Team Chabuk-Special Desk: છેલ્લા ચાર દિવસથી સોશિયલ મીડિયા પર દાંડીકૂચ છવાયેલી છે. અને આજે એ દિવસ પણ આવી ગયો. મહાત્મા ગાંધીએ આજથી 75 વર્ષ પહેલા દાંડૂકચ કરી હતી અને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. સાબરમતી આશ્રમથી દાંડી ગામ સુધી 386 કિલોમીટર જેટલું પગપાળા અંતર કાપ્યું હતું. દાંડીકૂચમાં ગાંધીજીની લાકડી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગાંધીજીના વ્યક્તિત્વને જ્યારે પણ જુઓ ત્યારે લાકડી વગર તેમની કલ્પના જ ન કરી શકાય. એક તો તેમના ચશ્મા અને બીજું તેમની લાકડી. એ લાકડીને એમનું એક અંગ જ ગણી લો. સૌ પૂછતાં હોય છે કે એ લાકડી ગાંધીજી પાસે આવી ક્યાંથી ? એકાએક તો વિચાર ન આવ્યો હોય કે મારે હવે આજીવન લાકડી રાખવી જોઈએ ?
12 માર્ચ 1930નાં રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજી પોતાની ઐતિહાસિક દાંડી યાત્રાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં તેમની મુલાકાત માટે કાકા સાહેબ કાલેલકર આવ્યા. પ્રવાસના માણસ. મૂળ મરાઠી પણ ગુજરાતીમાં એટલા સુંદર પ્રવાસગ્રંથો રચ્યા કે તેઓ મરાઠી છે એવું લાગે જ નહીં. કાકા સાહેબ ગાંધીજીના પરમ મિત્ર હતા. ગાંધીજી પગે ચાલીને યાત્રા કરવાના છે એટલે તેમના મનમાં કેટલીક શંકાઓ ઘર કરી ગઈ હતી. ગાંધીજીની ઉંમર થઈ અને આટલી ઉંમરે કોઈ ટેકો તો જોઈએ. કાકા સાહેબે ગાંધીજીને દાંડીયાત્રામાં લાકડી સાથે રાખીને ચાલવાનું કહ્યું.
કાકા સાહેબ ગાંધીજીને પોતાનું મંતવ્ય જ આપવા માટે નહોતા આવ્યા. એ સાથે લાકડી લઈને પણ આવેલા હતા. એટલે એ વાત તો શક્ય છે કે ગાંધીજી માનેત નહિં તો પણ કાકા સાહેબ તેમને લાકડી વિના જવા દેવાના નહોતા.
એમણે ગાંધીજીને લાકડી સોંપી દીધી અને સમગ્ર યાત્રમાં ગાંધીજી એ લાકડી સાથે રાખીને ચાલ્યા. રસ્તામાં નદીઓ આવતી હતી. જેમની વેગીલી ધારાઓને તેમણે લાકડીની સહાયતાથી પાર કરી. રોજ કિલોમીટરનાં કિલોમીટર તેઓ કાપી નાખતાં હતાં. વચ્ચે વચ્ચેનાં ગામડાઓમાંથી પણ લોકો જોડાતા ગયા. 24 દિવસની યાત્રા 6 એપ્રિલ 1930નાં રોજ પૂર્ણ થઈ. જ્યાં ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો. એ યાત્રાની સાથે ભારતભરમાં ગાંધીજી લોકપ્રિય થઈ ગયા અને પેલી લાકડી પણ.
એ પછી વિશ્વભરનાં માધ્યમોમાં ગાંધીજીની લાકડી છવાઈ ગઈ. ગાંધીજી લાકડી વિના ક્યાંય પણ ન દેખાતા. જેટલી ઓળખ ગાંધીજીની એટલી જ ઓળખ તેમની લાકડીની. દાંડી પછીના ગાંધીજીના જે પણ અહિંસાત્મક સત્યાગ્રહ જુઓ ગાંધીજી લાકડી વિનાના નહીં દેખાય.
ગાંધીજીની પાસે રહેલી આ લાકડીઓ તો સમયની સાથે બદલતી રહી. તેમના માટે ખાસ કાકા સાહેબ કાલેલકરે આપેલી લાકડી જ હતી. વાસની બનેલી આ લાકડી 54 ઈંચ ઊંચી હતી. લાકડી જે પ્રકારની બની હતી, એ પ્રકારનો વાંસ કર્ણાટકના સમુદ્રી તટ પર મલનાદ વિસ્તારમાં મળે છે. આ લાકડી કર્ણાટકની નાગર બેટ્ટા શ્રેણીની હતી.
આશ્ચર્યજનક વાત તો એ છે કે ગાંધીજીના હાથમાં આવતા પહેલા આ લાકડી અગણિત લોકોના હાથ નીચેથી પસાર થઈ ચૂકી હતી. લાઈવ હિસ્ટ્રી ઈન્ડિયાનાં રિપોર્ટ પ્રમાણે આ લાકડી કન્નડના કવિ એમ ગોવિંદની પાસે હતી. કર્ણાટકના આ કવિ પોતાની કવિતાઓ સિવાય દેશપ્રેમ માટે જાણીતા હતા. ખાસ તેમની ભાષા માટે જાણીતાં હતાં. ઘણી ભાષાઓ અને ખાસ તો અંગ્રેજીમાં ગોલ્ડમેડલ મેળવ્યો હોવા છતાં તેઓ કન્નડ ભાષામાં જ લખતા હતા. આ તેમનો માતૃભાષા પ્રેમ હતો.
કન્નડ સાહિત્યમાં એમના સાહિત્યના યોગદાન વિશે તો અસંખ્ય વાતો મળી જશે પણ તેમના દેશપ્રેમ વિશે વાત કરવામાં આવતી નથી. આ વિષે કન્નડ લેખક કિન્નહન્ના પઈએ પોતાના પુસ્તક મહાકવિ ગોવિંદમાં લખ્યું છે.
મહાકવિ ગોવિંદના પુસ્તકમાં લખેલું છે કે, તેઓ કાકા સાહેબ કાલેલકરને મળ્યા. બંને વચ્ચે દોસ્તી થઈ અને દોસ્તી ઉંમરભર રહી. એમણે મિત્ર કાકા સાહેબને યાદગીરી માટે પોતાની લાકડી ભેટમાં આપી. તેમના માટે આ લાકડી ખાસ હતી, કારણ કે તે તેમને તેમના દાદા પાસેથી મળી હતી. એ જ લાકડી કાકા સાહેબ કાલેલકરે ગાંધીજીને આપી હતી.
ગાંધીજી સાથે આજીવન આ લાકડી રહી. 1948માં ગાંધીજીનું અવસાન થયા પછી તેમની વસ્તુઓ સંગ્રહાલયમાં રાખવામાં આવી. પણ જેટલી ખ્યાતિ તેમની લાકડી અને ચશ્માને મળી એટલી બીજી કોઈ વસ્તુને નથી મળી. આજે પણ નેશનલ ગાંધી મ્યુઝિયમમાં ગાંધીજીની એ લાકડીને અન્ય લાકડીઓની સાથે રાખવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત