Homeગામનાં ચોરેકૃષિ કાયદા પરત લેવા અને એમએસપીને લઈ ખેડૂતોનું ચક્કાજામ

કૃષિ કાયદા પરત લેવા અને એમએસપીને લઈ ખેડૂતોનું ચક્કાજામ

Team Chabuk National Desk: ખેડૂત આંદોલન મજબૂતાઈ પકડી રહ્યું છે. 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી બાદ આજે ફરીથી ખેડૂતો મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે. 6 ફેબ્રુઆરીએ એટલે કે આજે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં અને એમએસપીને લઈ દેશભરમાં ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું છે. ખેડૂતોએ આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામ કરવા માટેની જાહેરાત કરી છે. જો કે ચક્કાજામમાંથી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને બાકાત રાખવામાં આવ્યા છે. અહીં ચક્કાજામ નહીં કરવામાં આવે. બાકી દેશભરમાં ચક્કાજામ કરવા માટે ખેડૂતોને કહેવામાં આવ્યું છે.

ખેડૂતોના ચક્કાજામને લઈને અને 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ફેલાયેલી હિંસાના ડરને જોતા પોલીસ પણ તૈયાર છે. દિલ્હી પોલીસે ખાસ કરીને સિંઘુ બોર્ડર અને ગાજીપુર બોર્ડર પર વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે. ગાજીપુર બોર્ડર પર પોલીસે બેરિકેડ પણ લગાવી દીધી છે સાથે જ વોટર કેનન વાહનને પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પોલીસની સાથે ઠેર ઠેર પેરામિલિટરી ફોર્સને પણ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવી છે.

26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ પોલીસે લાલ કિલ્લા પર ખેડૂતોના ચક્કાજામના એલાનને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. દિલ્હીમાં ખેડૂતો ચક્કાજામ નથી કરવાના પરંતુ તેમ છતાં સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય અને 26મી જાન્યુઆરીએ થયેલી ભુલ પોલીસ આ વખતે કરવા નથી માગતી તેથી વહેલી સવારથી જ લાલ કિલ્લા પર પોલીસ બંદોબસ્ત જડબેસલાક કરી દેવાયો છે.

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં કેમ ચક્કાજામ નહીં

ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ચક્કાજામમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને બાકાત રખાયા છે. દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ માહોલ તંગ છે તેથી દિલ્હીમાં ચક્કાજામ ન કરવાનું ખેડૂત આંદોલનકારીઓએ નક્કી કર્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કા જામ નહીં કરવા અંગે રાકેશ ટિકેતે કહ્યું હતું કે, અમારી પાસે માહિતી છે કે ચક્કા જામ દરમિયાન કેટલાક તત્વો હિંસા ફેલાવવાની કોશિશ કરી શકે છે. તેથી અમે જનહિતને ધ્યાને લઈને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને ચક્કાજામમાંથી બાકાત રાખ્યા છે.

કોંગ્રેસે કર્યું સમર્થન

6 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ખેડૂતો દ્વારા અપાયેલા ચક્કાજામને રાજકીય પાર્ટીઓનું પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસે ચક્કા જામને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, પાર્ટીના કાર્યકરો ખેડૂતો દ્વારા આપવામાં આવેલા 3 કલાકના ચક્કા જામને સમર્થન કરે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, ‘છેલ્લા 73 દિવસથી ખેડૂતો સરકાર દ્વારા દગાથી બનાવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. લાખો ખેડૂતો ગાંધીવાદી રીતે દિલ્હીની બોર્ડર પર શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે.’ કેસી વેણુગોપાલે આગળ કહ્યું કે, ‘કેન્દ્રની મોદી સરકાર સત્તાના નશામાં ખેડૂતોના મુદ્દાને હલ કરવાની જગ્યાએ બદનામ કરી રહી છે. આ માહોલમાં કોંગ્રેસ સંપૂર્ણ રીતે ખેડૂત આંદોલન અને ચક્કાજામનું સમર્થન કરે છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments