Homeગામનાં ચોરેપાણી, દૂધ અને ઘીની નદી તો જોઈ હશે, ચાલો ચોકલેટની નદી પણ...

પાણી, દૂધ અને ઘીની નદી તો જોઈ હશે, ચાલો ચોકલેટની નદી પણ જોઈ લો

નદીઓ વહે તો પાણીની વહે, વધીને દૂધની નદીઓ વહે, ગુજરાતમાં રૂપાલની પલ્લીમાં ઘીની નદીઓ વહે. રસ્તા પર જતું ટેન્કર પલટી ખાય તો પેટ્રોલ-ડીઝલની નદીઓ વહે અને લોકો વાસણો લઈને ભરવા દોડી પડે. આ બધી વસ્તુઓની નદીઓ વહેતી તો આપણી જોઈ અને સાંભળી હશે પરંતુ શું ચોકલેટની નદી વહી હોય તેવું સાંભળ્યું છે. રસ્તા પર પાણીની જગ્યાએ ચોકલેટની નદી વહેતી જોઈએ તો મોંમાં તો પહેલા પાણી આવી જાય હો.

થોડા દિવસ પહેલાં આવું જ બન્યું જર્મનીમાં. રસ્તાઓ પર ચોકલેટની નદી વહેવા લાગી. આ નદી નાની સુની નહીં પણ એટલી મોટી બની ગઈ કે તંત્રએ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી.

આ ઘટના જર્મનીના વેસ્ટોનની છે. જ્યાં રસ્તા પર ચોકલેટની નદી વહેવા લાગી હતી. જેનું કારણ હતું નજીકમાં આવેલી ચોકલેટ ફેક્ટરી. વેસ્ટોનનમાં એક ફેક્ટરી છે જ્યાં ચોકલેટ પણ બનાવવામાં આવે છે. મોટાપાયે ચોકલેટનું ઉત્પાદન આ ફેક્ટરીમાં થાય છે. ચોકલેટ બનાવતી આ ફેક્ટરીમાં જે ટેન્કમાં ચોકલેટનું દ્રવ્ય રાખવામાં આવ્યું હતું તે ટેન્કમાં કોઈ કારણોસર લિકેજ થયું અને લિક્વિડ રૂપમાં રહેલી ચોકલેટ ફેક્ટરીમાંથી ધીરે ધીરે બહાર નીકળવા લાગી. ફેક્ટરીમાં આવું પ્રથમ વખત બન્યું હતું તેથી સ્ટાફ પણ શું કરવું તેની મુંઝવણમાં મૂકાઈ ગયો. પાણીનો રેલો જેમ આગળ વધે તેમ ધીરે ધીરે ચોકલેટ પણ રસ્તા પર વહેવા લાગી.

ચોકલેટની માત્રા એટલી વધુ હતી કે આખા રસ્તામાં ચોકલેટ ચોકલેટ થઈ ગયું. જેના કારણે રસ્તા પર મુશ્કેલી ઉભી થઈ. ચોકલેટને આ રીતે રસ્તા પર વહેતી જોઈને લોકો એકઠાં થઈ ગયા. ચોકલેટને નદીની માફક વહેતી જોઈને લોકોમાં પણ આશ્ચર્ય ઉભું થયું. રસ્તો ચીકણો બની જતાં વાહનચાલકો અને લોકો લપસવા લાગ્યા. આવતા જતાં લોકોની આ પરેશાનીનો હલ લાવવા તંત્રએ અંતે ફાયર બ્રિગેડની મદદ લેવાનું વિચાર્યું. ફાયર બ્રિગેડની ટીમને આ વાતની જાણ થતાં ઘટના સ્થળ પર ટીમ પહોંચી.

ફાયર બ્રિગેડની ટીમ સામે પણ આ નવી મુસિબત હતી. આવું અગાઉ કોઈ વખત બન્યું નહતું. પરંતુ કામ બહુ અઘરું ન હોવાથી ટીમના જવાનોએ પાવડાથી ચોકલેટને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યું. અને રસ્તાને સાફ કરીને વાહનચાલકો અને લોકોની મુશ્કેલી દૂર કરી.

ફેક્ટરીમાંથી આશરે એક ટન ચોકલેટ રસ્તા પર વહી ગઈ. જો કે આટલી મોટી માત્રામાં ચોકલેટ રસ્તા પર વહી ગઈ છતાં ફેક્ટરીના માલિક કહી રહ્યા છે કે તેઓને ખાસ કોઈ મોટું નુકસાન થયું નથી. હાલ આ ચોકલેટની નદીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે. લોકો પણ આવી ઘટના પ્રથમ વખત જોઈ રહ્યા છે તેથી આશ્ચર્ય થઈ રહ્યું છે.

વિશ્વમાં ચોકલેટ ઉત્પાદનમાં જર્મની બીજા નંબરે

વિશ્વમાં બનતી ચોકલેટમાં 35 ટકા હિસ્સો યુરોપીયન દેશોનો છે જ્યારે 30 ટકા હિસ્સો યુએસનો છે. ચોકલેટ ઉત્પાદન કરતાં દેશોની વાત કરીએ તો સૌથી વધુ ચોકલેટ યુએસમાં ઉત્પાદિત થાય છે જ્યારે બીજા નંબરે જર્મની છે. જર્મનીમાં ચોકલેટનું માર્કેટ દર વર્ષે 10 બિલિયન ડોલરનું છે. જર્મનીના ક્લોનને જર્મનીનું ચોકલેટનું કેપિટલ કહેવામાં આવે છે. ચોકટેલ ઉત્પાદનમાં જર્મની બાદ સ્વિત્ઝર્લેન્ડ અને બેલ્જિયમનો નંબર આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments