Homeગામનાં ચોરેકોરોના વેક્સિનનો ડોઝ લીધો અને સ્વાસ્થ્ય મંત્રી સંક્રમિત થઈ ગયા

કોરોના વેક્સિનનો ડોઝ લીધો અને સ્વાસ્થ્ય મંત્રી સંક્રમિત થઈ ગયા

હે ચાબુક હવે યુદ્ધના ધોરણે સરકાર કામ કરી રહી છે બેટા. વેક્સિનને મોકલવા માટે કાર્ગો પ્લેન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કાર્ગો પ્લેન કોલ્ડ સ્ટોરેજથી સજ્જ છે. હવે કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કરી રહી છે. હૈદરાબાદ અને દિલ્હીના એરપોર્ટ પરથી વેક્સિનનું વિતરણ કાર્ય થાય આ માટે તમામ પ્લાન સેટ કરી દેવામાં આવ્યો છે. હું તો વેક્સિનની એટલી રાહ જોઉં છું ચાબુક કે આવે એ ભેગી મારી જમલીનેય આપી દઉં.

‘આ જમલી કોણ?’

‘મારી ભેંસ.’

‘ખબર નહીં તમારે તો કેટલી ભેંસ  છે?’

સાતવના પ્રહાર

હવે તને તો ખબર છે ચાબુક કે કોંગ્રેસ ગુજરાતની પેટા ચૂંટણીમાં આઠમાંથી એક પણ સીટ જીતી નથી શકી. વિરોધ કરવા જેવું કોંગ્રેસ પાસે ગુજરાતમાં કંઈ નથી. એવામાં રાજીવ સાતવે વિરોધનો નવો મુદ્દો છંછેડ્યો છે. એમણે સરકારની દુખતી રગ પકડી લીધી છે.

‘એ વળી શું છે?’

ભાજપ દ્વારા બિહારની ચૂંટણી વખતે ઢંઢેરામાં કરવામાં આવેલો વાયદો યાદ અપાવ્યો છે અને કહ્યું છે કે, ભાજપે બિહારની ચૂંટણી જીતે તો ફ્રી વેક્સિન આપવાનો વાયદો કર્યો હતો. તો પછી બધાને વેક્સિન મફતમાં આપો. નાગરિકોને મફતમાં કોરોનાની વેક્સિન મળે એ સરકારની જવાબદારી છે. 2014ની સાલથી સરકાર વાયદા કરે છે પણ પછી ભૂલી જાય છે.

એ પછી રાજીવ સાતવ ખેડૂત આંદોલન વિશે બોલ્યા. એમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોનો અવાજ સાંભળે તેવી વિનંતી. ખેડૂતોના મુદ્દાને તો સૌ પ્રથમ કોંગ્રેસે જ ઉઠાવ્યો હતો. વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરીને બીલ પાસ કરાવવામાં આવ્યું છે. હવે બીલના વિરોધમાં કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં છે.

અનિલ વીજ સંક્રમિત

કોરોનામાં કામગીરી કરનારા ઘણા લોકોને કોરોના થયો અને ઘણાના જીવ પણ ગયા. આ વખતે હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જોકે એ તો વેક્સિન લીધી અને આવી ગયા !! કોરોના સંક્રમિત થયા બાદ તેમને અંબાલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમણે તો 20 નવેમ્બરના રોજ કોરોના વેક્સિનનો ડોઝ પણ લીધો હતો. ડોઝ લીધા બાદ તેઓ સંક્રમિત થઈ ગયા. એવી વાતો ચાલી રહી છે.

‘કઈ કંપનીની વેક્સિન લીધી હતી બાપા?’

હૈદરાબાદની વેક્સિનનો ડોઝ લીધો હતો ચાબુક. આ કંપનીએ એવો દાવો કર્યો હતો કે 90 ટકા વેક્સિન કારગર નિવડશે. પણ હવે મંત્રીજી જ સંક્રમિત થઈ જતા લોકો ડરી ગયા. એ પછી હૈદરાબાદની કંપનીએ મેદાને આવવું પડ્યું અને ખુલાસો આપ્યો.

‘હમ્મ્મ અટકળ નહીં ખુલાસો…’

‘હા મોજ હા.’

સફાઈ દેતા ભારત બાયોટેકે કહ્યું કે, કોવેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ બે ડોઝ પર આધારિત છે. જે 28 દિવસમાં આપવામાં આવે છે. આ વેક્સિનનો પ્રભાવ બીજા ડોઝના 14 દિવસ પછી જોવા મળે છે. આ વેક્સિનની અસર પણ વ્યક્તિને ત્યારે જ થશે જ્યારે તેણે તેના બે ડોઝ લીધા હશે. ત્રીજા ફેઝનું ટ્રાયલ ડબલ થાય છે. જેમાં 50 ટકા લોકોને વેક્સિન મળે છે. અને 50 ટકાને પ્લાસીબો દેવામાં આવે છે. એટલે કે દર્દીને કોઈ દવા નહીં પણ દવાના ભ્રમમાં કોઈ સામાન્ય પદાર્થ આપવામાં આવે છે.

ખેડૂત આંદોલન બ્રિટનની સંસદમાં

ભારતમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને તેના પડઘા બ્રિટનની સંસદમાં પડી રહ્યા છે. અહીં પાર્ટીના 36 સાંસદોએ વિદેશ સચિવ ડોમિનિક રાવને પત્ર લખ્યો છે. પત્રમાં તેમની પાસેથી માગ કરવામાં આવી છે કે તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાર્તાલાપ કરે અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવે. આ 36 સાંસદોની આગેવાની લેબર પાર્ટીના તનમનજીતસિંહ ઘેસી કરી રહ્યા છે.

સરકાર પાડી દેવાની વાતુ

રાજસ્થાનમાં ચાબુક મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું હતું ત્યાં હવે અશોક ગેહલોતે નવી વાત કહી અને રાજસ્થાનના રાજકારણમાં ખલબલી મચાવી દીધી. એમણે આરોપ લગાવતા કહ્યું છે કે, સરકારને પાડી દેવાની રમત શરૂ થવાની છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા એમણે કહ્યું છે કે, રાજસ્થાનમાં સરકાર પાડવાની રમત ફરીથી શરૂ થવાની છે. મહારાષ્ટ્રમાં પણ સરકાર પાડવાની ચર્ચાઓ છે.

ગેહલોતે ભાજપ સરકારનું નામ લઈને કહ્યું કે, ભાજપ તરફથી સરકાર પાડવાના પ્રયત્નનું પ્રમાણ આ પહેલા કોંગ્રેસના નેતા અજય માકન કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રભારી અજય માકન પણ આ કાર્યક્રમમાં જોડાયેલા હતા. આ ઘટનામાં માકન 34 દિવસ હોટલમાં અમારા ધારાસભ્યોની સાથે રહ્યા હતા.

અશોક ગેહલોતે અમિત શાહ પર આક્ષેપ કરતા કહ્યું કે, અમારા ધારાસભ્યોને બેસાડીને ચા-નમકીન ખવડાવતા હતા અને બતાવી રહ્યા હતા કે પાંચ સરકાર પાડી દીધી છે. છઠ્ઠી પણ પાડી દેવાની છે.

‘ગોવાબાપા તમારી પાડી નહીં પડતી હોય ને એનાથી વધારે ભાજપ કોંગ્રેસની સરકાર પાડી નાખે છે.’

‘હા મોજ હા.’

‘હા મોજ હા.’

(રોજ સાંજે વાંચો ગોવાબાપાની કલમે લખાયેલા સમાચારો એય હળવાફુલ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments