Google દર વર્ષે સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિઓની યાદી બહાર પાડે છે. તાજેતરમાં જ ગુગલે 2020માં ભારતમાં સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. મોટે ભાગે ટોપ-10માં ભાગ્યે જ કોઈ પત્રકારનું નામ જોવા મળતું હોય છે. આ યાદીમાં ટોપ-10માં રાજકારણ, બોલિવુડ અને ક્રિકેટ સાથે સંકળાયેલી વ્યક્તિઓના જ નામ જોવા મળતાં હોય છે. પરંતુ 2020ની ગુગલની ભારતમાં સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિની યાદીમાં એક નામ ઉડીને આંખે વળગે તેવું છે. અર્નબ ગોસ્વામી. રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામી 2020માં ગુગલ પર સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિઓની યાદીમાં બીજા નંબરે છે.
પ્રથમ નંબરે કોણ ?
વર્ષ 2020માં ભારતમાં Google પર સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિમાં વિદેશીએ બાજી મારી છે. સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિમાં પ્રથમ નંબરે છે જો બાઈડેન. હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ચર્ચામાં આવેલા જો બાઈડેન ભારતમાં આ વર્ષે ગુગલ પર સૌથી વધુ સર્ચ થયા. ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં પછડાટ આપીને જો બાઈડેન દુનિયાભરમાં ચર્ચામાં આવ્યા હતા.

બીજા નંબરે અર્નબ ગોસ્વામી
રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામી આ વર્ષે ગુગલની યાદીમાં બીજા નંબરે રહ્યા. સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ અર્નબ ગોસ્વામીની ચેનલે જે પ્રકારે સતત એક મુદ્દા પર સમાચારો પ્રસારિત કર્યા હતા તેને લઈને તેમની ચેનલની ટીઆરપી પણ વધી અને અર્નબની લોકપ્રિયતામાં પણ વધારો થયો. મહારાષ્ટ્ર સરકાર સાથે જીભાજોડી કરીને અર્નબ ગોસ્વામી વિવાદોમાં પણ ઘેરાયા. જુના કેસમાં જેલમાં પણ જવું પડ્યું. અંતે છુટકારો મળતાં ફરી ટીવી પર આવી ગયા. અર્નબ ગોસ્વામીનો શો પુછતા હૈ ભારત પણ ખૂબ જ લોકપ્રિય બન્યો. ઘણા લોકોએ અર્નબ ગોસ્વામી અને તેની ચેનલ પર બતાવાતા સમાચારની ટીકા પણ કરી. સરવાળે પોઝિટિવ અને નેગેટિવ એમ બન્ને રીતે ચર્ચામાં રહેનાર અર્નબ ગોસ્વામી 2020માં ભારતમાં ગુગલ પર સર્ચ થનાર વ્યક્તિમાં બીજા નંબરે રહ્યા.

ટોપ ટેનમાં અન્ય કોણ કોણ ?
ગુગલે જાહેર કરેલી 2020ની ભારતમાં સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિની યાદીમાં જો બાઈડેન અને અર્નબ ગોસ્વામી પછીનું ત્રીજું નામ છે સિંગર કનિકા કપુર. કનિકા કપુરને લોકડાઉન પહેલાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત થનાર તે પહેલી સેલિબ્રિટી હતી. જેના કારણે લોકોએ તેને ગુગલ પર ખૂબ સર્ચ કરી.

કિમ જોંગ ઉન
ચોથું નામ છે કિમ જોંગ ઉન. ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉન ચર્ચામાં હોય જ છે. પોતાના સનકી અને ઘાતક નિર્ણયો લેવા બદલ તેઓ દુનિયાભરમાં હંમેશાં ચર્ચામાં રહે છે.

અમિતાભ બચ્ચન
આ યાદીમાં પાંચમું નામ છે બોલિવુડના શહેનશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન એવું નામ છે જેને લોકો હંમેશાં ગુગલ પર સર્ચ કરતાં હોય છે. આ વર્ષે તેઓ કોરોના પોઝિટિવ પણ થયા હતા જેથી પણ લોકોએ તેમનું નામ ગુગલ પર સર્ચ કર્યું હોય. આ સાથે જ હાલ તેઓ કૌન બનેગા કરોડપતિમાં પણ દેખાઈ રહ્યા છે.

રાશિદ ખાન
છઠ્ઠુ નામ છે એક ક્રિકેટરનું. આ ક્રિકેટર ભારતનો નથી પણ અફઘાનિસ્તાનનો છે. જેનું નામ છે રાશિદ ખાન. રાશિદ ખાન પોતાની બોલિંગના કારણે દુનિયાભરમાં જાણિતો છે. ભારતમાં પણ તેનું નામ આ વર્ષે ગુગલ પર સર્ચ થયું.

રિયા ચક્રવર્તી
સાતમું નામ છે રિયા ચક્રવર્તી. સુશાંત સિંહ રાજપુત કેસમાં જેલવાસ ભોગવી રહેલી રિયા ચક્રવર્તી ગુગલ પર આ વર્ષે સર્ચ થવામાં સાતમાં નંબરે રહી. સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી આરોપી છે. હાલ તે જેલમાં છે અને કાર્યવાહી ચાલી રહી છે. સમાચારોમાં પણ આ નામ ઘણું ચર્ચાએ ચડ્યું હતું.

કમલા હેરિસ
ગુગલની યાદીમાં ભારતમાં સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિની યાદીમાં આઠમાં નંબરે છે કમલા હેરિસ. ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જો બાઈડેન સાથે મળીને તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.

અંકિતા લોખંડે
નવમાં નંબરે છે અંકિતા લોખંડે. પવિત્ર રિશ્તા સિરિયલથી જાણિતી બનેલી અને સુશાંત સિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે આ યાદીમાં નવમાં નંબરે છે. સુશાંતના મૃત્યુ બાદ ઘણા તર્ક વિતર્ક સામે આવ્યા. જેથી લોકોએ અંકિતા લોખંડેનું નામ પણ ગુગલ પર ખૂબ જ સર્ચ કર્યું.

કંગના રનૌત
ટોપ-10માં દસમાં નંબરે નામ છે કંગના રનૌતનું. બોલિવુડ જગતનું હંમેશા વિવાદમાં રહેનાર નામ એટલે કંગના રનૌત. બીએમસી દ્વારા તેની ઓફિસનો કેટલોક ભાગ પાડી દેવાતા કંગના બીએમસી અને ઉદ્ધવ સરકાર સામે જંગે ચડી હતી. સાથે જ હાલમાં ખેડૂત આંદોલનમાં પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને દિલજીત દોસાંજ સાથે ટ્વિટર યુદ્ધ કરનાર કંગનાનું નામ લોકોએ ગુગલ પર ખૂબ સર્ચ કર્યું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત