Homeગામનાં ચોરેભારતમાં કોઈ ન કરી શક્યું એ આ શિક્ષકે કરી બતાવ્યું

ભારતમાં કોઈ ન કરી શક્યું એ આ શિક્ષકે કરી બતાવ્યું

દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવું કોને ન ગમે. રમત ગમત હોય, કલા હોય, કે પછી કોઈપણ ક્ષેત્રમાં દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન મળે એ દેશ માટે પણ ગર્વની વાત કહેવાય. આવું જ ગૌરવ દેશને હાંસલ કરાવ્યું છે એક પ્રાથમિક શાળાના શિક્ષકે. જેઓનું નામ છે. રણજીત સિંહ ડિસલે.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની પરિષદ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીત સિંહ ડિસલેને દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન મળ્યું છે. ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે દુનિયામાંથી રણજીત સિંહ ડિસલેની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડની સાથે સાથે પ્રાથમિક શાળાનો આ સામાન્ય શિક્ષક કરોડપતિ બની ગયો છે. ગ્લોબલ ટીચર પુરસ્કારની સાથે રણજીત સિંહ ડિસલેને 7 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા છે.

આવું પહેલી વખત બન્યું છે કે કોઈ ભારતીયને સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હોય. આ પહેલા કોઈ શિક્ષકને આ સન્માન પ્રાપ્ત થયું નથી તેથી રણજીત સિંહ ડિસલેએ ભારત દેશનું નામ પણ વૈશ્વિક કક્ષાએ ગુંજતું કર્યું છે.

યુનેસ્કો અને લંડન સ્થિત વાર્કી ફાઉન્ડેશન દ્વારા આ ગ્લોબલ ટીચર પુરસ્કાર આપવામાં આવે છે. ગઈકાલે એટલે કે 3 ડિસેમ્બરના રોજ આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સોલાપુર જિલ્લાના પરિતેવાડી જિલ્લા પરિષદ સ્કૂલના શિક્ષક રણજીત સિંહ ડિસલેએ આ એવોર્ડ જીત્યો હતો. લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્ટીફન ફ્રાયે આ એવોર્ડની જાહેરાત કરી હતી.

આ એવોર્ડ સમારોહ વર્ચ્યુઅલ યોજાયો હતો. સ્ટીફન ફ્રાયે આ એવોર્ડની જાહેરાત કરતાં જ રણજીત સિંહ ડિસલે ખુશીથી જુમી ઉઠ્યો હતો. પોતાની ખુશીનો પાર નહતો રહ્યો.

12 હજાર શિક્ષકોને રાખ્યા પાછળ

આ પ્રતિસ્પર્ધામાં દુનિયાના 140 દેશમાંથી કુલ 12 હજારથી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં 12 હજારથી વધુ શિક્ષકોને પાછળ રાખીને ભારતના રણજીત સિંહ ડિસલેએ આ પુરસ્કાર જીતી લીધો હતો.

આ કારણે મળ્યો એવોર્ડ?

કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ભારતમાં QR કોડ ધરાવતા પાઠ્યપુસ્તકની ક્રાંતિને આગળ ધપાવવાના પ્રયાસ બદલ રણજીત સિંહ ડિસલેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વર્ષ 2014માં વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયામાંથી 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા. આ પુરસ્કાર એવા શિક્ષકોને દેવામાં આવે છે જેણે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય.

રણજીત સિંહ ડિસલેના આ નિર્ણયે સૌનું દિલ જીતી લીધું

ગ્લોબલ ટીચર પુરસ્કાર જીતવાની સાથે 7 કરોડ રૂપિયા જીતનાર રણજીત સિંહ ડિસલેએ પોતાની ઇનામી રકમમાંથી 50 ટકા રકમ ફાઈનલમાં પહોંચનાર બાકીના 9 શિક્ષક સાથે વહેંચવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મારફતે અભ્યાસ કરવાનો મોકો મળશે. રણજીત સિંહ ડિસલેના આ નિર્ણયે સૌના દિલ જીતી લીધા છે.

શુભેચ્છાઓનો વરસાદ

ભારતમાંથી પ્રથમ વખત આ પુરસ્કાર મેળવાનાર રણજીત સિંહ ડિસલેની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રણજીત સિંહ ડિસલેને અભિનંદન પાઠવ્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ આ એવોર્ડ જીતવા બદલ રણજીત સિંહ ડિસલેને અભિનંદન પાઠવ્યા છે. અભિનેતા અનુપમ ખેરે પણ રણજીત સિંહ ડિસલેની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments