Homeવિશેષભીમબેટકા : 1957 સુધી જ્યાં કોઈ નહોતું જતું ત્યાં આ વ્યક્તિ ગયો...

ભીમબેટકા : 1957 સુધી જ્યાં કોઈ નહોતું જતું ત્યાં આ વ્યક્તિ ગયો અને 2003માં વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થઈ ગઈ

1957માં એક વ્યક્તિ મધ્યપ્રદેશના જંગલમાંથી પસાર થતી ટ્રેનમાં સવાર થઈને જઈ રહ્યો હતો. જ્યારે આ વ્યક્તિ જંગલના રસ્તેથી જઈ રહ્યો હતો ત્યારે તેણે ટ્રેનમાંથી ઊંચા ઊંચા વૃક્ષોની પાછળ એક મોટો પહાડ જોયો. આ પહાડ જોઈને તેને ત્યાં જવા અને પહાડ વિશે જાણવાની ઉત્સુકતા થઈ. એટલે તેઓ ગંતવ્ય સ્થાનની જગ્યાએ અધવચ્ચે જ ઉતરી ગયા. ઘટાદાર વૃક્ષોવાળા જંગલને પાર કરીને પહાડ પાસે પહોંચ્યો. વધુ નજીક જઈને જોયું તો તે ચોંકી ગયો. કેમ કે એ દૂરથી દેખાતો પહાડ એક ગુફા હતી. વિશાળ પથ્થરોમાંથી બનેલી. એટલું જ નહીં અહીં તેને પથ્થરો પર કેટલાક ચિત્રો પણ જોવા મળ્યા. જે લગભગ 10 હજાર વર્ષ જૂના હતા. આમ, ટ્રેનમાંથી ઉતરેલા આ વ્યક્તિએ એક એવી શોધ કરી દીધી જેને 2003માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે. આ સ્થળ એટલે ભીમબેટકા અને ટ્રેનમાં પોતાના ગંતવ્ય સ્થાને જવાના બદલે અધવચ્ચે જ ઉતરી ગયા તે હતા ડૉ. વિષ્ણુ શ્રીધર વાકણકર. જે એક આર્કિયોલોજિસ્ટ હતા. આટલા સુંદર પહાડો જોઈને તેઓ રહી ન શક્યા અને જંગલ ભેદીને આ સાઈટ સુધી પહોંચ્યા. 

ભીમબેટકા કેમ ખાસ છે ?

ભીમબેટકા મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું એક પૌરાણિક સ્થળ છે. લાખો વર્ષ પહેલાં આદિમાનવે બનાવેલા શૈલચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. શૈલચિત્રો એટલે કે, અહીં મોટી-મોટી શીલાઓ પર આદિમાનવે તેમની રહેણીકરણી વિશે ચિત્રો બનાવ્યા છે. આદિમાનવો તો લાખો વર્ષ પહેલાં અહીં વસવાટ કરતા હતા હોવાનું માનવામાં આવે છે પરંતુ તેમણે આ ચિત્રો અંદાજિત 10 હજાર વર્ષ પહેલાં બનાવ્યા હોય તેવો અંદાજ છે. ભીમબેટકા મોહે-જો-દડો અને હડપ્પાથી અંદાજીત સાત હજાર વર્ષ જૂનું છે.

આ ગુફાઓને જોવા અને સંશોધન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. અહીં આવનારા દરેક લોકો કંઈક શીખી અને કંઈક નવું જાણીને જ જાય છે. અહીંની ગુફાઓમાં બનાવેલા ચિત્રો હજારો વર્ષ પહેલાના જીવનને દર્શાવે છે. અહીં બનાવાયેલા ચિત્રોમાં મુખ્ય નૃત્ય, સંગીત, રેખાંકિત માનવ આકૃતિ,  શિકાર, પશુ-પક્ષી અને પ્રાચીન માનવ જીવનની દૈનિક ક્રિયાઓ દર્શાવાઈ છે.

કેટલાક ચિત્રો યોદ્ધાઓના હોય તેવુ લાગી રહ્યું છે. આ ચિત્રોમાં ઘોડા અને તેમના પર બેસેલા વ્યક્તિની આકૃતિ જોવા મળી રહી છે. જે લોકો ઘોડા પર છે તેમના હાથમાં હથિયારો પણ જોવા મળી રહ્યા છે. આ ચિત્રોમાં જ વૃક્ષો અને અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. વરલી પેઈન્ટિંગને મળતી આવતી આ પેઈન્ટિંગ ઈતિહાસને તાજો કરે છે. કેટલાક પથ્થરો પર ધાર્મિક સંકેતો પણ જોવા મળી રહ્યા છે.

આર્કિયોલોજિસ્ટ શું માને છે ?

આર્કિયોલોજિસ્ટનું માનવું છે કે, આદિમાનવોએ અહીં એક લાખ વર્ષ પહેલાં આસરો લીધો હશે. જોકે, આ પેઈન્ટિંગ અંદાજે દસ વર્ષ જૂની હોવાનો અંદાજ છે. આ સમયે આદિમાનવ માત્ર શિકાર પર જ નિર્ભર હતો. એટલે જ અહીંની પેઈન્ટિંગમાં  શિકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, જ્યારે આદિમાનવે પશુઓને પોતાની સાથે રાખવાનું અને ખેતી કરવાનું શરૂ કર્યું હશે ત્યારે  તેમણે પોતાની આસપાસની ઘટનાઓને પથ્થરો પર કંડારી દીધી હશે.

ગુફાઓ શું સૂચવે છે ?

પેઈન્ટિંગ ઉપરાંત અહીંની ગુફાઓ પરથી પણ આદિમાનવના જીવન વિશે સમજી શકાય છે. જંગલો વચ્ચે ખુબ ઊંચા સ્થળે ભીમબેટકા આવેલું છે. અહીં આદિમાનવ રાત વિતાવતો હશે. ગુફાઓ એટલા ઊંચા સ્થાને છે કે ત્યાંથી દૂર દૂર સુધી નજર પણ રાખી શકાય એટલે કે આ સ્થળ સુરક્ષિત પણ છે. આ માટે જ કદાચ આદિમાનવોએ રહેવા માટે આ સ્થળ પસંદ કર્યું હશે.

ભીમની બેઠક એટલે ‘ભીમબેઠકા’!

એવું માનવામાં આવે છે કે, ભીમબેટકાનું નામ ભીમ પરથી પડ્યું છે. પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આ વિસ્તારમાં પણ આવ્યા હોવાની લોકવાયકા છે. ભીમ અહીં જ બેઠતા હોવાનું પણ માનવામાં આવે છે. ભીમની અહીં બેઠક હોવાથી આ જગ્યાનું નામ ‘ભીમબેઠકા’ પડ્યું. જેને આપણે ભીમબેટકા તરીકે ઓળખીએ છીએ. દુનિયામાં ભીમબેટકા ઉપરાંત આવી પેઈન્ટિંગ અન્ય બે સ્થળે પણ જોવા મળે છે. તેમાં પહેલું છે સ્પેનનું અલ્ટઅમીરા અને બીજુ ફ્રાન્સનું લેસ્કોમી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments