Homeગામનાં ચોરેફ્રી માર્કેટનો કન્સેપ્ટ અમેરિકામાં પણ ફ્લોપ ગયો છે તો સરકાર શું વિચારીને...

ફ્રી માર્કેટનો કન્સેપ્ટ અમેરિકામાં પણ ફ્લોપ ગયો છે તો સરકાર શું વિચારીને લાવી ?

કૃષિ પત્રકાર અશોક સરિયા : કેન્દ્ર સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરે લોકસભામાં લવાયેલા બે કૃષિ બિલ વટહુકમ, કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020, તથા ખેડૂત(સશક્તિકરણ તથા સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર બિલ 2020, પસાર થયા હતા. જોકે સરકારે 15 સપ્ટેમ્બરે ત્રીજુ એક બિલ, જરૂરી વસ્તુ કાયદો(સુધારા) બિલ 2020, પસાર કર્યું હતું. આ ત્રણેય બિલ રાષ્ટ્રપતિની સહી થતા હવે કાયદામાં પરિવર્તિત થયા છે.

ખરડાને પાસ કરી કાયદો બનાવવા માટે બહુમત સાબિત કરવાનો હોય છે. જોકે આ બહુમત મેળવવાની ચોક્કસ પદ્ધતિ હોવા છતાં તેને અવગણીને અનુમાન આધારે બહુમત ધારી લેવામાં આવ્યો. કેટલાક સભ્યોની અન્ય પદ્ધતિની વોટીંગની માગણીને પણ નગણ્ય કારણોથી નકારીને સરકારની ફેવરમાં સભાપતિએ પણ પોતાનું પલડું નમાવી દીધું. આ કૃષિ કાયદાને સમજવા અને સુધારાને કોઇ અવકાશ ન આપીને સરકારે તેની કટુતા બતાવી છે. કોઇ પણ ભોગે બિલ પસાર કરી દેવું. જેનો સખત વિરોધ થયો. તેના વિરોધમાં ધરણા પર બેઠેલા સભ્યોની ગેરહાજરી હોવા છતાં બિલ પસાર કરી દીધું. ભવનમાં થઇ રહેલાં વિરોધને ચર્ચા કે પરામર્શ માટે પણ કોઇ અવકાશ ન અપાયો અને આ રીતે લોકશાહીને પણ ગળુ દબાવી ઘુંટી દેવામાં આવી હોય એવું લાગી આવ્યું.

આ બિલના વિરોધમાં લોકસભામાં આ બિલ પસાર થયા બાદ કેન્દ્રની એનડીએ સરકારના સહયોગી શિરોમણી અકાલીદળના કેન્દ્રના ખાદ્ય તથા પ્રસંસ્કરણમંત્રી હરસિમરત કૌર બાદલે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. તે ઉપરાંત કેન્દ્રમાં વિપક્ષ કોંગ્રેસ સહિત જુદા જુદા પક્ષો ખેડૂતો અને તેમની સાથે સંકળાયેલા સંગઠનો આ બિલનો વિરોધ કર્યો હતો છતાં પણ તેમને ગણકારવામાં આવ્યા ન હતા. અને બિલ પાસ થઇ ગયું હતું.

કૃષકોના વિરોધ આંદોલનને ડાંભવાનો પૂરતો પ્રયાસ પણ…

પંજાબ અને હરિયાણામાં આ બિલના વિરોધમાં દેખાવ થઇ રહ્યો છે. ત્યાંના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કરી, ટ્રેન રોકો આંદોલન કરી અને હવે તો દિલ્હી સુધી કુચ કરીને સરકારને આ ત્રણે બિલોને રદ કરવા માટે આંદોલનને ઉગ્ર બનાવી દિલ્હીમાં ધરણા કરવા માટે પહોંચી ગયા છે. સાથે જ ભોજન અને પાણીની પણ સગવડ કરીને આવ્યા છે એટલે આ આંદોલન લાંબુ ચાલે તેવા પણ સંકેતો જણાઇ રહ્યાં છે. જોકે સરકારે પ્રથમ તો આ આંદોલનને ડામવાના પૂરતા પ્રયાસો કર્યા જેમાં આ તમામ આંદોલનકારી ખેડૂતો દિલ્હી સુધી ન પહોંચે તે માટે રોડ ઉપર બેરીકેટ મુકીને બંધ કર્યા એથી પણ આગળ જઇ અહીં આવતા હાઇવે ખોદી ખાઢ્યા, તેમના પર વોટરગન વડે અને ટીઅર ગેસ છોડીને તેમને ખદેડવા શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા. વાત એટલે સુધી આગળ વધી કે દિલ્હી પોલીસે દિલ્હીના સ્ટેડિયમને જેલમાં પરિવર્તિત કરવાનો પ્રસ્તાવ પણ દિલ્હી સરકાર સમક્ષ મૂક્યો પરંતુ ત્યાં આપની સરકાર હોવાથી આ પ્રસ્તાવને ફગાવી દિધો. નહીંતર આ આંદોલનકારીઓને કેદ કરવાની પણ તેમની તૈયારી હતી. જોકે આ ખેડૂતોએ તેમને મચક ન દેતા હવે સરકારે પોતાનું અડગ વલણ નરમ કરીને ખેડૂત આગેવાનો સાથે વાતચીત કરવા માટે તૈયારી બતાવી છે.

સરકાર આ બિલને ખેડૂતોની સ્થિતિ સુધારનારું બિલ ગણાવે છે પણ…

જ્યાં સુધી બિલની વાત છે કેન્દ્ર સરકાર તેને ખેડૂતોની દશા સુધારનારું ઐતિહાસિક બિલ ગણાવી રહી છે. વન નેશન વન માર્કેટની વ્યવસ્થાની વાત થઇ રહી છે. આ બિલ અનુસાર દેશનો કોઇ પણ ખેડૂત તેની ઉપજ તેના ખેતરમાં કે કોઇ પણ વાણિજ્યિક પ્લેટફોર્મ પર દેશમાં ક્યાંય પણ કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકે છે. આ વિધેયક રાજ્ય કૃષિ ઉત્પાદન સંઘો અંતર્ગત અધિસૂચિત બજારોની બહાર અવરોધમુક્ત આંતરરાજ્ય વેપાર-વાણિજ્યને પ્રોત્સાહન આપે છે. આ બિલ અનુસાર ખેડૂત તેની ઉપજનું વેચાણ સીધું ફૂડ પ્રોસેસર્સ,  હોલસેલ વેપારી,  મોટા રિટેલ કારોબારીઓ, નિકાસકારો વગેરેને સીધુ જ કરી શકે છે. જેમાં ખેડૂત પાકની વાવણી પહેલાં પોતાના પાકનો નિર્ધારિત માપદંડ અને નિર્ધારિત કિંમત પ્રમાણે વેચવાના કરારની સુવિધા છે. એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. અને મુદ્દાની વાત કે કાળાંબજાર રોકવા આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 બનાવાયો હતો. તેમાં વેપારીઓ દ્વારા કૃષિ ઉત્પાદનોના એક મર્યાદાથી વધું સંગ્રહ પર રોક હતી. હવે આ આવશ્યક ચીજોની યાદીમાંથી અનાજ, દાળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી-બટાકા જેવી ચીજો હટાવવાની વાત છે. આ ચીજો પર રાષ્ટ્રીય આફત કે દુકાળ જેવી ખાસ સ્થિતિ સિવાય સ્ટોકની મર્યાદા નહીં લાગે.

આ બિલ વિશેનો ખ્યાલ જોઇએ તો

આ તમામ બિલો કૃષિમાર્કેટને સંપૂર્ણ પણે ખાનગી ધોરણે મુક્ત કરવાનો નિર્દેશ કરે છે. જેમાં ખેડૂતો અને ખેત ઉત્પાદનો ખરીદનારાઓ સ્વતંત્ર રીતે પોતાની મરજી પ્રમાણે ખરીદ વેચાણ કરી શકશે. તેમના ઉપર પછી કોઇ નિયંત્રણ રહેશે નહીં. બીજો મહત્વનો મુદ્દો એ તરી આવે છે કે આ પદ્ધતિમાં ખેડૂતોની જણસોના કોઇ ટેકાના ભાવની જોગવાઇ દર્શાવાઇ નથી. જોકે એવું કહેવાઇ રહ્યું છે કે હાલની ટેકાના ભાવની ખરીદીની સરકારની પદ્ધતિ હજું યથાવત રીતે ચાલું રહેશે. પરંતુ હાલ પુરતા કદાચ ખરીદદારો ખેતપેદાશોના સારા ભાવ આપશે પરંતુ સરકારનું નિયંત્રણ ન રહેતા ભવિષ્યમાં તેઓ પોતાની મરજી મુજબના અને સાવ નીચા ભાવે ખરીદી કરવા લાગે એવું બનવાને પણ સંભવ છે.

હાલમાં આ બિલથી ફાયદો થાય કે ન થાય પરંતુ લાંબા ગાળે તેની નકારાત્મક અસર પણ…

હાલમાં કૃષિપેદાશોના ખરીદ વેચાણ માટે દેશભરમાં એપીએમસીની વ્યવસ્થા છે જ્યાં ખેડૂતોને ટેકાના ભાવે જો કોઇ અન્ય વેપારી કે દલાલો ન ખરીદે તો સરકાર તેની ખરીદી કરીને કૃષિ જણસોના ન્યુનતમ ભાવની જાળવણી થાય છે. પરંતુ આવી મંડીઓ(માર્કેટીંગ યાર્ડો)ની બહાર ખરીદ વેચાણ થતા તેના અસ્તિત્વને જોખમ છે અને ત્યારબાદ ખરીદદારોની વધુ નફાની વૃત્તિથી ખેડૂતો અને અન્ય ગ્રાહકવર્ગને નુકસાન થવાની પૂરી ભીતી સેવાઇ રહી છે. તો વધુ સંગ્રહના નિયંત્રણનો કાયદો પૂરો થતા સંગ્રહખોરીને કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં પણ ખોટા ઉતાર-ચઢાવનો ભય સેવાઇ રહ્યો છે.

ફ્રી માર્કેટ એટલે એવું માર્કેટ કે જ્યાં સરકારની કોઇ દખલ અંદાજી ન હોય. ધંધાર્થી જે રીતે ચાહે એ રીતે પોતાનો ધંધો કરે. આ સાંભળવામાં સારું લાગે છે પરંતુ જો આવા પાયાગત બજારને આમ ખુલ્લું મુકી દેવામાં આવશે તો જે ધંધાર્થીઓ જેવું કમાવવા માગે એવું કમાઇ શકે એટલે એ સામાન્ય રીતે દેશ અને સમાજ માટે સારું રહેશે નહીં. કેમ કે જો મોટી કંપનીઓ સરકારના નિયંત્રણો વિના કામ કરશે તો તેઓ પોતાનો જ ફાયદો જોશે અને તેમનું ધ્યાન ફાયદામાં જ રહેશે. એટલે અમુક ક્ષેત્રોને માત્ર નફા માટે નહીં પરંતુ સમગ્ર સમાજના ભલા માટે જોવામાં આવે એ માટે એવા ક્ષેત્રો ઉપર સરકારનું કડક નિયંત્રણ પણ જરૂરી હોય છે.

આ પદ્ધતિ અન્ય વિકસીત દોશોમાં પણ ફેઇલ ગઇ છે છતા પણ…

ફ્રી માર્કેટનો કન્સેપ્ટ અમેરિકા અને યુરોપીયન દેશોમાં પણ ફેઇલ ગયો છે. ત્યાંના ખેડૂતો અને અહીંના ખેડૂતોમાં જમીન આસમાનનો તફાવત છે. છતાં પણ આ કન્સેપ્ટને અહીં એપ્લાય કરવો કેટલો યોગ્ય એવો પ્રશ્ન દેશના એગ્રોનોમિસ્ટો ઉઠાવી રહ્યા છે.

ઉત્પાદક(ખેડૂતો) અને ખરીદનાર સંસ્થાઓ કે કંપનીઓને સ્વતંત્રતા મળશે પણ…

આ નવી પદ્ધતિથી ખેડૂતોએ પોતાની જાતે ખરીદનાર વ્યક્તિ, સંસ્થા કે કંપની સાથે ડિલ કરવાની થશે. એક વાત એ પણ અવગણી શકાય એમ નથી કે જ્યાં નિયંત્રીત વ્યવસ્થાવાળા માર્કેટમાં પણ ખેડૂતો દલાલો કે વેપારીઓ સાથે છુટથી ડિલ કરી શકતા નથી ત્યાં હવે સ્વતંત્ર રીતે કેવી રીતે ડીલ કરી શકશે ? વન નેશન વન માર્કેટ બાબતે પણ એવું કહી શકાય કે કોઇ એક પ્રદેશના ખેડૂતો તેના જીલ્લાની બહાર પણ પોતાના ઉત્પાદનો વેચવા જઇ શકતા નથી ત્યારે દેશના દૂરના સ્થળે વેચવા જવાની તો કેટલી શક્યતા છે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ આવી જાયન્ટ કંપનીઓ ખેડૂતોને પૂરતુ વળતર આપશે એની ખાત્રી શું ? આ માટે પસાર થયેલા બિલમાં કોઇ એમ.એસ.પી.(મીનીમમ સપોર્ટ પ્રાઇઝ)ની જોગવાઇ કરવામાં આવી નથી. આ ઉપરાંત આવા કોન્ટ્રાક્ટ કરતી કંપનીઓ તેના કોન્ટ્રાક્ટમાં એવી શરતો મૂકે અને તેને પૂર્ણ કરવામાં ખેડૂત નિષ્ફળ જાયતો આવા સમયે તેના વળતરનું શું ? દેશના ખેડૂત સાથે બહારની કંપનીઓ કોન્ટ્રાક્ટ કરે ત્યારે ખેડૂતને તેનું પુરતુ વળતર આપશે એ માટેનું કોઇ જવાબદાર માધ્યમ કે બાહેંધરીની ખાતરી શું ? આવા મુક્ત માર્કેટથી ખેડૂતોને સંપૂર્ણ લાભ જ થશે એની કોઇ ચોક્કસ ખાતરી નથી. પણ ભવિષ્યમાં આવા કંપનીઓના પ્રભાવમાં ખેડૂતોની સ્થિતિ નાજુક બનવાનો પૂરો સંભવ છે. જેથી ખેડૂતો આ બિલનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે પરંતુ સરકાર પોતે કરેલા નિર્ણયોમાં કોઇ ફેરફાર ન કરવા અડગ બની એટલે આ આંદોલનને વધુ બળ કરીને દિલ્હી સુધી લઇ જવું પડ્યું. અને સરકારને સાક્સાત્કાર કરાવવો પડી રહ્યો છે.

સરકાર કાયદો સારા માટે લાવી હશે પણ…

સરકારે આ કાયદાના સારા પાસાને ધ્યાને રાખીને તેને યોગ્ય ગણ્યું હોય પણ તેના નકારાત્મક પાસાને પણ ધ્યાને લઇ તેના સમાધાન અંગે દેશભરના નિષ્ણાંતો અને કૃષકોને વિશ્વાસમાં લઇને આ કાયદાને પસાર કરવો પણ એટલો જ હિતાવહ છે. આ કાયદા અંગે સરકારે ફરી પૂનઃવિચાર કરી ખેડૂતોની માંગોને સ્વીકારી, એ.પી.એમ.સી.ની ખામીઓમાં સુધારો કરવો, એમ.એસ.પી.ની બાહેંધરી આપવી જેવા સુધારા કરીને ખેડૂતોને સંતોષકારક હોય એવા કાયદાનું નિર્માણ કરી વર્તમાનમાં લવાયેલા કાયદામાં સંશોધનો અને સુધારાઓ કરી ફરી એકવાર પ્રયાસ કરવો યોગ્ય જણાઇ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments