Team Chabuk-National Desk: દેશભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતાં રાજ્ય સરકાર પોત પોતાની રીતે વિવિધ નિયંત્રણો લગાવી રહી છે. ઘણા રાજ્યમાં આશિંક લોકડાઉન છે તો ઘણા રાજ્યમાં સખ્ત લોકડાઉન કરી દેવાયું છે. હવે વધુ એક રાજ્યએ પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. કોરોનાના વધતા કેસને જોતાં કેરળમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં જ કેરળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે હવે સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
કોરોનાના વધતા કહેરની વચ્ચે કેરળમાં પણ દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. વધતાં કેસના કારણે કેરળના મુખ્યમંત્રી પી.વિજયને આજે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. કોરોનાની બીજી લહેરને જોતાં મુખ્યમંત્રી પી. વિજયને કેરળમાં 8 મે સવારે 6 વાગ્યાથી 16 મે સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. જો કે લોકડાઉન દરમિયાન લોકોને તમામ જરૂરી સેવાઓ મળતી રહેશે.
કેરળમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
કેરળમાં વધી રહેલા કોરોનાના દર્દીઓને કારણે મુખ્યમંત્રી દ્વારા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કેરળમાં બુધવારે રેકોર્ડબ્રેક 41 હજાર 953 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. સાથે જ 58 લોકોના કોરોનાથી મોત પણ નોંધાયા હતા. આ સાથે જ કેરળમાં અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધીને 13 લાખ 62 હજાર 363 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કેરળમાં 5565 લોકોના કોરોનાથી મોત થઈ ચુકયા છે.
કેરળમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 3 લાખ 75 હજાર 658 છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 23 હજાર 106 લોકો કોરોનાને મ્હાત આપવામાં પણ સફળ રહ્યા છે.
દેશમાં એક જ દિવસમાં 4 લાખથી વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં બીજી વખત ચાર લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 3980 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. એક દિવસમાં 3,29,113 લોકો સાજા પણ થયા છે. આ પહેલા 30 એપ્રિલના રોજ દેશમાં 4,01,993 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. દુનિયાના લગભગ 40 ટકા કેસ દરરોજ ભારતમાં નોંધાઈ રહ્યા છે.
કોરોનાના વધતા સંક્રમણના કારણે બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા જેવા ઘણા રાજ્યમાં લોકડાઉન લગાવી દેવાયું છે. જ્યારે ગુજરાતમાં હજુ પણ લોકડાઉન કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ગુજરાત સરકારે 36 શહેરોમાં મીની લોકડાઉન લગાવ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત