વિનોદ ભટ્ટના સમગ્ર લેખનને અલગ તારવવામાં આવે તો એમાં એક વસ્તુ ગુરૂત્તમ સામાન્ય અવ્યય બની નીકળે છે. લેખનમાં હાસ્યનો રણકો આવે છે, આવે છે અને આવે જ છે. તમે યાદ આવ્યાં. લાક્ષણિક શૈલીમાં લખાયેલા તેમના ચરિત્રો જેમ કે વિનોદની નજરે, અને હવે ઈતિહાસ, નર્મદ, મુનશી, જ્યોતીન્દ્ર અને શેખાદમ આબુવાલાના ચાર ચરિત્રોનું પુસ્તક. જ્યોર્જ બર્નાડ શો, મન્ટો, ચાર્લી ચેપ્લિન અને એન્ટોન ચેખોવનું ચરિત્ર. તેમના નિધન બાદ પ્રકાશિત થયેલું તેમનું પુસ્તક ઈદમ્ ચરિત્રમ. આ સમગ્ર તેમના ચરિત્ર નિબંધના પુસ્તકો છે.
અને હવે ઈતિહાસમાં તેમણે ઈતિહાસમાં છૂટછાટ લીધી છે. ઈસવીસનોથી ભરચક અને ભરપુર ઈતિહાસમાં ત્યારે મજા આવે જ્યારે તેને હળવીશૈલીમાં રજૂ કરવામાં આવે અથવા તો કલ્પનાની રંગોળી પૂરવામાં આવે!! તેમના બે પુસ્તકો જે ખડખડાટ હસાવી જાય તેમાં અને હવે ઈતિહાસ અને હાસ્યોપચારને મૂકી શકાય. જેમાં કોઈ પણ ક્ષણે આંખમાંથી પાણી આવી શકે છે. એક એક વાક્યે.
આ પુસ્તકમાં 34 ચરિત્રો છે. પણ લેખક નથી ઈચ્છતા કે વિવેચકો એમ મફતમાં ખાટી જાય એટલે ચોત્રીસ ચરિત્રોની આગળ તેમણે ક્રમ નથી લખ્યો. મારે તો એ ગણવા પડ્યા.
વિનોદ ભટ્ટે કહેલું કે, ‘હાસ્ય એ સૂકા આંસુ છે.’ આ વિધાન ફક્ત બોલવામાં જ ન રહી જાય અને લખવામાં પણ આવે આ માટે તમે યાદ આવ્યાં પુસ્તકમાં તેમણે એક પાનું એ વિધાનને ફાળવ્યું છે. જો લેખક યુવા હોત તો પ્રકાશકે આટલા અમથા વાક્ય માટે 1250 પાનાં ન બગાડ્યા હોત. તમે સમજણા હો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે 1250 પ્રથમ આવૃતિ વખતે છપાયા હતા.
લેખક નોંધે છે કે બીજી આવૃતિમાં કુલ ચાર ચરિત્રો ઉમેરવામાં આવ્યા છે. આ ચાર ચરિત્રોમાં બચુભાઈ રાવત, ધૂમકેત, હરિપ્રસાદ વ્યાસ અને ચિનુ મોદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉ એક લેખમાં ચાબુકે રેખાચિત્રો-ચરિત્રનિબંધ-કેરિકેચરમાં લેખકો, ખાસ તો નવા લેખકો દ્વારા દાખવવામાં આવતી ઉદાસીનતા પ્રત્યે ધ્યાન દોર્યું હતું. એમને લખી લીધા પછી ખૂદને ખબર નથી હોતી કે આ સાહિત્યનો પ્રકાર કયો છે.
ચાલો બાળ સાહિત્ય તો બાળકોનું છે અને તેમાં આગળ બાળ લખેલું આવે છે તેથી ખબર પડે, પણ રેખાચિત્રો વિશે નહીંને આજની પેઢીને પૂછી લઈએ તો તે કોઈ રેખા નામની લેખિકાના મૃત્યુપર્યંત આ સાહિત્યપ્રકારનું નામ પડ્યું હશે તેવું માની લે તો કંઈ કહેવાય નહીં.
તમામ ચરિત્રો વિશે લેખક કહે છે કે, આમાંથી કોઈએ મારી પજવણી નથી કરી. એટલે કે લેખકને ચોત્રીસમાંથી કોઈ પણ પાત્રએ હેરાન નથી કર્યા. તો એનો અર્થ એમ પણ માની શકાય કે વિનોદની નજરેના કેટલાક ચરિત્રોએ તો તેમને હેરાન કર્યા જ હશે. ખાસ ચંદ્રકાંત બક્ષી. જેમણે ચાબુકની જેમ બે વખત વાંચ્યું ત્યારે ખબર પડી કે આ મારી પ્રશંસા નહીં પણ છાતી ફાડીને કરવામાં આવેલી ટીકા ઉર્ફ કટાક્ષ છે અને પછી તેમના પર તેઓ વરસી પડ્યા હતા.
અહીં વિવેચન કે પુસ્તકમાં લેખકે શું શું લખ્યું આ વિશે કેમ લખનાર વાત નથી કરતા? એ ચિંતા તમને કોરી ખાતી હશે. આ રીતે લખવાનો અર્થ એ સરે છે કે આર્ટિકલ રાઈટર આપને બસ યાદ અપાવવા માગે છે કે શ્રીમાન આવું પણ કોઈક પુસ્તક છે.
આપણે ત્યાં હવે એક નવા પ્રકારનું વિવેચન સામે આવ્યું છે. એ વિવેચનમાં જે તે લેખક બનવા ઈચ્છતો યુવક પોતાના સિનિયરની પ્રશંસા કરે છે અને બદલામાં એનું પણ થોડું નામ થઈ જાય છે. નામના કરવા માટે જ હવે ટીકા નથી કરવામાં આવતી!!
આ તો આડા પાટે ચડી ગયા. આ પુસ્તકમાં કેટલાક એવા ચરિત્રો છે જે વિનોદને અતિપ્રિય છે અને તેમના બે ત્રણ પુસ્તકોમાં અને સંપાદનમાં પણ તે નજરે ચડી જશે. એમાંથી એકનું નામ જ્યોતીન્દ્ર દવે છે. શેખાદમ આબુવાલા છે. હવે વિનોદે અનુભવેલી અને લખેલી કેટલીક ઘટનાઓ જોઈએ.
સાવરકુંડલાના શચીન્દ્રભાઈનો સુપુત્ર દીપક એક વખત રાજકોટની મુલાકાતે આવ્યો. અહીં પ્રવીણ પ્રકાશને ગયો અને મન્ટોનું દસ્તાવેજ પુસ્તક માગ્યું. એક જ નકલ હતી. ખિસ્સામાંથી પૈસા કાઢવા હાથ નાખ્યો તો ઓછા નીકળ્યા. એ મૂંઝવણમાં મૂકાઈ ગયો અને તેણે પ્રવીણભાઈને આજીજી કરી કે, ‘ફરી ક્યારેક આવું અને પૈસા આપી દઉં તો ચાલે.’
પ્રવીણ ભાઈએ તુરંત હા પાડી દીધી.
આમ ફટાફટ હા પાડવા પાછળનું કારણ દીપકે પૂછ્યું તો પ્રવીણ ભાઈએ કહ્યુ, ‘મન્ટોને વાંચનારા પર શ્રદ્ધા હોય છે. એ કોઈ દિવસ દગો ન કરે. એ બેઈમાની ન કરે’
શૂન્ય પાલનપુરી. શેખાદમ આબુવાલાના નિધન પછી તેમની યાદમાં એક મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકપ્રિય કવિઓને આમંત્રણ આપવામાં આવેલું. જેમાં શૂન્ય પ્રથમ નંબર પર હતા. શૂન્ય સમયસર આવી ગયા અને મૂશાયરો સાચવી લીધો. કાર્યક્રમ પૂર્ણ થતાં જ વિનોદ ભટ્ટ સહિતના લોકો તેમના હાથમાં પુરસ્કાર આપવા ગયા. શૂન્ય પાલનપુરીએ કવર હાથમાં લીધું અને પાછું વિનોદ ભટ્ટના હાથમાં પકડાવતા બોલ્યા, ‘કેમ શેખાદમ તમારો એકલાનો જ મિત્ર હતો?’ પાલનપુરીને ફરી કવર આપતા કોઈનો જીવ ચાલ્યો નહીં.
આ પુસ્તકમાં વિનોદ ભટ્ટ હાસ્યનું સ્તર કેવું છે તેના વિશે સુંદર પ્રકાશ પાડે છે. રમણભાઈ નીલકંઠના ચરિત્રમાં તેઓ લખે છે કે, ‘‘સાહિત્યમાં હાસ્યરસને ગૌણ ગણવામાં આવ્યો છે. ભરતમુનિએ હાસ્યરસને સ્વતંત્ર રસ તરીકે સ્વીકાર્યો નથી. તેને શૃંગારરસની બાયપ્રોડક્ટ કહેતાં આડપેદાશ ગણાવેલો. સમાજની જેમ સાહિત્યમાં પણ વર્ણવ્યવસ્થા પ્રવર્તે છે. સાહિત્યમાં કવિને બ્રાહ્મણ કહ્યો છે. પછી આવે છે નવલકથાકાર જેને વૈશ્ય કહેવામાં આવે છે. આજે પણ પ્રકાશકો નવલકથા હોંશથી ને પહેલા છાપે છે. લખનારને એમાંથી વળતર પણ ઠીક ઠીક પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવે છે વિવેચક, જે ક્ષત્રિયની પેઠે ગમે તે કૃતિને વાઢી નાખે છે. કવિ કાલિદાસ કે શેક્સપિયરની કૃતિઓમાં પણ પારાવાર ભૂલો બતાવી શકે છે. અને છેલ્લે આવે છે હાસ્યલેખક જેને શુદ્ર ગણવામાં આવ્યો છે.’’
એક લેખક કુમાર કાર્યાલયે આવ્યા અને બચુભાઈ પાસે અવલોકન કરાવવા માટે આવેલા પુસ્તકો લઈ ગયા. હવે એ પુસ્તકો લઈ ગયા તેને એક વર્ષ થવા આવ્યું હતું. લેખકે બચુભાઈને એવું આશ્વાસન પણ આપેલું કે, આ તમામ પુસ્તકોના રિવ્યૂ હું કુમારમાં કરીશ. ન તો રિવ્યૂ લખેલા આવ્યા ન તો પુસ્તક આવ્યા. એક વર્ષ પૂર્ણ થતાં એક પત્ર બચુભાઈએ પેલા લેખકને લખ્યો. પત્રમાં લખ્યું હતું કે, ‘તમે લઈ ગયેલા એ પુસ્તકોને એક વર્ષ પૂર્ણ થયું. આપણે તેની વર્ષંગાંઠ ઉજવવી છે. તો એ પુસ્તકો સાથે તમે વર્ષગાંઠ નિમિત્તે ઉપસ્થિતિ રહેશો.’
પુસ્તકમાં એ પણ લખેલું છે કે, અશ્વિની ભટ્ટને આશકા માંડલ અને ઓથાર સુધી પહોંચતા પહોંચતા કુલ 60 પુસ્તકોનો અનુવાદ કરવો પડ્યો હતો. પૈસા માટે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત