ગોવાબાપાઃ ચાબુક આજે તો ગુજરાતમાં ભગવો લહેરાયો હો બાકી. 2015માં જે ગામડાઓએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો એ ગામડાઓ પાછા કેસરીયા રંગમાં રંગાય ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ગુજરાતમાં શાસક પક્ષ તો ભાજપ છે પણ વિપક્ષ કોણ ?
મહાનગરપાલિકામાં સુરત સિવાય ક્યાંય વિપક્ષમાં બેસી શકે એટલો એકેય પાર્ટીને જનમત મળ્યો નથી. ત્યારે હવે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ લગભગ જગ્યાએ આવા જ હાલ થયા છે.
ચાબુક ચિંતા એ છે કે સત્તા સામે અવાજ ઉઠાવશે કોણ ? કેમ કેમ લોકશાહીને મજબૂત બનાવવી હોય તો વિપક્ષ પણ હોવો જ જોઈએ.
કોંગ્રેસના ભૂંડા હાલ થ્યા
જે કોંગ્રેસ 2015ની ચૂંટણીમાં 22 જિલ્લા પંચાયત જીતી હતી તે કોંગ્રેસ આ ચૂંટણીમાં એક પણ જિલ્લા પંચાયત કબજે કરી શકી નથી. પાંચ વર્ષમાં કોંગ્રેસ ઉપરથી નીચે અને ભાજપ નીચેથી ઉપર ચાલી ગઈ બોલ ચાબુક.
આ ચૂંટણીમાં તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. 27 જિલ્લા પંચાયત એવી છે ચાબુક જ્યાં કોંગ્રેસ ડબલ ડિજિટમાં બેઠકો પણ નથી લાવી શકી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં નકામા નિવડ્યા. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ ખુદ હારી ગ્યા છે. તો અમુક જગ્યાએ ધારાસભ્યના સંતાનોને હારનો સામનો કરવો પડ્યો.
હાર બાદ રાજીનામા
મહાનગરપાલિકામાં કોંગ્રેસ હારી એટલે શહેર પ્રમુખોએ રાજીનામા આપવા લાઈન લગાવી હતી. હવે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કારમી હાર થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ રાજીનામું ધરી દીધું છે. ચાબુક મને તો લાગે છે કે હારીએ એટલે હાથ ખંખેરતા હોય એમ રાજીનામું આપવાનો કોંગ્રેસમાં ચીલો પડી ગયો લાગે છે.
આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો હાર્યા બાદ પણ પરેશભાઈ અને અમિતભાઈએ રાજીનામા આપ્યા હતા પરંતુ હાઈકમાન્ડે સ્વીકાર્યા ન હતા. જોકે આ વખતે હાઈકમાન્ડે પણ બન્નેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે અને માર્ચ મહિનાના અંત સુધીમાં નવા નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવશે તેવું કહેવાઈ રહ્યું છે. જોઈએ ચાબુક નવા નિશાળીયા કોંગ્રેસને શું આપે છે ?
ગુજરાતની જનતાને વડાપ્રધાને કર્યા નમન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બદલ આખી ભાજપ ગદગદ છે. વડાપ્રધાને પણ પોતાના વતન એવા ગુજરાતવાસીઓનો આભાર માન્યો. ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું અને લખ્યું કે, ‘ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.’
ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
વડાપ્રધાને વધુ એક ટ્વિટમાં લખ્યું કે, ‘શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.’
શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
ચૂંટણી તો આવે ને જાય સંપીને રહો બાપલીયાવ
ચાબુક આ ચૂંટણીઓમાં નાની-મોટી બબાલો તો સામાન્ય વાત છે. પરંતુ આજે પરિણામના દિવસે મામલો એટલો વધી ગયો કે એ વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો બોલ. વાત છે ભાવનગરના ઘોઘાની. ઘોઘાના સણોદર ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ. જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. તો આ તરફ લીંબડીમાં પણ ભાજપ અને કોંગ્રેસના જૂથ વચ્ચે મારામારી અને તોડફોડ થઈ હતી.
મારે તો એટલું જ કહેવું છે ચાબુક કે આ ચૂંટણીઓ તો દર પાંચ વર્ષે આવે ને જાય પણ સંબંધ લાખ રૂપિયાનો રાખવો હો. સંપીને રહો, હળી-મળીને રહો. સંબંધ જ જીવનની સાચી મૂડી છે. સારું ચાબુક આ ચૂંટણી પતી ને હાશકારો થ્યો. હવે પ્રાર્થના કરીએ કે કોરોનાના કેસ વધે નહીં, સારું હાલ્ય ચાબુક આજ આટલું ઘણું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત