Homeગામનાં ચોરેચીને ધડાધડ ત્રણ બાળકો પેદા કરવાની પોલિસી તાત્કાલિક અમલમાં કેમ મૂકી દીધી...

ચીને ધડાધડ ત્રણ બાળકો પેદા કરવાની પોલિસી તાત્કાલિક અમલમાં કેમ મૂકી દીધી ?

Team Chabuk-International Desk: ચીને પોતાની નાગરિક પોલિસીમાં મોટો ફેરફાર કરતા બેની જગ્યાએ ત્રણ બાળકો પેદા કરવાની અનુમતિ જનતાને આપી દીધી છે. આ પહેલા ચીનમાં ફક્ત બે બાળકો જ પેદા કરી શકાતા હતા. આ નિર્ણય લેવા પાછળ ચીનમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો જ્યારે યુવાનોની સંખ્યા થઈ રહેલા ઘટાડાને કારણભૂત માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે પોતાની ચાઈલ્ડ પોલિસીના કારણે ચીન આવનારા સમયમાં વૃદ્ધ થઈ જશે. ત્યાં વૃદ્ધોની સંખ્યા યુવાઓની સંખ્યા કરતા વધી ગઈ છે. જેની ચિંતા સરકારને કોરી ખાઈ છે. આ નીતિ હેઠળ ચીને લાંબા સમય સુધી એક બાળક પેદા કરવાની અનુમતિ આપી હતી. જે પછી આંકડાને બે કરવામાં આવ્યો અને હવે કપરી પરિસ્થતિનો ભેટો થતા ચીને ત્રણ બાળકો પેદા કરવાની અનુમતિ આપી દીધી છે. આ નિર્ણયને રાષ્ટ્રપતિ જિનપિંગની પણ મંજૂરી મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ચીનમાં જનસંખ્યાના આંકડા સામે આવ્યા હતા. ચીનમાં પ્રથમ એક, બે અને હવે ત્રણ બાળકોની નીતિ આવી છે. સ્પષ્ટ છે કે ચીનની સરકાર સમજી વિચારીને પગલું ભરી રહી છે. ભારતમાં યુવાઓની સંખ્યા વધારે છે જ્યારે તેની તુલનાએ ચીનમાં ઓછી છે. કોઈ પણ દેશને ધક્કો મારવા માટે યુવાશક્તિની જરૂર હોય છે. જેથી ચીન ઈચ્છે છે કે યુવાઓની ઉણપ ન સર્જાય.

એ વાત પણ સામે આવી છે કે ચીનની નવી ત્રણ બાળકોની પોલિસી ચીન માટે જ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે, કારણ કે ત્રણ બાળકો પેદા કરવા અને ઉછેરવા માતા પિતા પણ તૈયાર હોવા જરૂરી છે. આ માટે શક્ય છે કે સરકાર કોઈ એવું પગલું ભરે જેનાથી ચીનના નાગરિકોનો બાળ ઉછેરનો બોજ હળવો થઈ જાય.

ચીનમાં મોટાભાગના એવા લોકો વસવાટ કરે છે જેમને ઘરમાં એકમાત્ર સંતાન છે. જેથી તેમની જીવનશૈલી ઊચ્ચકક્ષાની હોય છે. શહેરના લોકો શેઠીયા જેવું જીવન જીવે છે. આઈફોનનો ઉપયોગ કરે છે. વિદેશ ફરવા માટે જાય છે. આટલી સમૃદ્ધિમાં જીવન વ્યતિત કરનારા ચીનના લોકો ત્રણ બાળકોમાં માને તે શક્ય નથી લાગી રહ્યું. સરકારે પણ નિવૃત્તિની વય વધારવાનો નિર્ણય લીધો છે. શાળાની ફીમાં પણ ઘટાડો કર્યો છે. જેથી ચીનમાં માતા પિતા બાળકો પેદા કરે અને ઉછેરે.

આંકડાઓ પર નજર કરવામાં આવે તો વર્ષ 2010માં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની સંખ્યા 8.9 ટકા હતી. 2020માં આ આંકડો 13.5 ટકા થઈ ગયો. ચીનમાં 1982માં વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરવામાં આવી હતી. 16 વર્ષ બાદ વર્ષ 1998માં જોવા મળ્યું હતું કે પોલિસીના કારણે દેશની જનસંખ્યા વૃદ્ધિમાં એક ટકાની પડતી આવી છે. 2016માં ચીનમાં વન ચાઈલ્ડ પોલિસીને છોડી દીધી હતી અને બે બાળકોની નીતિને અપનાવી હતી.

જેથી વર્ષ 2016માં ચીનમાં 1.78 કરોડ બાળકો પેદા થયા હતા. વર્ષ 2020 આવતા આવતા બાળકોની સંખ્યા 1.2 કરોડ થઈ ગઈ. આંકડાઓ પ્રમાણે વર્ષ 2010થી 2020 સુધી ચીનમાં જનસંખ્યાની ઝડપ 0.53 ટકા હતી. જોકે આ પહેલા વર્ષ 2000થી વર્ષ 2010ની વચ્ચે આ ઝડપ 0.57 ટકા હતી. આ સમયે જ ચીને એ લોકોને બે બાળકો પેદા કરવાની પરવાનગી આપી હતી જે તેમના માતા પિતાની એકમાત્ર સંતાન હોય અને હવે ચીન ત્રણની માંડીને બેઠું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments