Homeગામનાં ચોરેહે ચાબુક આત્મનિર્ભરતાએ ઓક્સફોર્ડમાં એડમિશન લઈ લીધું છે

હે ચાબુક આત્મનિર્ભરતાએ ઓક્સફોર્ડમાં એડમિશન લઈ લીધું છે

ગોવાબાપાઃ ચાબુક, તુ કોઈ દિ મારા ગામની સીમમાં આટો મારવા આવેલો ?

હા ગોવા બાપા,

ત્યાં તે ખેતરો ફરતે કાંટાળી વાડ જોઈ હશે, હવે આવી વાડ હાઈવે પર લગાવવામાં આવી રહી છે. હાઈવે પર લગાવવાનું કારણ છે ખેડૂતોનું આંદોલન. આંદોલન કરી રહેલા ખેડૂતોએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરવાની ચીમકી આપી છે. જેથી પોલીસ તાબડતોબ બોર્ડર પર બેરિકેડ અને સળીયા લગાવવામાં લાગી ગઈ છે. પોલીસને ડર છે કે 6 ફેબ્રુઆરીનો માહોલ 26 જાન્યુઆરી જેવો ન થઈ જાય.

પણ આજે જે દ્રશ્યો સામે આવ્યા એ જોઈને લાગ્યું ચાબુક કે ખેડૂતોને રોકવા માટે પોલીસ અને સરકારને કેવા કેવા પેંતરા અપનાવવા પડે છે નઈ. લોખંડના અણીદાર સળીયાને રેતી-સિમેન્ટ અને કોંક્રીટની સાથે મજબૂતાઈથી ખુપાવવામાં આવ્યા છે. જેથી ટ્રેક્ટરો કે અન્ય વાહનો નીકળી ન શકે. કાંટાળા તારની વાડ કરી દેવામાં આવી છે. બેરિકેડના થપ્પા કરી દેવામાં આવ્યા છે. હાઈવેથી નીચે જતાં કાચા માર્ગો પર પણ કાંટાળી વાડ કરી દીધી છે બોલ ચાબુક. મને તો લાગે મારેય આ ખેતરમાં વાડ કરવાનું કામ આ લોકોને જ સોંપવું પડશે. એકેય જંગલી જાનવર ખેતરમાં ઘૂસી જ ના શકે.

ગોવાબાપા હું તો કઉં આ રોડ-રસ્તા અને બ્રીજનું કામ પણ આ લોકોને જ સોંપી દેવું જોઈએ. ફટાફટ થઈ જાય..

ચાબુક આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે GOI, BUILD BRIDGES, NOT WALLS !, એટલે ચાબુક રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કહ્યું કે, ખેડૂતો સાથે વાતચીતનો સેતુ બનાવો, દિવાલ નહીં.

એક તરફ વડાપ્રધાન કહી રહ્યા છે કે ખેડૂતો અને મારી વચ્ચે માત્ર એક ફોન કોલ્સનું જ અંતર છે, જ્યારે આ દ્રશ્યો જોતો તો ચાબુક લાગે છે કે અંતર વધી રહ્યું છે. આ અંગે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ ટ્વિટ કરીને સરકારની ટીકા કરી છે.

આત્મનિર્ભર ભારત

ચાબુક મોદી સાહેબે કોરોના કાળમાં દેશને એક નવો શબ્દ આપ્યો હતો, ‘આત્મનિર્ભર ભારત’, દેશી ભાષામાં કહીએ તો પોતાના પગ પર ઉભા રહેતા શીખો. હવે વાત એવી છે ચાબુક કે મોદી સાહેબે આપેલો આ ‘આત્મનિર્ભરતા’ શબ્દ ઓક્સફોર્ડને બહુ ગમી ગયો છે અને ઓક્સફોર્ડે ‘આત્મનિર્ભરતા’ શબ્દને 2020નો ઓક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ ઈયર જાહેર કર્યો છે.

રિચાબેનનું ટ્વીટ

આત્મનિર્ભરતા પરથી યાદ આવ્યું ચાબુક કે, અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ટ્વિટર પર ‘આત્મનિર્ભર ભારત, જય કિસાન’ લખીને કિસાન એકતા નામના ટ્વિટર એકાઉન્ટની એક પોસ્ટ રિટ્વિટ કરી છે આ પોસ્ટમાં બે તસવીર મૂકીને લખવામાં આવ્યું છે કે, ટિકરી બોર્ડર પર પાણીની સપ્લાય બંધ, બોર કરીને નવી મોટર લગાવવામાં આવી, હિસાબ બરાબર.

આવી બેદરકારી ન ચલાવી લેવાય

દેશભરમાં હાલ કોરોના વેક્સિન આપવાનું કાર્ય થઈ રહ્યું છે. ઘણી જગ્યાએથી વેક્સિનની આડઅસરના સમાચારો પણ સાંભળવા મળી રહ્યા છે. તેવામાં આજે મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં તંત્રની ગંભીર બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે ચાબુક.

ગયો રવિવાર પોલીયો રવિવાર હતો, અને તે દિવસે અહીંયા 12 બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવાની જગ્યાએ સેનિટાઈઝરના ટીપાં પીવડાવી દેવામાં આવ્યા બોલ ચાબુક. જો કે, તમામ બાળકોની તબિયત સ્થિર છે પરંતુ કર્મચારીઓ અને ડોક્ટરથી આટલી મોટી બેદરકારી થઈ જાય એ ખૂબ ગંભીર કહી શકાય. આ કેસમાં ભાનબોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક ડોક્ટર, એક આંગણવાડી સેવિકા અને એક આશા વર્કર સામે તપાસ કરવા આદેશ આપી દેવાયા છે.

મતગણતરીની તારીખને લઈ વિવાદ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખને લઈ વિવાદ શરૂ થયો છે. વાત જાણે એમ છે ચાબુક કે, 6 મહાનગરપાલિકા માટેનું મતદાન 21 ફેબ્રુઆરીએ છે અને મતગણતરી 23 ફેબ્રુઆરીએ થશે જ્યારે 31 જિલ્લા પંચાયત અને 238 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ છે જ્યારે તેનું પરિણામ 2 માર્ચના રોજ આવશે. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમામ ચૂંટણીની મતગણતરી એક જ દિવસે થવી જોઈએ તેવી માગ સાથે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. જે અંગે હાઈકોર્ટે ચૂંટણી કમિશન અને રાજ્ય સરકારને નોટિસ આપી છે અને 6 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી 9 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments