Team Chabuk National Desk: ભારત આઝાદ થયા પછી દેશમાં પહેલીવાર કોઈ મહિલા દોષિતને ફાંસીના માચડે ચડાવવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હત્યારી મહિલા શબનમની દયા અરજી ફગાવી દીધી છે.
કેવી રીતે કરી હતી હત્યા ?
ઘટના 2008ની છે. ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લાના બાવનખેડીમાં શબનમે પોતાના જ પરિવારના સાત સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નિર્દયી મહિલાએ માસૂમ ભત્રીજાને પણ નહતો છોડ્યો. પરિવારના છ સભ્યોની તેણે કૂહાડીથી ગળુ રહેસી નાખ્યું હતું જ્યારે ભત્રીજાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
કોની કોની હત્યા થઈ હતી ?
શબનમના પિતા શૌકત અલી
શબનમની માતા હાશમી
ભાઈ અનીસ અને રશિદ
ભાભી અંજુમ
ફઈની દીકરી રાબિયા
ભત્રીજો અર્શ
હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાયો ?
જે સમયે હત્યા થઈ તે સમયે ઘરમાં શબનમ સહિત આઠ લોકો હતા. આઠ લોકોમાંથી સાત લોકોની હત્યા થઈ ગઈ. શબનમે જ પોલીસને જાણ કરી હતી. શબનમે પોલીસને ગોળ-ગોળ વાતોમાં એવી રીતે ફસાવ્યા હતા કે પોલીસ થોડા દિવસો માટે ગુમરાહ થઈ ગઈ હતી. પોલીસને કોઈ પુરતા પુરાવા મળી રહ્યા ન હતા. શબનમે પોતે એક કહાની બનાવી હતી. શબનમે પોલીસને કહ્યું હતું કે, હત્યારાઓ મકાનના પાછળના ભાગે સીડી રાખીને ઘરમાં ઘૂસ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. બીજી તરફ પોલીસને જે જગ્યા શબનમ બતાવી રહી હતી ત્યાંથી કોઈ સીડી કે કોઈ વ્યક્તિના પગલાં પણ ન હતા મળ્યા.
શબનમે એવું પણ કહ્યું હતું કે, ગરમી થતી હોવાથી તે અગાસી પર ટહેલવા માટે ગઈ હતી. આ સમયે હત્યારાઓ ઘરમાં ઘૂસ્યા હતા અને તમામ લોકોની હત્યા કરી દીધી હતી. ઘટનાસ્થળે તમામ લોકોના મૃતદેહ પર ચાદર ઢાંકેલી હતી.
પોલીસને આ દરમિયાન જ શંકા ગઈ હતી કે શબનમ એકલી કેવી રીતે બચી ગઈ. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પરિવારના સભ્યોને નશાની ગોળીઓ અથવા ઝેર આપ્યું હોવાનો ખુલાસો થયો એટલે પોલીસની શંકા વધુ મજબુત થઈ. પોલીસે શબનમની મોબાઈલ ડિટેઈલ કાઢી તો તેમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી. મોબાઈલ ડિટેઈલ પરથી સામે આવ્યું હતું કે, શબનમે 52 વાર સલીમ નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. બાદમાં સલીમ શબનમનો પ્રેમી હોવાનો ખુલાસો થયો.
કહેવામાં આવી રહ્યું છે કે, શબનમને સલીમ સાથે પ્રેમ હતો પરંતુ પરિવારને બન્નેનો પ્રેમ મંજુર ન હતો. પ્રેમમાં આડખીલીરૂપ બનનાર પરિવારની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને સમય આવ્યે શબનમે પોતાના પરિવારના જ સાત સભ્યોની પ્રેમમાં આંધળી બનીને હત્યા કરી નાખી હતી.
શબનમની પૂછપરછ દરમિયાન તેની તબિયત વારંવાર ખરાબ થઈ રહી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ તો પોલીસને વધુ એક ક્લૂ મળ્યો. શબનમ ગર્ભવતી હતી. ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી અને આકરા શબ્દોમાં પૂછપરછ કરતાં બંનેએ સત્ય જણાવી દીધુ હતું અને હત્યા શબનમે જ કરી હોવાનું કબુલ્યું હતું.
52 દિવસમાં દાખલ કરી હતી ચાર્જશીટ
સમગ્ર ઘટનાની તપાસ વિવેચના પોલીસ કરી રહી હતી. તપાસ અધિકારી આર.પી. ગુપ્તાએ આ અંગે કહ્યું કે, તેમણે 52 દિવસમાં સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ કરી હતી. જેમાં 300 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ સમગ્ર મામલે કુલ 45 સાક્ષીઓને પણ રજુ કરવામાં આવ્યા હતા. આર.પી.ગુપ્તાની સારી અને ઝડપી કામગીરી બદલ માયાવતી સરકારે તેમને 50 હજાર રૂપિયાનું ઈનામ પણ અપાયું હતું.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત