગયા છે. આતંકવાદી સંગઠનો સાથે દિલ્હી રમખાણોમાં મુખ્ય ભૂમિકા ભજવનારી સંસ્થાના ઇનપુટ્સ પણ છે. આ ઇનપુટ્સ ગયા સપ્તાહે મળ્યા છે.
ઇનપુટ્સમાં કહેવાયું છે કે, જમ્મુ-કાશ્મીરમાં 370 અને 35Aને હટાવવાના વિરોધમાં આતંકી સંગઠનો ટાર્ગેટ કિલિંગ કરાવી શકે છે. ઇનપુટ્સમાં એવું પણ કહેવાયું છે કે, આતંકવાદીઓ ખેડૂત આંદોલનનો પણ લાભ લઈ શકે છે.
આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ માટેનું ખેડૂત આંદોલન મુશ્કેલીરૂપ બની રહ્યું છે. દિલ્હીમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓને તમામ ધરણાં સ્થળ, ગણતંત્ર પરેડ અને ખેડૂતો જ્યાં મોટી સંખ્યામાં એકત્ર થયા છે ત્યાં એલર્ટ કરી દેવાઈ છે. આ સ્થળોએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું કે, રોહિંગ્યા જૂથ દ્વારા આતંકવાદી હુમલો કરવા માટે પ્રથમ વખત ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે. ઉત્તમનગર અને પૂર્વ દિલ્હીથી આઠ રોહિંગ્યા ઘૂસણખોર ગેરકાયદેસર રીતે દિલ્હીમાં પ્રવેશ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે રોહિંગ્યા ઘૂસણખોરો પકડાયા છે.
મોટાભાગના આતંકવાદી સંગઠનો એક થઈ ગયા છે
ઇનપુટ્સમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગના આતંકવાદી સંગઠનો એક થઈ ગયા છે. તેઓએ દેશના ઉગ્રવાદી સંગઠનોને સામેલ કરી લીધા છે. આ લોકો કોઈ પણ ભોગે આતંકવાદી હુમલો કરાવવા માગે છે. ગુપ્તચર એજન્સીઓએ દેશના અનેક રાજ્યોમાં આતંકવાદી હુમલાના ઇનપુટ્સ મોકલ્યા છે. ડ્રગ્સની હેરાફેરી કરીને આતંકવાદી હુમલા માટે રૂપિયા એકઠાં કરાયા છે..
બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ દિવસ રાત એક કરી દીધા છે. અને સુરક્ષા જવાનો દરેક નાની-નાની શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત