નોર્થ-ઇસ્ટના દિગ્ગજ નેતા તરુણ ગોગોઈનું ગઈકાલે નિધન થયું. ત્રણ વખત આસામના મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના મોટા ગજાના નેતા તરુણ ગોગોઈ કોરોનાગ્રસ્ત થયા હતા. ગુવાહાટી મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહ્યા હતા. તરુણ ગોગોઈના અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. વેન્ટિલેટરના સહારે રહેલા તરુણ ગોગોઈનું અંતે 23 નવેમ્બરના રોજ નિધન થયું.
તરુણ ગોગોઈ આસામના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 6 વખત તેઓ સાંસદ પણ બની ચૂક્યા છે. પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં તેઓ કેન્દ્રમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પણ રહી ચૂક્યા છે. આમ તરુણ ગોગોઈ કોંગ્રેસના કદાવર નેતાઓમાંથી એક હતા. તરુણ ગોગોઈના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને તરુણ ગોગોઈને શ્રદ્ધાંજલિ પાઠવતા તેઓને સાચા કોંગ્રેસી ગણાવ્યા. રાહુલે કહ્યું કે, ‘તેઓએ પોતાનું જીવન આસામના તમામ લોકો અને સમાજને એક સાથે લાવવા માટે સમર્પિત કરી દીધું. મારા માટે તેઓ એક બુદ્ધિમાન અને મહાન શિક્ષક હતા.’
Shri Tarun Gogoi was a true Congress leader. He devoted his life to bringing all the people and communities of Assam together.
— Rahul Gandhi (@RahulGandhi) November 23, 2020
For me, he was a great and wise teacher. I loved and respected him deeply.
I will miss him. My love and condolences to Gaurav & the family. pic.twitter.com/jTMfSyAJ6J
તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તરુણ ગોગોઈ સાથેનો ફોટો ટ્વિટ કરીને લખ્યું કે, ‘તરુણ ગોગોઈજી એક લોકપ્રિય નેતા અને અનુભવી વહીવટકર્તા હતા. તેમને આસામની સાથે સાથે કેન્દ્રનો પણ રાજનીતિક અનુભવ હતો.તેઓના નિધનથી હું દુઃખી છું.’
Shri Tarun Gogoi Ji was a popular leader and a veteran administrator, who had years of political experience in Assam as well as the Centre. Anguished by his passing away. My thoughts are with his family and supporters in this hour of sadness. Om Shanti. pic.twitter.com/H6F6RGYyT4
— Narendra Modi (@narendramodi) November 23, 2020
તરુણ ગોગોઈનો જન્મ આસામના જોરહાટ જિલ્લામાં થયો હતો.ગુવાહાટી યુનિવર્સિટીમાંથી તેઓએ એલએલબીની ડિગ્રી મેળવેલી છે. ગોગોઈ પ્રથમ વખત 1968માં જોરહાટ મ્યુનિસિપલ બોર્ડના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. પછી તેઓએ પાછું વળીને ન જોયું. વર્ષ 1971માં તેઓ જોરહાટ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા અને 1985 સુધી સાંસદ રહ્યા. ત્યારબાદ 1991થી 1996 અને 1998-2002 સુધી તેઓ કલિયાબોર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. હાલમાં આ બેઠક પર તેમના પુત્ર ગૌરવ ગોગોઈ સાંસદ છે.
સાંસદ ઉપરાંત તેઓ પાંચ વખત ધારાસભ્ય પણ બન્યા. સૌથી પહેલા તેઓ માર્ગેરિટા બેઠક પરથી 1996થી 1998 સુધી ધારાસભ્ય રહ્યા. ત્યારબાદ તેઓ 2001થી તિતાબર બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા. 2001માં આસામમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી તો ગોગોઈને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. અને ત્યારથી રેકોર્ડ સતત ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા. 2016ની ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા ભાજપ પાસે ચાલી ગઈ.
ગત વર્ષે આસામમાં કોલ સિન્ડિકેટ કૌભાંડ ખૂબ ગાજ્યું હતું. આસામની ભાજપ સરકારના મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલ પર કૌભાંડના છાંટા ઉડ્યા હતા. આસામ કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ આરોપ લગાવ્યો હતો કે, તિનસુકિયા જિલ્લામાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલના નેજા હેઠળ કોલ સિન્ડિકેટ ચાલી રહી છે. આ કૌભાંડમાં તિનસુકિયાના ડેપ્યુટી કલેક્ટર, પોલીસ વડા, વન વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેટલાક મીડિયાના લોકો પણ સામેલ છે.
વિપક્ષને ભાજપ સામે મોરચો ખોલવા મુદ્દો મળી ગયો હતો. પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરવા માટે સામે આવ્યા. તરૂણ ગોગોઈએ દિલ્હીના અસમ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું નક્કી કર્યું. પરંતુ દિલ્હીમાં અસમ સરકારના નિવાસી કમિશનર કે.સી.સામરીયાએ રાજ્યપાલના પરિપત્રનો હવાલો આપીને તરૂણ ગોગોઈને પ્રેસ કોન્ફરન્સ કરતાં રોક્યા.
તરુણ ગોગોઈ પણ પાછી પાની કરવા નહોતા માગતા. તેમણે કમિશનર પાસે રાજ્યપાલે પ્રસિદ્ધ કરેલો પરિપત્ર માગ્યો. પરંતુ કમિશનરે પરિપત્ર આપવાની ના પાડી દીધી. સત્તા સામે શાણપણ ન ચાલ્યું. કોઈપણ ભોગે તરુણ ગોગોઈને અસમ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ ન કરવા દીધી.
પરંતુ તરુણ ગોગોઈએ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે મનમાં ગાંઠવાળી લીધી હતી. અસમ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ ન કરવા દીધી તો તેઓ રસ્તા પર તડકામાં ઉભા ઉભા પ્રેસ કોન્ફરન્સને સંબોધવા લાગ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત