મંગળવારે રાજ્યસભામાં વિપક્ષી નેતાની વિદાય પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં ગુલામ નબી આઝાદ પણ થોડી ક્ષણો માટે ભાવુક બની ગયા હતા. સાથે જ તેમણે દેશમાંથી આતંકવાદને નાબૂદ કરવા અને કાશ્મીરી પંડિતોને પુનર્વસન કરવાની ઇચ્છા કરી હતી.
ઉપલા ગૃહને વિદાય સંબોધન દરમિયાન ગુલામ નબી આઝાદે એ વાતોને યાદ કરી જેની ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા હતા. આઝાદે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન બન્યાના થોડા જ દિવસોમાં કાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો અને કેટલાક પ્રવાસીઓ માર્યા ગયા. તેમાં ગુજરાતના પર્યટકો પણ હતા.
તેમણે કહ્યું કે જ્યારે તે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પીડિત પરિવારોના બાળકોએ તેને પકડ્યા અને રડવાનું શરૂ કર્યું. ગુલામ નબી આઝાદે કહ્યું કે તે દ્રશ્ય જોઇને તેમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. કે, “ભગવાન, તમે આ શું કર્યું, હું આ બાળકોને શું જવાબ આપીશ ? આ બાળકોમાંથી કોઈએ પોતાના પિતા ગુમાવ્યા છે તો કોઈએ પોતાની માતા ગુમાવી છે.” તેઓ અહીં ફરવા માટે આવ્યા હતા અને હું તેમના મૃતદેહને સોંપી રહ્યો છું.
આ ઉપરાંત ગુલામ નબી આઝાદે કહ્યું, ‘અલ્લાહને … ભગવાનને … પ્રાર્થના કરીએ કે દેશમાંથી આતંકવાદનો અંત થઈ જાય.’ જમ્મૂ અને કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં શહીદ થયેલા કેન્દ્રીય દળો અને પોલીસ કર્મચારીઓ સાથે નાગરિકોની હત્યાના સંદર્ભમાં ગુલામ નબી આઝાદે કાશ્મીરની સ્થિતિ સુધરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
સંબોધન દરમિયાન તેમણે કાશ્મીરી પંડિતોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જ્યારે તેઓ વિદ્યાર્થી રાજકારણમાં હતા ત્યારે તેઓ કાશ્મીરી પંડિતો પાસેથી સૌથી વધુ મત મેળવતા હતા. તેમણે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નિરાધાર બનેલા કાશ્મીરી પંડીતોને ફરી કાશ્મીરમાં વસાવવા વિનંતી કરતા એક પંક્તિ પણ સંભળાવી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, “ગુઝર ગયા વહ જો છોટા સા એક ફસાના થા, ફૂલ થે, ચમન થા, આશિયાના થા, ન પૂછ ઉજડે નશેમન કી દાસ્તાં, ન પૂછ થે ચાર તિનકે, મગર આશિયાના થા.” પાકિસ્તાનની હાલની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેમને ગર્વ છે કે તેઓ ભારતીય છે.
તેમણે કહ્યું, ‘હું એવા નસીબદાર લોકોમાં છું, જેઓ ક્યારેય પાકિસ્તાન નથી ગયા. પરંતુ જ્યારે ત્યાંના વિશે વાંચુ છું અથવા સાંભળું છું ત્યારે મને ગર્વ થાય છે કે આપણે હિન્દુસ્તાની મુસ્લિમ છીએ. જો વિશ્વના કોઈ પણ મુસ્લિમને ગર્વ થવો જોઈએ, તો તે ભારતના મુસ્લિમને ગર્વ થવો જોઈએ.
મુસ્લિમ દેશોની પરિસ્થિતિ વર્ણવતા તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાંની સામાજિક બદીઓ છે તે ભારતમાં નથી. તેમણે કામના કરી કે, ‘આ સામાજિક બદીઓ આપણા મુસ્લિમોમાં ક્યારેય ન આવે.’
અગાઉ વડાપ્રધાન મોદી આઝાદ દ્વારા પીડિતોને મદદ માટે કરવામાં આવેલા કામોની ગણતરી કર્યા બાદ ભાવુક થયા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાત અને ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદને તે સમયે બનેલી આતંકી ઘટનાથી પ્રભાવિત લોકોની મદદ કરવા જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત