Homeવિશેષવસંત એ પ્રકૃતિની અભિવ્યક્તિ છે

વસંત એ પ્રકૃતિની અભિવ્યક્તિ છે

રૂપલ મહેતા: પ્રકૃતિને ખીલવાનો અને ખુલવાનો અવકાશ ‘વસંત’ આપે છે અને માણસને ખીલવાનો અને ખુલવાનો અવકાશ ‘શિક્ષણ’આપે છે અને એટલે જ આપણે વસંત-પંચમીના દિવસે ‘માં-સરસ્વતીની’ આરાધના કરીએ છીએ. વસંતઋતુને કવિરાજ કાલિદાસે ‘ઋતુઓનો રાજા કહ્યો છે. આ ઋતુ દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. છોડ પર નવી કૂંપળો ફૂટે છે. વૃક્ષો પાંદડાઓ અને ડાળીઓના વૈભવથી ખીલી ઊઠે છે! ફૂલોને ખીલવાનો મોકો મળી રહે છે. આંબાના વનમાં કોયલ મધુર સાદે વસંતના વધામણાં કરે છે. જે બે પ્રેમીઓ લગ્ન-જીવનમાં આજીવન જોડાવા ઇચ્છતા હોય તેઓ માટે વસંત-પંચમી એટલે વણજોયું મુહૂર્ત! બાગ અને હ્રદય બંનેમાં ખીલી ઉઠેલા ફૂલોની મહેંક સૌને આનંદિત કરતી રહે છે. પાનખરમાં ખરી પડેલા પર્ણોનો ખડખડાટ જ વસંતનું આગમન પાક્કુ કરી આપે છે. વસંત એ પ્રેમીઓના ધબકતા હ્રદયની ઋતુ છે. લાગણીઓને વાચા આપતી ઋતુ છે. હકીકતમાં તો વસંત એ પ્રકૃતિની અભિવ્યક્તિ છે, જે આપણને સૌને કહે છે, જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓની પાનખર આવે ગભરાશો નહી, ‘દરેક પાનખરને તેની વસંત હોય જ છે.’ જિંદગી એક એવો ઉત્સવ છે, જેમાં જીવંત તત્વ જેટલું ઉમેરાતું રહે, એ એટલી વધુ ઉજવાતી રહે છે! જિંદગી ડગલે ને પગલે જે નવીનતા અને વિવિધતા માંગે છે, એ વસંત તેને આપે છે. ખરી જવાનો પણ એક આનંદ હોય છે. ખરી જતા ફૂલોનું સ્થાન જ નવી કૂંપળો લેતી હોય છે. ફૂલો આપણને શણગારે છે અને વસંત ફૂલોને શણગારે છે! આપણા સૌના જીવનમાં જીવવાનો ઉત્સાહ જળવાઈ રહેવો જોઈએ. એ વસંત આપણને શીખવી જાય છે. મિત્રો પ્રેમ એ કોઈપણ વ્યક્તિના જીવનમાં એકવાર જરૂર આવતી વસંત છે. બસ આપણે તેને સ્વીકારવા અને સમજવા તૈયાર હોવા જોઈએ.

કોઈ વ્યક્તિ માટે પ્રથમ વાર હ્રદયનું ધબકવું એ વસંત છે!

માતા માટે બાળકનો જન્મ એ વસંત છે!

મા દ્વારા બાળકનો ઉછેર એ વસંત છે!

પિતાની બાળક પ્રત્યેની કાળજી અને કુટુંબ માટે પડતાં પરસેવાની સોડમ એટલે વસંત!

પરિવારના બધા સભ્યો ભેગા મળી જિંદગીની પ્રત્યેક ક્ષણને માણે એ વસંત!

મિત્રો સાથેની નિખાલસ અને નિર્દોષ જિંદગી એટલે વસંત જ વસંત!

પ્રિયજન માટેની તાલાવેલી એટલે વસંત!

ઈશ્વર સાથેનો સંવાદ એટલે વસંત!

સૌને સૌની વસંત મુબારક ! જેઓ પ્રત્યેક ક્ષણને જીવે છે, તેના માટે જીવન જ છે વસંત!

કોઈ કમનસીબ જ હશે જેને પ્રકૃતિના આ મહોત્સવની અસર નહી થતી હોય. મિત્રો શિક્ષણ એ તો પ્રત્યેક વ્યક્તિના જીવનની એવી વસંત છે, જે તેને કોઈપણ મુસીબતોની પાનખર સામે લડતા શીખવે છે. શિક્ષક એ માળી છે, જે શાળા રૂપી બાગમાં બાળકોને ખીલવાનો અને ખુલવાનો મોકો આપતા રહે છે. કહે છે મિત્રો કે શિક્ષક પ્રેરણા આપનાર હોવો જોઈએ. તે એવો પ્રેરણા-સ્ત્રોત હોવો જોઈએ જે વિદ્યાર્થી અને તેના સંપર્કમાં આવતા લોકોને અખૂટ પ્રેરણા આપતો રહે ! વિદ્યાર્થીના જીવનમાં કેળવણીરૂપી વસંત લાવનાર શિક્ષક આજીવન વિદ્યાર્થી હોય છે. જે પોતે પણ સતત શિખતો રહે છે, જેથી વિદ્યાર્થીઓને કશું નવું નવું આપતો રહે!

આ દુનિયામાં શિક્ષણ સૌથી વધુ જીવંત અને સર્જનાત્મક લાગણી છે. એની સુલીવાન હેલનના જીવનમાં સ્પર્શ-સંવેદનાના શિક્ષણ દ્વારા જીવંતતા લાવી શકી! તેઓના પ્રયાસો થકી જ હેલન પોતાની શારીરિક ખામીઓની મર્યાદા સાથે પણ અવિરત વિકસતી રહી! વિદ્યાર્થીઓના જીવનમાં નવીનતા અને વિવિધતાની વસંત લાવે એ જ સાચો શિક્ષક! કોરી સ્લેટ પર સત્ય અને પ્રમાણિકતાના પાઠ લખી શીખવનાર શિક્ષક જ વિદ્યાર્થીઓને જિંદગીમાં સાચા રસ્તે લઈ જઈ શકે. વ્યક્તિના જીવનમાં માતા-પિતા પછી સૌથી મહત્વનું સ્થાન શિક્ષકનું હોય છે. શિક્ષક એ વૃક્ષ છે, જેની છત્ર-છાયામાં બાળકો વિસ્તરતા અને વિકસતા રહે છે. બાળકોમાં રહેલી પ્રતિભાની કૂંપળો શિક્ષક જ સ્નેહના સિંચન દ્વારા ખીલવી શકે છે.

જીવન-ઉપયોગી શિક્ષણ થકી વ્યક્તિના જીવન અને વિકાસ ઘડતરનું કાર્ય શિક્ષક જ કરી શકે છે. શિક્ષક નવા નવા પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને જીવંત બનાવી શકે છે. વિદ્યાર્થીઓમાં મૌલિકતાનું સર્જન શિક્ષક જ કરી શકે છે. વિદ્યાર્થીઓને તેનામાં રહેલી વિશેષતા અને ખામીઓનું જ્ઞાન શિક્ષણ થકી જ મળતું રહે છે. વિદ્યાર્થી કાળને વ્યક્તિના જીવનનો સુવર્ણકાળ એટલે જ તો કહેવાય છે. કોઈ ગમે તેટલું કહે વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનું સ્થાન કોઈ ટેકનૉલોજી લઈ શકે એમ નથી, ઓનલાઈન શિક્ષણે આપણને સૌને એ સમજાવી દીધું છે. શિક્ષક બીજા કોઈ પણ વ્યક્તિ કરતાં પોતાના વ્યવસાય પ્રત્યે સૌથી વધુ ડેડીકેટેડ હોવો જોઈએ. તેણે આ પૃથ્વી પરની સૌથી કુણી કૂંપળો સાથે કામ કરવાનું હોય છે અને એટલે જ એક શિક્ષક સદા જીવંત હોવો જોઈએ. શિક્ષકે સ્કૂલના કે કોલેજના કેમ્પસમાં જ વિદ્યાર્થીને ઘડતા રહી, જિંદગીના કેમ્પસમાં ખેલદિલીથી લડતા શિખવવાનું છે.

સાચો શિક્ષક શ્રીકૃષ્ણ જેવો હોય છે, જે પોતાના વિદ્યાર્થીને હતાશા કે નિરાશામાથી બહાર લાવી, કુરુક્ષેત્રના મેદાનમાં લડતા શીખવે છે. જે પોતાના વિદ્યાર્થીને ‘સ્વ-ધર્મ’ શીખવે છે. શ્રીકૃષ્ણ એ તો આપણને જીવનનો ઉત્સવ પણ ઉજવતા રહેવાનું શીખવેલું છે. તેઓનું જીવન અનેક દૂ:ખ દર્દ છતાં ઉત્સવોથી સભર હતું. આપણે પણ એવું જીવીએ. માણસને જીવતા અને જીવંત રહેતા શીખવે એ જ સાચું શિક્ષણ! વિદ્યાર્થીને હકારાત્મક બનાવવો કે નકારાત્મક? એ શિક્ષકના વલણ પર આધાર રાખતું હોય છે. તમે સૌએ માર્ક કર્યું હશે, કે હવે કરશો, આપણને એ જ વિષય ગમે છે, જેના શિક્ષક ગમતા હોય છે!

એમ જ જિંદગી નામે આ વિષયને ગમતો કરવા આજીવન વિદ્યાર્થી બન્યા રહીએ. વળી યાદ રહે શિક્ષણ વ્યક્તિઓને મુક્ત કરનાર હોવું જોઈએ. વિદ્યાર્થીમાં રહેલા અજ્ઞાનના અંધકારને જ્ઞાનના પ્રકાશ થકી દૂર કરવાનું કામ શિક્ષકે હસતાં હસતાં કરવું જ રહ્યું. શિક્ષકનું હાસ્ય આખા વર્ગને અસર કરે છે, એ એક શિક્ષક તરીકે કાયમ યાદ રાખવું.

શિક્ષણ ક્યારેય કંટાળાજનક ના હોવું જોઈએ અને શિક્ષક ક્યારેય ખડૂસ ના હોવો જોઈએ. જ્ઞાન, સ્નેહ, શાલીનતા શિક્ષકના વ્યક્તિત્વના અગત્યના પાસા હોવા જોઈએ. પણ એક આદર્શ શિક્ષક મેળવવા આપણે આદર્શ વિદ્યાર્થી પણ બનવું રહ્યું!

આમ તો જિંદગી સૌથી મોટી શિક્ષક છે, જે સતત પરીક્ષા લઈ શીખવતી રહે છે.

Happy વસંતપંચમી

માં-સરસ્વતી આપ સૌ પર કૃપા કરે!

વસંતને નહીં કરી શકો ગૂગલ પર સર્ચ!

એને શોધવા સમય કરવો પડે ખર્ચ,

જો તમારે સમજવી હોય ફૂલોની ઋજુતા

તો એની કૂંપળો સાથે કરવી પડે મિત્રતા

અને એના માટે તમારે મિત્ર બનવું રહ્યું વસંતના!

 શિક્ષક એ એવા બાગનો માળી છે, જ્યા કદી પાનખર નથી આવતી! શાળાના બાગમાં શાસ્વત વસંત પાંગરતી રહે છે. બાળકોનો ખિલખિલાટ એ વાતને સાબિતી આપતો રહે છે. વિદ્યાર્થીઓના જીવનમાં ખુશીઓની વસંત લાવવાનું કામ ઈશ્વરે શિક્ષકને સોંપ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments