ગોવાબાપા : ‘એ ગોવાબાપા નવા વર્ષે વેક્સિન મુબારક…’
એ ચાબુક વેક્સિન મુબારક… વેક્સિન મુબારક. હાશ લે. 2020 આખુ વેક્સિન ક્યારે આવશે, ક્યારે આવશે એની રાહમાં વિતી ગયું અને 2021ના પહેલાં જ દિવસે વેક્સિન આવી ગઈ. ચાલ હવે આપણા વાચકોને ખબર તો આપી દઈએ કે આ વેક્સિન છે શું ?
હવે છે એવું ચાબુક કે ઓક્સફર્ડ તરફથી જે વેક્સિન તૈયાર કરવામાં આવી છે એ વેક્સિનને એક્સપર્ટ પેનલની ડ્રગ્સ કંન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે DCGIની પાસેથી અંતિમ મંજૂરી મળવાની છે. ઈમરજન્સી એટલે કે ખૂબ જ જરૂર હોય તેવી સ્થિતિમાં ડોઝ આપવાની મંજૂરી મળી ગઈ છે. ઓક્સફર્ડ વેક્સિનને બ્રિટન અને આર્જેન્ટીના બાદ ભારત એવો ત્રીજો દેશ છે જે મંજૂરી આપવા જઈ રહ્યો છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ વેક્સિનને એસ્ટ્રેજેનિકાની સાથે મળીને તૈયાર કરી રહ્યું છે. આ વેક્સિન ઓક્સફર્ડ તરફથી બનાવવામાં આવી છે. જ્યારે ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને કોવેક્સિન તૈયાર કરી છે. જેનું પ્રેઝન્ટેશન બુધવારે પેનલની સામે રાખવામાં આવ્યું હતું. બીજી બાજુ ચાબુક ફાઈઝરે પોતાના ડેટાને પેનલની સામે રાખવા માટે સમય માગ્યો છે.
એટલું જ નહીં ચાબુક સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે, માર્ચ મહિના સુધીમાં તેના ડોઝ 10 કરોડ સુધી લઈ જવાની યોજના છે.
સરકાર પણ ઈચ્છે છે કે જાન્યુઆરી મહિનાથી વેક્સિનનું કામ શરૂ કરી દેવામાં આવે. શુક્રવારે એવા સમયે બેઠક થઈ છે જ્યારે 2 જાન્યુઆરીના રોજ તમામ રાજ્યોમાં વેક્સિનેશનનું ડ્રાઈ રન શરૂ કરવામાં આવશે. આ વિશે દેશના સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન સાહેબે તો એમ કીધું ચાબુક કે, તૈયારીઓ ચૂંટણીઓ જેવી છે. જ્યાં બુથ સ્તરથી કામ કરવામાં આવે છે.
માવઠુ આવે છે…
હવે મેં તો પહેલા જ કીધું હતું ચાબુક કે નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદથી થાશે એટલે તું રેઈનકોટ કાઢી લે.
‘પણ હવે શાંત ર્યોને તમે ક્યાં ઉત્તર ગુજરાતમાં ર્યો છો તે રેઈનકોટ કાઢવો પડે. ન્યાં તમારી જમીનેય નથી. ભગરીય નથી.’
‘ભગરી કોણ?’
‘તમારી ભેંસ’
‘એલા હા કાં?’
ભલે ચાબુક હું નથી રહેતો ઉત્તર ગુજરાતમાં પણ માવઠા આડા ફાટ્યાનાય દાખલા છે. મારા જીવનની જ જેમ. જોકે વાત હોય માવઠાની આગાહીની તો એ સમાચાર તો ગઈકાલે જ આપી દીધેલા, પણ એમાં શહેરના નામ લખતા રહી ગયા હતા કે ક્યાં ક્યાં છાંટા પડી શકે છે. દાહોદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર સહિત સાબરકાંઠા સુધી ચાબુક માવઠાની આગાહી કરવામાં આવી છે.
‘વરસાદનું આવે એટલે તમે ધોતી ચડાવી જ લ્યો ? કંઈક વૈજ્ઞાનિક કારણ તો આપો.’
રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાનો છે અને આમેય કાલ શનિવાર છે અને પછીના દિવસે રવિવાર છે. આ ચાબુકના માલિક રજા આપે તો ઉત્તર ગુજરાત જઈ હુંય માવઠુ જોતો આવું.
હાલોપ રમકડાં બનાવો
પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કઈ કઈ નવી કામગીરી સોંપવી જોઈએ તેની લિસ્ટ બનાવતી એક ભરતી પણ સરકારે કરી લેવાની જરૂર છે. આ જોને ચાબુક હવે રાજ્યની સરકારી શાળાના શિક્ષકો રમકડાં બનાવશે. ટીચિંગ, લર્નિંગ મટીરીયલ્સના રમકડા બનાવવાના છે. રમકડા બની જાય પછી એનું ઓનલાઈન વર્ચ્યૂઅલ પ્રદર્શન કરવાનું છે. હવે શિક્ષકોએ 31મી જાન્યુઆરી સુધી ઓનલાઈન રમકડાં કરી જ નાખવાના, કારણ કે જિલ્લા શિક્ષણ વિભાગે સૂચના આપી છે કે આનો વર્ચ્યૂઅલ મેળો પણ થાશે.
‘હે ?’
હા મોજ હા..
‘શું મોજ ?’
વાહ મોદીજી વાહ
કોરોનામાં પ્રધાનમંત્રી મોદીજી ટીવીમાં દર બે દિવસે દેખાતા હતા. આજે પણ એ સિલસિલો યથાવત્ જ છે. દરે બે દિવસે દેશના કોઈ એક ખૂણામાં રિમોટ દબાવીને ઉદ્ગાટન કરવાનું હોય જ છે. હવે મોદીજી માટે ખુશખબરી આવી છે ચાબુક.
‘બોલો બોલો.’
કોરોનાકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 75 ટકા લોકોએ પીએમ મોદીની કાર્યશૈલીનું સમર્થન કર્યું. તો બીજી બાજુ 20 ટકા એવા લોકો પણ હતા જેમણે મોદીની કામગીરીને નકારી કાઢી હતી. આ કારણે તેમનો સ્વીકૃતિ રેટ કુલ 55 ટકા રહ્યો છે ચાબુક. આમાં જોવા જેવું એ છે કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનો સ્વીકૃતિ રેટ જ નેગેટિવ છે.
(રોજ સાંજે મળીએ ગોવાબાપાની સાથે)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત