ગોવાબાપા : આખરે સુપ્રીમ કોર્ટે જે રાજ્યોમાં કેસ વધતા હતા તેની ઝાટકણી કાઢી નાખી ચાબુક. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જે ઝાટકણી કાઢવામાં આવી છે તેમાં વિકાસ કરતું ગુજરાત પણ છે. સુપ્રીમ કોર્ટે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, મહારાષ્ટ્ર અને દિલ્હી પછી જો કોઈની ખરાબ સ્થિતિ હોય તો એ ગુજરાતની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે ચાબુક કે, કોરોનાના કેસ ગુજરાતમાં વધી રહ્યા છે. લગ્ન સમારંભ સહિતના કાર્યક્રમોને છૂટ આપવામાં આવી રહી છે. તમારી પોલિસી શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે?
‘એ રાજ્યોએ કંઈ કીધું ?’
હવે વાત કહેવાની નથી ચાબુક હવે કરી બતાવવાની છે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી આખા ભારતમાં ગુજરાતનું નામ આવ્યું. એ ગુજરાત જેના વિકાસની વાતો થતી. એ ગુજરાત જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે વારંવાર ચૂંટાતા આવ્યા. એ ગુજરાત જ્યાં ગાંધીનો જન્મ થયો આપણા સરદારનો જન્મ થયો. એ ગુજરાત જ્યાં દારૂબંધી છે. એ ગુજરાત જેનું ટુરિઝમ કેવડિયાના કારણે અગ્રક્રમે રહેવાનું છે. એ ગુજરાત જ્યાંના કેટલાક સીટીઓની સ્વચ્છતાની વાત ઉદાહરણ રૂપે રજૂ થાય છે અને એ ગુજરાત જેના નેતાઓ કોરોના હોવા છતાં પોતે સ્નેહ મિલન કરતા હતા અને જનતા ઘરમાં પૂરાઈ ગઈ હતી.
હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામ જેવા રાજ્યોએ સોગંદનામું લખીને જણાવવાનું રહેશે કે કોરોનાને અટકાવવા માટે એમણે શું ઉપાયો અજમાવ્યા.
કઠણાઈના કડુહલા
હે ચાબુક ઈયાન જોન્સ નામના એક ભાઈ આપણા ભારતના મહેમાન બન્યા. અતિથિ દેવો ભવ: આપણે એમને સાચવ્યા, પણ એ ભારત આવ્યા એ ચાર લોકોને ન ગમ્યું.
‘કોણ કોણ ગોવાબાપા ?’
એક મલેરિયાનું મચ્છર, પછી તેના દૂરના સગામાં કાકા-મોટા-બાપાનું થાય એ ડેન્ગ્યુનું મચ્છર અને પછી આ બંનેના મોટા બાપા એટલે કે કોરોના.
‘તો ચોથું કોણ ગોવાબાપા ?’
ચોથો કોબ્રા સાંપ. વાત છે એવી કે ઈયાન નામના ભાઈ ભારતમાં ચેરીટી વર્ક કરવા આવેલા. કેટલાક લોકો કહેતા હોય છે કે, મને તો વિદેશમાં ખૂબ કડવા અનુભવ થયા. એ કડવા અનુભવો કેટલાક કડવા હોય એ ઈયાનભાઈ ખૂબ સારી રીતે સમજાવી શકે છે. એમને સૌ પ્રથમ મલેરિયા થયો. એમાંથી ઉગરી ગયા, તો બીજા ઘાણવામાં એમને ડેન્ગ્યુ થયો. એમાંથી પણ ઉગરી ગયા, તો પાછળ પાછળ ચલતી કા નામ ગાડીની જેમ કોરોના થયો. એનેય ભૂંસી નાખ્યો. કોરોનામાં તો એવી વાત હતી કે એના સાથી મિત્રને કોરોના થયો હતો. જેથી તે પણ સંભાળ રાખવા ખાતર હોસ્પિટલમાં દાખલ થયા. જોકે એમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. એ લોકોથી દૂર રહ્યા. આને સાચી સમજ કહેવાય ચાબુક. બધા વાહ વાહ કરતા હતા ત્યાં કોબ્રા કરડી ગયો.

‘એ બાપા.’
ચાબુક આને ખરાં અર્થમાં કહેવાય ઝેર તો પીધા છે જાણી જાણી. સારું એણે આપણા મનુભાઈ પંચોળીને વાંચ્યા નહોતા બાકી એ ફેસબુકમાં પોસ્ટ શેર પણ કરી નાખેત.
‘ગોવાબાપા આને કહેવાય યમરાજને ચાર વખત પરાજય આપ્યો.’
હા ચાબુક વાત તો તે સાચી કરી. હવે આ ભાઈ જોધપુરથી અટાણે દિલ્હીમાં છે. આવતીકાલે એ લંડન ચાલ્યા જશે.
‘ગોવાબાપા આ માણસની ઈમ્યુનિટી… તમારા શબ્દોમાં કઉં એમ જબરી હઈશે હો બાપા.’
હા ઈમ્યુનિટી હા…
એક મોટા સમાચાર
કતરીના કૈફને તું ઓળખે ચાબુક?
‘કેટરીના ગોવાબાપા.’
જોયું તને બીજું કંઈ નથી આવડતું, પણ કેટરીના તો આવડે જ છે. મેં તો ખાલી મજાક કરવા માટે પૂછેલું. હવે આ બેને કોરોના ટેસ્ટ કરાવ્યો છે. કેટરીનાબેનનો આ કોરોના ટેસ્ટનો વીડિયો સમગ્ર ફેસબુક સમાજમાં વાઈરલ થયો છે. કોરોના ટેસ્ટિંગમાં પણ તેમના નાકમાં સળી નાખી, તો તેઓ હસતા હતા. મતલબ કે ચાબુક તેઓ અહીં પણ અભિનય નથી કરી શકતા. બાકી થોડું રડવું જોઈએ, આઉંચ એવુંક બોલવું જોઈએ.
‘પણ તમે આ વાત લઈને કેમ બેઠા?’
અરે કેટલીક વેબસાઈટોએ આ ન્યૂઝ ચડાવી છે. હવે આ તો સામાન્ય ઘટના છે. કોરોના ટેસ્ટિંગ થતું હોય ત્યારે શું એનો વીડિયો બનાવવાનો? અને વીડિયો બને તો ભલે બને પણ તેના પર સમાચારેય બનાવવાના ? તો પછી ભારતમાં કેટલાય લોકો ટેસ્ટ કરાવે છે, એનો એક એક વીડિયો લઈ ચડાવી દ્યો એટલે હાઈલું આપણું ગાડું.
‘આ સમાચાર વાંચ્યા પછી તમને શું થયું ગોવાબાપા?’
આ સમાચાર વાંચ્યા પછી ચાબુક મારા ગાત્રો શિથીલ થઈ ગયા. શરીરમાંથી લખલખુ પસાર થઈ ગયું. ચોટલી હતી નહીં તો પણ ખીતો થઈ ગઈ. મારા લોહીનો સંચાર વધી ગયો. બીળી બાકસની મદદ વિના એકાએક પ્રજ્વલિત થઈ ગઈ. સમસ્ત બ્રહ્માંડ આ વાત જાણી ને પુલકિત થઈ ગયું.
સમાચાર વાંચ્યા પછી આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ. આટલા મહત્વના સમાચાર? ક્યાંક તલાટીમાં ન પૂછાય જાય એ બીકે જગમાલના છોકરાએ તેને ચોપડામાં લખી નાખ્યા હતા. આ સવાલ તો યુપીએસસીમાં પણ પૂછાઈ શકે છે આવી પણ એ વાતો કરતો હતો. ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના સામાયિકોએ પણ તેને છાપવાની તૈયારી બતાવી હતી. અમારા પાડોશી દિગેન્દ્રનો છોકરો સમાચારની અંદર મૂકવામાં આવેલો આ વીડિયો જોઈ રડતો બંધ થઈ ગયો હતો. એની માતાએ તો એમ પણ કહેલું કે, આ સમાચારથી મોટો ફાયદો થયો છે. કેટરીના બુને રોજ ટેસ્ટીંગ કરાવવું જોઈએ.
છેલ્લી વખત
ચાબુક તને અંડટટેકરની તો ખબર છે ને?
‘હા ગોવાબાપા.’
એણે છેલ્લી વખત રિંગમાં એન્ટ્રી કરી અને જનતાનું અભિવાદન જીલ્યું. અમારા ગામમાં પણ કેટલાક છોકરાઓ સાંજના અંડરટેકરને જોતા અને પછી એકબીજા ઉપર ટ્રાય મારતા. એક વખત મને પણ લાગમાં લીધો હતો. હું ઉપડું થોડો. એટલે બે જણાએ મારા ટાંગા પકડ્યા અને એકે મારી બોચી ઝાલી. ઊંચો કરી ને મને નાખ્યો.
‘તો તમને કંઈ થયું નહીં.’
મરીગ્યાવે ગારામાં નાખ્યો. પછી હું અને મારી ભેંસ એક હાઈરે નહાયા.
"My time has come to let The @undertaker Rest In Peace."#ThankYouTaker #FarewellTaker #SurvivorSeries pic.twitter.com/vIZShTdwmi
— WWE (@WWE) November 23, 2020
આ અંડરટેકરે જનતાને ત્રીસ વર્ષ સુધી મનોરંજન પૂર્ણ પાડ્યું. હું પણ કોઈક વખત જોઈ લેતો હતો. આ સાથે જ એક મહાન યુગનો અંત આવી ગયો. દરેક આરંભનો એક અંત હોય જ છે. વારા પછી વારો તારા પછી મારો વારો આ રીતે જ આ દુનિયા ચાલે છે. એ વાતેય સાચી કે રેકોર્ડ એ તૂટવા માટે જ બનતા હોય છે. દંતકથાઓ ટકી શકે બાકી તમારા કારનામાઓ તો બીજા દ્વારા ધ્વંસ થવા જ નિર્માણ પામ્યા છે. માણસ કોઈ પણ ક્ષેત્રમાં ગમે તેટલો લોકપ્રિય કેમ ન હોય ચાબુક, એક સમયે તેણે આ બધું સામેથી છોડી દેવું જોઈએ. તો જ તેની લોકપ્રિયતા અકબંધ રહે છે. અંડરટેકરે પણ કહ્યું કે, ‘મારો સમય આવી ગયો છે.’ અને આજનો મારો સમય પણ ચાબુક.
(ગોવાબાપા દ્વારા લખાયેલા દેશ વિદેશના મહત્વના સમાચારો વાંચો હળવાફુલ અંદાજમાં)
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ