Homeતાપણુંભાજપનાં 219 એવા ઉમેદવારો જેણે ખાલી ફોર્મ ભર્યું ને ભાઈગ ઉઘડી ગ્યા

ભાજપનાં 219 એવા ઉમેદવારો જેણે ખાલી ફોર્મ ભર્યું ને ભાઈગ ઉઘડી ગ્યા

ગોવાબાપાઃ ચાબુક આ ચૂંટણી આવતા આવતા કોંગ્રેસ પાસે લડવા જેવા ઉમેદવારો વધશે નહીં હો એવું લાગે છે. દિવસે દિવસે ભાજપના ઉમેદવાર ચૂંટણી લડ્યા વિના જ બિનહરીફ ચૂંટણી જીતી રહ્યા છે. કોંગ્રેસ મેદાનમાંથી ખસી રહી છે અથવા પરાણે ખસેડી દેવામાં આવી રહ્યા છે, જે કારણ હોય એ પણ જો આવું ને આવું રહ્યું તો કોંગ્રેસ પાસે કઈ વધશે નહીં. 

આજે વધુ બે નગરપાલિકામાં ભાજપે બાજી મારી લીધી છે. કડી અને ઊના નગરપાલિકા ચૂંટણી પહેલાં જ ભાજપના ફાળે ગઈ છે. કડીમાં 36 બેઠકમાંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે જ્યારે ઊના નગરપાલિકામાં 36 બેઠકમાંથી 21 બેઠક ભાજપના ખાતામાં ગઈ છે.

અત્યાર સુધીના ચૂંટણી ચિત્રની વાત કરું ચાબુક તો રાજ્યમાં જિલ્લા પંચાયતની કૂલ 24 બેઠક ભાજપે જીતી લીધી છે. તાલુકા પંચાયતની 110 બેઠક પર ભાજપે કબજો કરી લીધો છે અને નગરપાલિકામાં 85 બેઠક જીતી છે આમ પાલિકા અને પંચાયતની મળીને કૂલ 219 બેઠકો પર ચૂંટણી લડ્યા વિના જ ભાજપના ઉમેદવારો જીતી ગયા છે.

હું ઘણા દિવસથી કહી રહ્યો છું ચાબુક કે કોંગ્રેસમાં આ વખતની ચૂંટણીમાં જરાય પરિપક્વતા, સંકલન કે જીતવાની ઇચ્છા જેવું દેખાતું નથી. જેનો સીધો ફાયદો ભાજપને મળી રહ્યો છે. બિનહરીફ થયેલી આ બેઠકો પર હવે નથી ભાજપને પ્રચારની જરૂર કે નથી કોંગ્રેસને. એય ને બન્નેને મોજ મોજ.

મુસીબત કોંગ્રેસનો પીછો છોડવા ન માગતી હોય તેમ હવે જે ઉમેદવારો બચ્યા છે એનીય ગોઠવણ કોંગ્રેસ કરવામાં લાગી ગઈ છે. અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકા પંચાયતના 22 ઉમેદવારોને કોંગ્રેસે ભાજપના ડરના કારણે અજ્ઞાત સ્થળે મોકલી દીધા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આરોપ છે કે, ભાજપ અમારા ઉમેદવારોને લોભ-લાલચ આપી રહી છે. ફોર્મ પરત ખેંચી લેવા ધાક-ધમકી મળી રહી છે.

ચાબુક આજ-કાલ આ ભાજપની કુંડળીમાં બિનહરીફ શબ્દ લખેલો લાગે છે હો.

કેમ ગોવાબાપા તમને એવું લાગ્યું ?

લાગે જ ને કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો ભાજપના ઢગલાબંધ ઉમેદવારો બિનહરીફ થયા છે હવે સાંસદ પદના ઉમેદવારો પણ બિનહરીફ થઈ રહ્યા છે. ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે આજે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાના નામની ભાજપે જાહેરાત કરી. થોડીવારમાં ખબર પડી કે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી તે પોતાના એકેય ઉમેદવાર જાહેર નહીં કરે. બસ પછી શું ભાજપના બન્ને ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણીમાં થઈ ગયા બિનહરીફ. ભાજપની કુંડળીમાં સ્વરાજ્ય યોગ અને રાજ્યસભા યોગ લખેલો લાગે છે મને તો.

ચાબુક આપણો દેશ યુવાનોનો દેશ છે અને યુવાનોની સમસ્યાને જો કોઈ સમજતું હોય તો એ કોંગ્રેસ છે હો.

તમને એવું કેમ લાગ્યું વળી ગોવાબાપા ?

વડોદરા મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલું શપથપત્ર વાચીશ તો તનેય લાગશે કે ખરેખર કોંગ્રેસે યુવાનોની બહુ મોટી સમસ્યા હલ કરવાનું નક્કી કર્યું છે.

હવે કોંગ્રેસ યુવા-કપલોની સમસ્યા હલ કરવા શપથપત્રમાં એક વાયદો લઈને આવી છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જાહેરાત કરી છે કે જો વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસની સરકાર આવશે તો ડેટિંગ માટેની જગ્યાઓ ખોલવામાં આવશે. યુવાનો માટે ડેટિંગ માટે જગ્યાની વ્યવસ્થા કરાશે. સત્તામાં આવતા જ ડેટ ટેસ્ટિનેશન વિથ કોફી શોપ ખોલવામાં આવશે.

છે ને ચાબુક યુવાનોના વિકાસ માટેની જાહેરાત. બિચારા ઘણા યુવાનોને આની જરૂરિયાત હશે હો ચાબુક. જો કોંગ્રેસ જીતે અને વાયદો પૂરો કરે તો વડોદરામાં કોફી શોપમાં બેસીને એય ને પ્રેમની વાતો કરતી જવાની ને કોફી પીતી જવાની, મોજ જ મોજ..

પરંતુ ચાબુક હું તો કોંગ્રેસને કહેવા માંગુ છું કે પહેલાં તમારા ઉમેદવારોના ઘરે શૌચાલય બનાવો પછી આ ડેટ ફેટની જગ્યા બનાવવાનું વિચારજો. આ હું એટલા માટે કઉં છું કે ગઈકાલે અમદાવાદ જિલ્લા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ એટલા માટે રદ્દ થઈ ગયું કેમ કે તેના ઘરે શૌચાલય નહતું.

પેટ્રોલ-ડીઝલના ભાવ પર સરકારે હાથ ઉંચા કર્યા !

મોંઘવારીએ તો આમ આદમીનું બજેટ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ચાબુક. પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે ગેસના ભાવ પણ હરીફાઈ કરી રહ્યા છે. પરંતુ સરકાર આ મુદ્દે હાથ ઉંચા કરી રહી છે. આજે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહી દીધું છે કે હવે પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ શોધવાનો સમય આવી ગયો છે. વીજળીને ઇંધણ તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલે કે મંત્રી સાહેબે જનતાને કહી દીધું કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો તેનો વિકલ્પ પસંદ કરી લો. તો આ તરફ સી.આર.પાટીલ પણ વડોદરામાં બોલ્યા કે પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ પર સરકારનું નિયંત્રણ નથી.

પરંતુ ચાબુક સરકારના હાથમાં ભાવ ન હોય તો કાઈ નહીં પરંતુ ટેક્સ ઓછો કરીને જનતાને તો રાહત આપી જ શકાય એમ છે. જોઈએ સરકાર ક્યારે આ પગલું ભરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments