Homeતાપણુંઅમેઠી સંગ્રામઃ રાહુલ ગાંધીના સમયે અમેઠી VVIP વિસ્તાર હતો કે નહીં ?

અમેઠી સંગ્રામઃ રાહુલ ગાંધીના સમયે અમેઠી VVIP વિસ્તાર હતો કે નહીં ?

રાજકારણ ઉપર ઘણા પુસ્તકો લખાય ચૂક્યા છે. રાજકારણીઓ ઉપર પણ ઢગલાબંધ પુસ્તકો મળી જાય છે. નરેન્દ્ર મોદી ઉપર પણ અનેક લેખકોએ પુસ્તકો લખી નાખ્યા છે. પરંતુ આજે વાત કરીશું એક સંસદીય વિસ્તાર પર લખાયેલા પુસ્તકની જે વિસ્તાર વર્ષો સુધી ગાંધી પરિવારનો ગઢ હતો. માત્ર ગઢ નહીં અભેદ ગઢ. જેને વર્ષો સુધી કોઈ ગાંધી પરિવાર પાસેથી જીતી ન શક્યું. પરંતુ વર્ષ 2019ની ચૂંટણીમાં મતદારોનો મિજાજ બદલાયો. રાજકારણનો પવન ગાંધી પરિવારના વિરુદ્ધમાં ફૂંકાયો અને અમેઠીમાં આંધી આવી ગઈ.

વાત છે અનંત વિજયે લખેલી અમેઠી સંગ્રામ નામના પુસ્તકની. અમેઠી લોકસભા પર રાહુલ ગાંધીની હાર અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીની જીત કેવી રીતે થઈ તેના પર આ પુસ્તક લખાયું છે. અમેઠી લોકસભા બેઠક પર ગાંધી પરિવારનો દબદબો રહ્યો છે. વચ્ચે 1977-1980 અને 1998માં થોડો સમય બાદ કરી દઈએ તો 1967થી અમેઠી લોકસભા બેઠક કોંગ્રેસના ગજવામાં રહી. વિદ્યાધર બાજપેયી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સતીષ શર્મા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આમ 1967 થી 2019 સુધી મોટાભાગે કોંગ્રેસના જ ઉમેદવારો અહીંથી લોકસભા પહોંચ્યા છે. 2004થી રાહુલ ગાંધી ચૂંટાતા હતા. 2019માં પણ જીત નક્કી લાગતી હતી પરંતુ પરિણામ આવ્યું તો રાહુલ ગાંધી સાથે આખાય કોંગ્રેસની આંખો ફાટી ગઈ. સ્મૃતિ ઇરાની બાજી જીતી ગયા.

અનંત વિજયે લખેલા પુસ્તક અમેઠી સંગ્રામમાં ઘણા બધા હાર-જીતના પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા છે. અમેઠીનો રાજનીતિક ઇતિહાસ અને સ્મૃતિ ઇરાનીના જીતના કારણોની હકીકત જાણવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. 2014માં રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઇરાનીને ઉતારવાની ભાજપની રણનીતિ શું હતી એ પણ પુસ્તકમાં લખવામાં આવ્યું છે.

અનંત વિજય પોતાના પુસ્તક અમેઠી સંગ્રામમાં લખે છે કે છેલ્લા ઘણા દાયકાઓમાં અમેઠીની સાચી ઓળખને ભૂલાવી દેવામાં આવી હતી. અમેઠીનો ઇતિહાસ મહર્ષિ ચ્યવનના તપ સ્થળ, માતા કાલિકન દેવીનું ધામ, રાજા સોઢ દેવની વીરગાથાઓથી ભરેલો છે. સાથે જ સ્થાનિક લોકોની આસ્થા, વિશ્વાસ અને શ્રમ પણ અહીંનો ઇતિહાસ છે. અનંત વિજયે લખ્યું છે કે અમેઠીની આ ઓળખને આઝાદી પછી આગળ ધપાવવાની જગ્યાએ ભૂલાવવાના પ્રયાસો કરાયા.

અનંત વિજય માને છે કે સમય જતાં અમેઠી પર રાજનીતિનું આવરણ ચડી ગયું અને અમેઠી રાજનૈતિક પ્રવાસન સ્થળ બની ગયું. અનંત વિજય લખે છે કે, અમેઠીને લોકો વીવીઆઈપી વિસ્તાર માનતા હતા. પરંતુ શું હકીકતમાં સ્થિતિ આવી હતી ? શું અમેઠીને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો હતો ? 2014ના લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે જ્યારે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની અમેઠી પહોંચ્યા ત્યારે સાચી હકીકત બહાર આવી.

આ પુસ્તકમાં સ્મૃતિ ઇરાનીની વર્ષ 2014 થી 2019 સુધીની સંઘર્ષ યાત્રા પણ વર્ણવવામાં આવી છે. આરએસએસની દુરદ્રષ્ટિ, ભાજપની રણનીતિ, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજનૈતિક દળો અને નેતાઓની કાર્યશૈલી, ગાંધી પરિવારની શક્તિનું મિથ્યાભિમાન સહિતના લેખા-જોખા આ પુસ્તકમાં છે. સાથે જ પુસ્તકમાં સ્મૃતિ ઇરાનીની રણનીતિ, વ્યવહારિક અને રાજનૈતિક કાર્યશૈલીની પણ વાત મૂકવામાં આવી છે.

પુસ્તકને લઈને લેખક અનંત વિજય કહે છે કે, ગત લોકસભા ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ અમેઠીનું હતું. કોંગ્રેસ અધ્યક્ષના પરાજયના પરિણામથી જ મને અમેઠીના આ ચુકાદા વિશે જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. અમેઠીની ઘણી બધી મુલાકાતોમાં જે જોયું, સાંભળ્યુ અને સમજ્યું તે ચૂંટણી પરિણામ જેટલું જ ચોંકાવનારું હતું.

જેને પણ અમેઠીમાં રાહુલ ગાંધીની હાર અને સ્મૃતિ ઇરાનીની જીત વિશે જાણવાની ઇચ્છા હોય, મનમાં કોઈ સંશય હોય તેઓએ અનંત વિજયે લખેલું આ પુસ્તક એક વખત ખરીદીને વાંચવા જેવું છે. 21 ડિસેમ્બરે જ આ પુસ્કતનું વિમોચન કરવામાં આવ્યું છે.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપે ફરીથી સ્મૃતિ ઇરાનીને ટિકિટ આપી હતી અને સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 55 હજારથી વધુ મતે હરાવ્યા હતા. જો કે રાહુલ ગાંધીને અમેઠી હાથમાંથી જવાનો ડર અગાઉથી જ હોય તેમ તેઓ કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા. પરિણામ આવતા રાહુલ અમેઠી હાર્યા પરંતુ વાયનાડમાં જીત થતાં તેઓ સંસદમાં જઈ શક્યા. પરંતુ રાહુલ ગાંધીની વાયનાડ જીત કરતાં અમેઠીની હારની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments