Team Chabuk : એક સમયની વાત છે. પુણ્યપુર નામના રાજ્યમાં યશકેતુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેનો સત્યમણિ નામનો ખૂબ જ સમજુ, કામઢો અને ચતુર મંત્રી હતો. બીજી બાજુ રાજા એવો ન હતો. તે ભોગ વિલાસમાં આળોટતો રહેતો હતો. રાજ્યનો તમામ કારભાર મંત્રીના ખભા પર નાખી એ તો વિલાસી બની ગયો. આખો દિવસ બસ ભોગ જ કરે.
એક દિવસ રાજાના દરબારમાં એક ચિત્રકાર આવ્યો. તેણે એક એકથી ચડીયાતા અને આકર્ષક ચિત્રો રાજાને બતાવ્યા. જેને જોઈને રાજા એ ચિત્રો પર મુગ્ધ થઈ ગયો. તેણે ચિત્રકારની કારીગરી પર ઓળઘોળ થઈ જતા તેને અઢળક ઈનામ આપ્યું અને ખુશ કરી દીધો. રાજાના દરબારમાં જેટલા મંત્રીઓ હતા એ બધા રાજાની વાહ વાહ કરવા લાગ્યા. પણ મંત્રીને દુ:ખ થતું હતું. રાજાની દરેક વાતમાં વાહ વાહ કરનારાઓથી તો હંમેશાં દૂર જ રહેવું જોઈએ.
રાજાની દાનશીલતા અને ભોગવિલાસના કારણે ધનનો અધિક વ્યય થવા લાગ્યો. રાજકોષના તળિયા ઝાટક થવા લાગ્યા. પ્રજા પણ રાજાથી નિરાશ રહેવા લાગી. મંત્રીએ જોયું કે રાજાના કારણે મારી પણ દરેક જગ્યાએ નિંદા થાય છે તો તેનું મન વિચલિત થઈ ગયું. તેણે વિચલિત થયેલા મનની શાંતિ માટે તીર્થયાત્રા પર જવાનું નક્કી કર્યું. આ માટે તેણે રાજાની આજ્ઞા લીધી અને તીર્થયાત્રા પર નીકળી પડ્યો.
મંત્રી સત્યમણિ ઘુમતો ઘુમતો સમુદ્રના એક તટ પર જઈ પહોંચ્યો અને ત્યાં જ સ્થિર ઊભો રહી ગયો. અડધી રાતના સમયે સમુદ્રની વચ્ચોવચ તે શું જુએ છે ? સમુદ્રમાંથી એક વૃક્ષ નીકળી રહ્યું છે. એ વૃક્ષ અદભુત પ્રકાશથી ઝગમગી રહ્યું હતું. તેના પર હીરા-મોતીના ફળ લાગેલા હતા. તેની શાખાઓ પર રત્નો સાથે જોડાયેલો એક પલંગ હતો. તેના પર એક સુંદર કન્યા બેઠી હતી અને વીણા વગાડી રહી હતી. આ દિવ્ય અને અલૌકિક ચમત્કારને જોઈને તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. થોડી વાર પછી એ સુંદરી ગાયબ થઈ ગઈ. વૃક્ષ પણ ન રહ્યું. મંત્રી ફરી ચકિત્ત થઈ ગયો.
મંત્રી તીર્થયાત્રાથી પરત ફરીને જ્યારે નગરમાં પહોંચ્યો તો રાજાને આ તમામ વાત કહી. રાજા પણ કેવો થઈ ગયો હતો ? તેના ખભા પર મંત્રીએ રાજ્યનો કારભાર નાખ્યો કે તેને ખબર પડી ગઈ કે મંત્રી કેટલો હેરાન પરેશાન થતો હશે. તે સુધરી ગયો. તેણે ભોગવિલાસ છોડી દીધું અને કામમાં લાગી ગયો. મંત્રીની વાત સાંભળીને રાજા તે સુંદરીને પામવાના વિચારોમાં મહામંથન કરવા લાગ્યો. મંત્રીએ તેને જે વાત કહી તેનાથી મંત્રી પર જ ફરી મુસીબત આવી પડી. એ સુંદરીને જોવા માટે તલપાપડ થયેલા રાજાએ મંત્રીને સમગ્ર રાજ્યનો કારભાર પુન: સોંપી દીધો. ગાદી પરથી ઉતરી તપસ્વીનું રૂપ ધારણ કરી એ સમુદ્ર કિનારે પહોંચી ગયો.
સમુદ્રના કિનારે ઊભીને જે દૃશ્ય મંત્રીએ જોયું હતું એ જ રાજાને પણ દેખાયું. વીણા વગાડતી સુંદર કન્યા. રાજાએ તપસ્વીના રૂપમાં પાણીમાં છલાંગ લગાવી અને તરતા તરતા સુંદરીની નજીક પહોંચી ગયો. કન્યાએ તેને નજીક આવતો જોઈ પૂછ્યું, ‘તું કોણ છો ?’
રાજાએ તેને પોતાનો પરિચય આપ્યો અને સમયનો સદઉપયોગ કરતા વિવાહનો પ્રસ્તાવ રાખી દીધો. કન્યા બોલી, ‘હું ગંધર્વ વિદ્યાધરની કન્યા છું. મારું નામ મૃગાંકવતી છે. તમારા જેવા ગુણવાન અને શક્તિશાળી રાજા સાથે વિવાહ કરીને હું સ્વયંને ભાગ્યશાળી માનું છું, પણ મારી એક શરત છે.’
રાજાએ તેને શરત વિશે પૂછ્યું અને કન્યા મૃગાંકવતીએ જવાબ આપ્યો, ‘દરેક મહિનાના શુક્લપક્ષની ચતુર્દશીની રાતે એક રાક્ષસ મને વશમાં કરી લે છે અને ગળી જાય છે. તમારે સૌ પ્રથમ એ રાક્ષસને હણવો પડશે.’ રાજાએ મૃગાંકવતીની શરત માની લીધી.
એ પછી શુક્લપક્ષ ચતુર્દશી આવી તો રાજા સંતાઇને રાક્ષસની પ્રતિક્ષા કરવા લાગ્યો. અચાનક રાજાએ જોયું તો એક રાક્ષસ આવ્યો અને મૃગાંકવતીને ગળી ગયો. રાજાને ગુસ્સો આવ્યો અને તેણે પોતાની બેધારી તલવારથી રાક્ષસનું માથું કાપી નાખ્યું. મૃગાંકવતી તેના પેટમાંથી જીવિત બહાર નીકળી આવી.
રાજાએ તેને પૂછ્યું, ‘મૃગાંકવતી રાક્ષસનો તો મેં વધ કરી નાખ્યો, પણ આ બધું છે શું ? આ રાક્ષસ તને ગળી ગયો અને તું અંદરથી જીવિત નીકળી.’
‘મહારાજા મારા પિતા મારા વિના ભોજન નથી કરતા.’ રાજકુમારીએ પોતાનો ભૂતકાળ કહ્યો, ‘હું અષ્ટમી અને ચતુર્દશીના દિવસે શિવ પૂજા અહીં કરવા માટે આવતી હતી. એક દિવસ પૂજામાં મને મોડુ થઈ ગયું. પિતાને ભૂખ્યું રહેવું પડ્યું. હું જ્યારે મોડી ઘરે પરત ફરી તો પિતાએ મને શ્રાપ આપ્યો કે, ચતુર્દશીના દિવસે જ્યારે હું પૂજા માટે આવ્યા કરીશ તો એક રાક્ષસ મને ગળી જશે અને હું તેનું પેટ ચીરીને બહાર નીકળીશ. મેં શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પિતા આગળ ધમપછાડા માર્યા તો એ બોલ્યા, જ્યારે પુણ્યપુર દેશનો રાજા તારો પતિ બનવા ઈચ્છશે અને તને રાક્ષસને ગળતા જોશે તો એ જ રાક્ષસને મારી નાખશે. તારા શ્રાપનો અંત થઈ જશે.’
એ પછી રાજા મૃગાંકવતીને નગરમાં લાવ્યો. મંત્રીને વિવાહની ધામધૂમપૂર્વક તૈયારી કરવાનો આદેશ આપ્યો. પાડોશી રાજાઓને વિશેષ આમંત્રિત કર્યા. મોટા મોટા યજ્ઞો કર્યા અને આયોજનો કર્યા. દેશના સુપ્રસિદ્ધ કલાકારો, નૃત્યાંગનાઓ, નાટ્યકારો, સંગીતકારોને સમ્માન પૂર્વક બોલાવ્યા તથા ઉત્તમ આરામ કક્ષ બનાવવા માટે કહ્યું. સાથે જ રાણી માટે એક મોટો મહેલ બનાવવાનું પણ કહ્યું.
મંત્રીએ આ બધું સાંભળ્યું તો તેનું હ્રદય ફાટી ગયું. તેને આઘાત લાગ્યો અને તે મૃત્યુ પામ્યો.
રાતના અંધકારમાં વેતાલે જ્યારે બોલવાનું બંધ કર્યું તો શાંતિની ચાદર પથરાઈ ગઈ. તેણે પૂછ્યું, ‘હે રાજન્ તો બતાવ. સ્વામીની આટલી ખુશીની વચ્ચે એવું તે શું થયું કે મંત્રીને આઘાત લાગ્યો અને તે મૃત્યુ પામ્યો?’
વિક્રમે વેતાલને જવાબ આપ્યો, ‘સાંભળ વેતાલ. મંત્રીનું હ્રદય આઘાતમાં એટલે ફાટી પડ્યું કે, રાજા ફરી સ્ત્રીના ચક્કરમાં પડી ગયો અને ભોગ વિલાસના કારણે ફરી રાજ્યની હતી તેવી ને તેવી જ દુર્દશા થશે તો. સારું હોત કે હું રાજાને આ વાત જણાવેત જ નહીં.’
હવે વિક્રમ ચૂપ હતો, પણ વેતાલ તો બોલી જ શકતો હતો, ‘રાજન્ તને તો યાદ જ છે ને કે આપણી વચ્ચે એક શરત હતી. તું બોલ્યો અને હું જાઉં છું. પાછળ ન આવતો.’ વેતાલ આકાશમાં ઉડવા લાગ્યો અને સિદ્ધવડ પર ઊંધો લટકી ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત