Homeવિશેષસિંહાસન બત્રીસી : મલયવતીની વિક્રમાદિત્ય અને દાનવીર રાજા બલિની વાર્તા

સિંહાસન બત્રીસી : મલયવતીની વિક્રમાદિત્ય અને દાનવીર રાજા બલિની વાર્તા

Team Chabuk : વિક્રમાદિત્ય ખૂબ જ યશસ્વી અને પ્રતાપી રાજા હતા. રાજ કાજ ચલાવવામાં તેમનો કોઈ મુકાબલો નહોતો. વીરતા અને વિદ્રતા બંનેનું ઉત્તમ સંગમ હતા. તેમનું શાસ્ત્ર જ્ઞાન પણ શસ્ત્ર જ્ઞાનની માફક ધારદાર હતું.

રાજકાજમાંથી જે સમય બચતો હતો તે શાસ્ત્રોનું અધ્યયન કરવામાં વિતાવતા હતા. આ ધ્યેયથી જ તેમણે રાજમહેલના એક ભાગમાં વિશાળ પુસ્તકાલય બનાવ્યું હતું.

એક દિવસ તેઓ ધાર્મિક ગ્રંથ વાંચી રહ્યા હતા. તેમાં એક જગ્યાએ તેમને મહારાજા બલિનો પ્રસંગ વાંચવા મળ્યો. રાજાનો પ્રસંગ વાંચ્યા પછી તેમને ખબર પડી કે બલિ રાજા ખૂબ જ દાનવીર અને વચનનાં પાક્કા હતા. એ એટલા પરાક્રમી અને મહાન રાજા હતા કે ઈન્દ્રની શક્તિ તેમની શક્તિ આગળ પાણી ભરતી હતી. દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે તેઓ બલિ રાજાનો કશો ઉપાય કરે. વિષ્ણુએ વામનરૂપ ધારણ કર્યું. વામન રૂપ ધરીને તેમણે બધું પ્રાપ્ત કરી લીધું અને તેમને પાતાળ લોકમાં જવું પડ્યું.

જ્યારે તેમની કથા વિક્રમે વાંચી તો લાગ્યું કે આવા મોટા દાનવીરના દર્શન તો અચૂક કરવા જોઈએ. તેમણે વિચાર કર્યો કે ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે તથા તેમની પાસેથી દૈત્યરાજ બલિને મળવાનો માર્ગ પૂછવામાં આવે. આવો વિચાર આવતા જ તેમણે રાજપાટ અને મોહ-માયાથી ખૂદને અલગ કરી દીધા તથા મહામંત્રીને રાજભાર સોંપીને જંગલ તરફ પ્રસ્થાન કર્યું.

જંગલમાં તેમણે તપસ્યા શરૂ કરી અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. તેમની તપસ્યા ખૂબ જ લાંબી ચાલી. શરૂઆતમાં તો માત્ર એક જ વખત ભોજન કરતાં હતાં. થોડા દિવસો પછી તેમણે એ ભોજનનો પણ ત્યાગ કરી દીધો. ફક્ત ફળ અને કંદમૂળ ખાઈને જ જીવન નિર્વાહ કરવા લાગ્યા. થોડા સમય પછી ફળ અને કંદમૂળ પણ ત્યાગી દીધા અને પાણી ઉપર જ જીવન નિર્વાહ કરવા લાગ્યા. આકરી તપસ્યાથી તેમનું શરીર નબળું પડવા લાગ્યું. તેમને ઉઠવા અને બેસવામાં પણ તકલીફ થવા લાગી.

ધીમે ધીમે તપસ્યા સ્થળની પાસે અન્ય કેટલાક તપસ્વીઓ પણ આવી ગયા. કોઈ એક પગ ઉઠાવીને તપસ્યા કરવા લાગ્યું તો કોઈ એક હાથ ઊંચો કરીને. કોઈ કાંટાઓ પર ઊંઘીને તપસ્યા કરવા લાગ્યું તો કોઈ ગરદન સુધી જમીનમાં દટાઈને. ચારે બાજુ ઈશ્વરના નામની જ ચર્ચા થવા લાગી. વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થઈ ગયું.

વિક્રમે થોડા સમય પછી જળનો પણ ત્યાગ કરી દીધો અને આહાર વિનાની તપસ્યા કરવા લાગ્યા. હવે એમનું શરીર વધારે નબળું પડી ગયું. વિક્રમની જગ્યાએ જાણે હાડકા હોય અને થોડી અમથી ચામળી ચોંટી હોય એવા પ્રતિત થતા હતા. તેમને કોઈ પણ જુએ દયા આવી જાય, પણ વિક્રમને તો કોઈ વાતની ચિંતા નહોતી. હવે તેમની સામે બે જ માર્ગ હતા. વિષ્ણુની આરાધના કરતા કરતા તેમના પ્રાણ નીકળી જાય તો તેઓ સીધા સ્વર્ગે પહોંચી જાય અને વિષ્ણુ સાથે તેમની મુલાકાત થાય. જો વિષ્ણુનું સ્મરણ કરતા કરતા તેઓ પ્રસન્ન થઈ જાય તો દૈત્યરાજ બલિ સાથે ભેટ થઈ જાય. એ પૂરતી લગનથી પોતાના અભીષ્ટની પ્રાપ્તિમાં રત હતા. જીવન અને શરીરનો તેમને જરા પણ મોહ નહોતો.

રાજાની નજીક જ તપસ્યા કરનારા યોગીએ તેમને પૂછ્યું, ‘આટલી ઘોર તપસ્યા શા માટે ?’

વિક્રમે તેમને ખોટો જવાબ આપ્યો, ‘ઈહલોકમાંથી મુક્તિ અને પરલોકમાં સુધાર માટે.’

તપસ્વીએ કહ્યું, ‘આ રાજાનું કામ નથી. રાજાને તો રાજકાજ માટે ઈશ્વર દ્વારા જન્મ આપવામાં આવે છે. જો તે રાજકાજથી મોઢું ફેરવી લે છે તો પોતાના કર્મથી મોઢું ફેરવી લે છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યએ પોતાના કર્મથી મોઢું ન ફેરવવું જોઈએ.’

વિક્રમે ખૂબ જ ગંભીર સ્વરથી તેમને કહ્યું, ‘કર્મ કરતાં પણ ધર્મથી કોઈ દિવસ મોઢું ન ફેરવવું જોઈએ. શું શાસ્ત્રોમાં કોઈ પણ સ્થિતિમાં ધર્મથી વિમુખ હોવાનું કહેવામાં આવ્યું છે ?’

વિક્રમની વાત સાંભળીને તપસ્વી એકદમ ચૂપ થઈ ગયો. તેમના તર્કપૂર્ણ ઉત્તરની સામે તપસ્વીની એક પણ ન ચાલી. રાજા ફરી તપસ્યામાં લીન થઈ ગયો.

સતત તપસ્યા કરવાનાં કારણે રાજા અત્યાધિક નબળા થઈ ગયા અને બેભાન થઈ ગયા. ખાસ્સા સમય પછી ભાનમાં આવ્યા. એ તપસ્વી ફરી તેમની પાસે આવ્યો અને તપસ્યાનો ત્યાગ કરવાનું કહ્યું, ‘રાજા તો ગૃહસ્થ હોય છે. તપસ્વીઓની માફક તેમણે તપ ન કરવું જોઈએ. ગૃહસ્થને પોતાની સીમામાં રહીને તપસ્યા કરવી જોઈએ.’

એ રાજાને વારંવાર ગૃહસ્થીની યાદ દેવડાવતો રહ્યો અને તપસ્યા ન કરવાના અગણિત કારણો આપતો રહ્યો. રાજાએ તેની આ બધી વાતની સામે કહ્યું, ‘હું તો મનની શાન્તિ માટે તપસ્યા કરી રહ્યો છું.’ રાજા ફરી જુઠ્ઠુ બોલ્યા હતા. તપસ્વીએ કંઈ જવાબ ન આપ્યો. રાજા ફરી પોતાના કાર્યમાં એકાકાર થઈ ગયા.

શરીરમાં નબળાઈ તો હતી જ – એક વખત ફરી તેઓ અચેત થઈ ગયા.

જ્યારે લાંબા સમય પછી તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમનું માથું ભગવાન વિષ્ણુનાં ખોળામાં હતું. તેમને ખબર પડી ગઈ કે તપસ્યાથી તેમને રોકનારું બીજું કોઈ નહિ પણ સ્વયં ભગવાન વિષ્ણુ હતા.

વિક્રમે ઉઠીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા તો ભગવાને પૂછ્યું, ‘શા માટે આટલું કઠોર તપ?’

વિક્રમે આ વખતે સાચો જવાબ આપતા કહ્યું, ‘મારે રાજા બલિની સાથે ભેટ કરવી છે.’

ભગવાન વિષ્ણુએ તેમને એક શંખ આપ્યો અને કહ્યું, ‘સમુદ્રની વચ્ચોવચ પાતાળ લોકમાં જવાનો માર્ગ છે. આ શંખને સમુદ્ર તટ પર ફૂંક્યા પછી તને સમુદ્ર દેવના દર્શન થશે અને તે જ તને રાજા બલિ સુધી પહોંચવાનો માર્ગ બતાવશે.’

શંખ આપીને વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. વિષ્ણુના દર્શન બાદ વિક્રમે ફરી સ્વાસ્થ્ય અને અસીમ શક્તિ પ્રાપ્ત કરી લીધી.

શંખ લઈને તેઓ સમુદ્રની પાસે આવ્યા અને પોતાની સમગ્ર શક્તિથી શંખ ફૂંકવા લાગ્યા. સમુદ્ર દેવ વિક્રમાદિત્યની સામે ઉપસ્થિત થયા અને સમુદ્રનું પાણી બે ભાગમાં વિભાજીત થઈ ગયું. સમુદ્રની વચ્ચે હવે ભૂમિ માર્ગ દેખાવા લાગ્યો. રાજા વિક્રમાદિત્ય જ્યારે રાજા બલિના દ્રાર પાસે પહોંચ્યા તો દ્રારપાળે અજાણ્યા વ્યક્તિને રોકતા પૂછ્યું, ‘અહીં આવવાનું પ્રયોજન ?’

વિક્રમે તેમને જણાવ્યું, ‘રાજા બલિના દર્શન માટે હું મૃત્યુલોકમાં આવ્યો છું.’

એક સૈનિક તેમનો સંદેશ લઈ અંદર ગયો અને ઘણા સમય બાદ બહાર આવી વિક્રમને કહ્યું, ‘તેઓ હમણાં તમારી સાથે ભેટ નહીં કરી શકે.’

એમણે વારંવાર રાજાને મળવાની ઈચ્છા વ્યક્તિ કરી પણ મહારાજા બલિએ તેમની સાથેની મુલાકાતને અવગણી દેતા હતા.

હતાશ થયેલા રાજાએ અંતે પોતાની તલવાર કાઢી અને પોતાનું જ માથું કાપી નાખ્યું. પ્રહરીઓએ આ ખબર રાજા બલિને આપી. બલિએ અમૃતના ટીપાં નાખી વિક્રમાદિત્યને પુન:જીવિત કરી દીધો.

મહારાજા જીવિત તો થયા પણ તેમની સામે રાજા બલિ નહોતા. વિક્રમે ફરી ઈચ્છા વ્યક્ત કરી. આ વખતે અંદર ગયેલા દ્રારપાળે બલિ રાજાને સંદેશ પહોંચાડ્યો તો તેમણે કહ્યું, ‘જાઓ અને વિક્રમને કહો, કે હું મહાશિવરાત્રીનાં પાવન દિવસે તેમની સાથે મુલાકાત કરીશ.’

વિક્રમને લાગ્યું કે બલિએ સમય વેડફવા માટે આ સંદેશ મોકલ્યો છે. તેમની લાગણી દુભાઈ. તેમણે ફરી પોતાની તલવાર કાઢી અને માથું કાપી નાખ્યું. પ્રહરિઓ ફરી ચિંતામાં ગરકાવ થઈ ગયા અને રાજા બલિ સુધી વિક્રમની મૃત્યુની ખબર પહોંચાડી. રાજા બલિને પણ ખબર પડી ગઈ કે આ દૃઢ નિશ્ચય કરીને આવ્યો છે. મુલાકાત કર્યા સિવાય જશે નહીં. નોકરોનાં હાથે અમૃત મોકલાવી તેના ટીપાં વિક્રમને આપવામાં આવ્યા. તે ફરી જીવિત થયો.

વિક્રમના ઊભા થતાં જ દ્રારપાળોએ બલિ રાજા સાથે મુલાકાત કરવાના ઉદ્દેશ્યથી તેમને અંદર લઈ ગયા.

રાજા બલિએ વિક્રમાદિત્યને કુતૂહલવશ પૂછ્યું, ‘મને મળવા પાછળનું કારણ શું ?’

વિક્રમે જવાબ આપ્યો, ‘ધાર્મિક ગ્રંથોમાં તમારા વિશે ઘણું લખેલું છે અને તમારી ઉદારતા, દાનવીરતા અને ત્યાગની ચર્ચા સર્વત્ર પૃથ્વી પર થાય છે. જેથી હું આપને મળવા માટે ઉત્સુક થઈ અહીં સુધી આવી ગયો. રાજા બલિ તેમનાથી પ્રસન્ન થયા અને વિક્રમને લાલ રંગનું મૂંગા રત્ન ઉપહારમાં આપ્યું અને કહ્યું, ‘આ તને માગી વસ્તુ આપી શકે છે. આ રત્નથી અસંભવ કાર્ય પણ સંભવ થઈ શકે છે.’

વિક્રમે, રાજા બલિને પ્રણામ કર્યા અને જવા માટેની આજ્ઞા લીધી. તેઓ પ્રસન્નચિત્ત થઈ મૃત્યુલોક પરત ફરવા નીકળ્યા. પાતાળલોકની બહાર તેમને અનંત ઊંડાઈવાળો સમુદ્ર દેખાયો. ભગવાન વિષ્ણુએ આપેલો શંખ ફૂંકતા સમુદ્ર બે ભાગમાં વિભાજીત થઈ ગયો. તેની વચ્ચે જ ભૂમિગત ભાગ દેખાવા લાગ્યો. વિક્રમાદિત્ય જમીન પર આવી જતા એ માર્ગ ગાયબ થઈ ગયો અને સમુદ્ર ફરી પૂર્વવત્ થઈ વહેવા લાગ્યો.

રાજા બલિ સાથે ભેટ કરી રાજા વિક્રમાદિત્ય પરત આવી રહ્યા હતા. રસ્તામાં વિક્રમાદિત્યને એક સ્ત્રી વિલાપ કરતી જોવા મળી. તેના વાળ અસ્તવ્યસ્ત હતા. નજીકમાં તેનો પતિ આડો પડ્યો હતો. રાજાએ તેને પૂછ્યું તો માહિતી મળી કે તેનાં પતિનું અવસાન થઈ ગયું છે. એ બિલકુલ નિરાધાર છે. તેનું દુ:ખ જોઈ વિક્રમથી ન રહેવાયું. તેમણે વિધવા સ્ત્રીને સાંત્વના આપી અને બલિના રત્નથી તેના પતિનું પુન:જીવન માગ્યું.

બલિનાં રત્ન પાસેથી વિધવા સ્ત્રીના પતિનું જીવન વિક્રમાદિત્યએ માગ્યું. માગતાની સાથે જ વિધવા સ્ત્રીનો મૃત પતિ પુન: જીવિત થઈ ગયો. સ્ત્રીના આનંદની સીમા ન રહી.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments