Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક સામાન્ય એવી બાબતમાં 22 વર્ષીય સોનુ યાદવની ગામના જ કેટલાક લોકોએ ઠંડા કલેજે હત્યા નીપજાવી નાખી હતી. હત્યા પાછળનું કારણ એ સામે આવ્યું છે કે તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે કેટલાક લોકોને પસંદ નહોતો આવ્યો. તેને એ વીડિયોને હટાવવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે તેણે હટાવવાની ના પાડી દીધી તો તેને લાકડી વડે ફટકારી ફટકારી મારી નાખવામાં આવ્યો. જોકે આ સમગ્ર ઘટનાનો પોલિટિકલ એન્ગલ નીકળ્યો છે અને તેમાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે.
પ્રયાગરાજનાં કંચનવા ગામમાં યાદવ અને ઠાકુર સમુદાયના લોકો વસવાટ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે સોનુ યાદવે ઠાકુર સમુદાય વિશે આપત્તિજનક વીડિયો બનાવ્યો હતો અને અપલોડ કર્યો હતો. આ વાતને લઈ ઠાકુર અને યાદવ સમુદાયની વચ્ચે તણખા ઝર્યા હતા. આરોપ લાગ્યો છે કે ઠાકુર સમુદાયના પ્રીતમ સિંહે સોનુને તે વીડિયો હટાવી લેવાનું જણાવ્યું હતું. સોનુએ વીડિયો હટાવવાની ના પાડી દીધી હતી.
વાતનું વતેસર થઈ જતાં આખરે મામલો લાકડીયુદ્ધ પર આવી પહોંચ્યો હતો. પ્રીતમ સિંહ અને ઠાકુર સમુદાયના કેટલાક અન્ય લોકોએ સોનુ યાદવને લાકડી વડે માર માર્યો હતો. ઘટના બાદ સોનુને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં ત્રણ આરોપી શિશુ પાલ સિંહ, તેના પુત્ર પ્રીતમ સિંહ અને સંબંધી શ્યામ સિંહની ધરપકડ કરી છે. હજુ બે લોકો ફરાર છે.
28 જુલાઈના રોજ સોનુના પરિવારના લોકોએ મૃતદેહને લઈ પ્રદર્શન કર્યું હતું. ગામની નજીકથી પસાર થતા રોડને જામ કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે, જ્યાં સુધી સરકારી મદદ નથી મળતી ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે. પરિવાર માગણી કરી રહ્યું છે કે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. બાદમાં માંડ માંડ આ મામલો થાળે પડ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે. એવામાં આ હત્યાને લઈ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને નિશાનો બનાવી રહી છે. રાજનીતિક એન્ગલ એ છે કે, સોનુ યાદવે સમાજવાદી પાર્ટી સાથે સંલગ્ન ગીત વગાડ્યું હતું. જેથી તેની હત્યા કરી નાખવામાં આવી. સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ યોગેશ યાદવે સોનુ યાદવના પરિવારની મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘સોનુંને ન્યાય અપાવીશું.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત