ગોવાબાપાઃ ચાબુક આજે તો કોંગ્રેસવાળાવે પોતાના જ પક્ષની બાજી બગાડી ભાજપને મોજમાં લાવી દીધું હો. કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો માથે પડ્યા. આજે મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠા એવું થયું. છેલ્લી ઘડી સુધી કોને ટિકિટ આપી એની મથામણમાં દોડાદોડી થઈ ગઈ.
સુરતમાં મોટાપાયે કોંગ્રેસના કાંગરા ખરશે એવું દેખાઈ રહ્યું છે. પાસ નેતા ધાર્મિક માલવિયા વાજતે ગાજતે બળદગાડામાં સવાર થઈને ફોર્મ ભરવા તો નિકળ્યા હતા પરંતુ સંઘ કાશીએ પહોંચ્યો નહીં હો ચાબુક.
થયું એવું કે કોંગ્રેસે વોર્ડ નંબર-3માંથી ધાર્મિક માલવિયાને ટિકિટ આપી હતી. જેથી આજે તેઓ શણગારેલા અને તાજામાજા અલમસ્ત બળદના ગાડા સાથે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા પરંતુ ફોર્મ ભરાય તે પહેલાં જ ધાર્મિક માલવિયાને ખબર પડી કે કોંગ્રેસે વચન આપ્યા પ્રમાણે વોર્ડ નંબર-17માંથી તેમના સાથી વિલાસબેન ધોરાજીયાને ટિકિટ નથી આપી અને ધાર્મિકે પણ કોંગ્રેસથી મોં ફેરવી લીધું. અને છેલ્લી ઘડીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરવાની ના પાડી દીધી.
ધાર્મિક માલવિયાએ તો કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું છે કે, કોંગ્રેસે મારી ને હાર્દિક પટેલની પીઠમાં ખંજર માર્યું છે, દગો કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદારોમાં પણ રોષ જોવા મળ્યો છે. અને હવે પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસને હરાવવા સુધીના વાત કરી દીધી છે.
ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી
ચાબુક આ અમદાવાદ કોંગ્રેસમાં તો જોવા જેવી થઈ. બન્યું એવું કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી દોડધામ મચી ગયેલી એવામાં અમદાવાદના જોધપુર વોર્ડમાં એક દાવેદારને ટિકિટ ન મળતાં તે 3 ઉમેદવારોના ફોર્મ લઈને જ ગાયબ થઈ ગયો. પેલી કહેવત છે ને ‘ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી’ એવું થયું ચાબુક. જેના કારણે જોધપુર વોર્ડમાં કોંગ્રેસને 3 સીટ અત્યારથી જ ભૂલી જવાનો વારો આવ્યો છે. ઉમેદવારો જ નથી તેથી 3 બેઠક પર તો કોંગ્રેસને અત્યારથી જ હાથ ધોઈ નાખવાના.
ભાજપ ધારાસભ્યનો પુત્ર અપક્ષ ચૂંટણી લડશે
વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. મધુભાઈએ પુત્ર માટે ભાજપ પાસેથી ટિકિટ માગી હતી પરંતુ વાત આગળ વધી નહીં અંતે મધુભાઈના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. મધુભાઈએ તો ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘50 ટકા ટિકિટ સગાવાદ અને જાતિવાદમાં આપવામાં આવી છે.’
ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ
ચાબુક ચૂંટણીઓમાં ભલે સામ-સામે લડતાં હોય પરંતુ ભાજપ અને કોંગ્રેસ એક વાતમાં તો સરખાં જ છે હો.
કઈ વાતમાં સરખા ગોવાબાપા ?
નિયમોની ઐસી-તૈસી કરવામાં ચાબુક. ગઈકાલે ભાજપે મોજ કરી આજે કોંગ્રેસે મોજ કરી. થયાને ભાઈ-ભાઈ. વાત રાજકોટની છે. ફોર્મ ભરવા નીકળેલા કોંગ્રેસના ઉમેદવારોએ ઉભી બજાર બાનમાં લીધી ચાબુક. કોરોના ગાઈડલાઈન્સને નજરઅંદાજ કરીને કાર રેલી યોજી અને ફોર્મ ભર્યા. પોતાની ખુશીમાં કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો રોડ પર ટ્રાફિકજામ કર્યો, જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ અંતે આ એમ્બ્યુલન્સને વન-વેમાંથી જવું પડ્યું. હવે આમાં કોને સારા કેવા જાવું બોલ ચાબુક. ભાજપ હોય કે કોંગ્રેસ નિયમો પાળવામાં બન્ને સરખા.
ગુજરાતમાં દિલ્હી મોડેલ
ભાજપ-કોંગ્રેસની તો આપણે વાત કરી ચાબુક થોડી આમ આદમી પાર્ટીની પણ વાત કરી લઈએ હાલ્ય. આ વખતે ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા આમ આદમી પાર્ટી મેદાને છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવ્યા છે. તેમણે આજે અમદાવાદમાં રોડ-શો કર્યો અને આવતીકાલે રાજકોટમાં આવવાના છે. મનીષ સિસોદિયાએ દિલ્હીની માફક ગુજરાતનું ચિત્ર બદલવાની વાત કરી છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર