Homeતાપણુંહે ચાબુક ભાજપમાં મોટાપાયે રિસામણાં શરુ થયા છે

હે ચાબુક ભાજપમાં મોટાપાયે રિસામણાં શરુ થયા છે

ગોવાબાપાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે હો ચાબુક. ભાજપે તો આજે મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને મૂરતિયા ગોતી લીધા છે હવે કોંગ્રેસવાળા પર સૌની નજર છે. 

ભાજપે આજે રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને સુરત મહાનગર પાલિકા માટે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તને તો ખબર ને ચાબુક ઉમેદવારો જાહેર થાય એટલે પક્ષમાં નાની મોટી નારાજગીની વાતો બહાર આવે જ. પરંતુ આ વખતે ભાજપમાં તો મોટાપાયે ધિંગાણું થઈ ગયું બોલ.

એવું વળી શું થયું ગોવાબાપા ?

થયું એવું ચાબુક કે ભાજપે સૌપ્રથમ રાજકોટ મહાનગર પાલિકા માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી. ઉમેદવારી જાહેર થયા બાદ ટિકિટ ન મળતાં અમુક નેતાઓ નારાજ થયા. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ત્યારે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં વોર્ડ નં. 14ના દાવેદાર અને નારાજ નેતા અનિષ જોશીએ કમલેશ મિરાણીને ગાંળો આપી. બીજા એક દાવેદાર નરેન્દ્ર રાઠોડે પણ ટિકિટ ન મળતાં બળાપો ઠાલવતાં કહ્યું કે, ‘હું ભંડેરી-ભારદ્વાર અને મીરાણીને મળ્યો હતો. તેમણે મને ટિકિટ આપવાની હા પાડી હતી. છતાં ટિકિટ મળી નથી. હું સી.આર.પાટીલને અરજ કરું છું કે રાજકોટમાં સિનિયોરિટી પ્રમાણે ટિકિટ આપો નહીંતર શહેર ભાજપ પડી ભાંગશે.’

નારાજગી વ્યક્ત કરતાં અનિષ જોશીએ પક્ષમાંથી રાજીનામું આપી દેવાની પણ ચીમકી ઉચ્ચારી. જો કે તેઓને રાજીનામું આપવાની જરૂર ન પડી. ખરાબ વર્તન બદલ અનિષ જોશી અને નરેન્દ્ર રાઠોડને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સસ્પેન્ડ કરી દીધા.   

હવે જાહેર થયેલા ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરવા જવાના છે.

વધુ એક ચૂંટણી

ચાબુક આ જ્યારે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે મને કોંગ્રેસના વિચારો આવે હો.

કેમ ગોવાબાપા ?

કેમ કે ચાબુક રાજ્યસભાની ચૂંટણી આવે ને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભાગે. રાજ્યસભાની ચૂંટણી આવે ને રિસોર્ટ પોલિટિક્સ ચાલુ થાય. ખરીદ વેચાણ સંઘ પણ સક્રિય થાય. હવે જોઈએ આ વખતે શું થાય છે. જો કે આ વખતે રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને અહેમદભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠક પર 1લી માર્ચે ચૂંટણી થવાની છે. બન્ને બેઠકની ચૂંટણી અલગ-અલગ યોજાશે પરંતુ એક જ દિવસે મતદાન થશે.

કૃષિ કાયદા વિશે અમેરિકાએ શું કહ્યું

ચાબુક દેશમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સાત સમંદર પારથી સમર્થન પણ મળી રહ્યું છે તો કોઈ જગ્યાએથી વિરોધ પણ થઈ રહ્યો છે. હવે આ અંગે બોલ્યા છે જગત જમાદાર. એટલે કે અમેરિકાએ પણ કૃષિ કાયદાને સમર્થન કર્યું છે. બાઈડેન શાસને કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે મોદી સરકારના આ પગલાંનું સમર્થન કર્યું છે. અમેરિકાએ કહ્યું કે કૃષિ કાયદાથી વિશ્વમાં ભારતીય બજારનો પ્રભાવ વધશે અને ખાનગી ક્ષેત્રે રોકાણનું આકર્ષણ વધશે. જો કે તેમણે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને પણ યોગ્ય ગણાવ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments