Homeગામનાં ચોરે‘હે ઓસ્ટ્રેલિયા અભિમાન તો રાજા રાવણનું ય નથી રહ્યું’

‘હે ઓસ્ટ્રેલિયા અભિમાન તો રાજા રાવણનું ય નથી રહ્યું’

ગોવાબાપા : હે ચાબુક બેટા વચ્ચે ન બોલતો. ઘોડાની જેમ હીહીહીહી કરી ડબકા ન મારતો. આઈજ તો મને દિલ ખોલીને બોલી લેવા દે. આઈજ તો ઓસ્ટ્રેલિયાના ગાભા કાઢી નાખ્યા. ભૂક્કા કાઢી નાખ્યા. બઘડાટી બોલાવી દીધી. ઢોલ વગાડી દીધા. એમના ઘમંડને ચૂર ચૂર કરી નાખ્યો. અભદ્ર ટીપ્પણીનો જવાબ ધોકા અને દડાથી આપ્યો.  ખાંડણીને દસ્તો લઈને એવા મંડી પડ્યા કે જૂના રેકોર્ડના ગાબામાં ગાભા કાઢી નાખ્યા. આને કહેવાય જીતનો હડિંગદસ્તો મારી દીધો. અમારે તો તાલાળા બાજુ એક ગાભા કરીને ગામેય છે. હું તો કઉં અમારી ઈ ગાભાની ટીમ ‘‘ઓસટેલિયા’’માં ઉતરી હોત ને તો એય ભડીંગ દેખાની પાડી દેત.

‘બસ હવે પણ સાવેય લડી લ્યોમાં.’

‘હા મોજ હા… ચાબુક..’

‘એ હા મોજ હા…’

ભારતની જીત એ કંઈ વિશ્વકપની જીતથી ઓછી નથી એવું આઈજે આપણા તંત્રીએ લખ્યું. આપણો તંત્રી આવું સારું લખી શકે એ તો મને આજે ખબર પડી. મને તો એમ કે એ આખો દિ ચાબુકની ઓફિસે બેહવાનું જ કામ કરે છે. લાગ જોઈને એણેય સિક્સર મારી દીધી હો ચાબુક. આ જીત મોટી એટલે છે કારણ કે ટીમ કોઈ એવી મોટી નહોતી. ઓસ્ટ્રેલિયાવાળા અતિ આત્મવિશ્વાસમાં ફણીધર નાગની જેમ ડોલ્યા રાખ્યા. ઉપરથી તેમના અતિ આત્મવિશ્વાસને તાન ચડાવવાનું કામ એના જ કેટલાક ક્રિકેટરોએ કર્યું. જેમાં રિકીભાઈ પોન્ટિંગનો પણ સમાવેશ થાય છે. રિકીભાઈ પોન્ટિંગ ભલે ગમે એવા સારા ક્રિકેટર હોય પણ ક્રિકેટમાં ખોટી ભવિષ્યવાણી કરવામાં એમને તો કોઈ ન પૂગે. એ જેટલું બોલ્યા એટલું ખોટું પડ્યું. એની સાથે ઈંગ્લેન્ડના માઈકલભાઈ વોથી લઈને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરો કહેતા હતા કે ભલા માણહ સિનીયરો વિનાની ટીમેય કોઈ દાડો જીતતી હઈશે. જીતે. લ્યો દેખાડી દીધું.

આપણે તો નવા ખેલાડીઓની સાથે મેદાનમાં ઉતર્યા હતા અને ભુક્કા બોલાવી દીધા. આ જીત વિશ્વકપ કરતા પણ ખૂબ મોટી છે એ તો સાચું જ હો. ટીમને લાખ લાખ અભિનંદન. હવે હું ક્રિકેટના જ સમાચાર ઉપર આવું જે આપણે લખવાના અને તમારે સંધાયને વાંચવાના બાકી રહી ગયા હોય.

ઓસ્ટ્રલિયાને એના જ ઘરમાં પીટ્યા પછી ટીમ પેને એનું પેઈન બતાવતા શું શું કીધું એના શબ્દે શબ્દ હું અહીં લખીને આપું છું.

‘‘હું ખૂબ જ નિરાશ છું. અમે બ્રિસબેન ટેસ્ટ મેચની સાથે સિરીઝ જીતવા આવ્યા હતા. ભારતીય ટીમ જીતની હકદાર હતી. ઘણી બધી વસ્તુઓ એવી છે જેના પર અમે બાદમાં વિચાર કરીશું, પણ જે થવાનું હતું એ તો થઈ ચૂક્યું. સાઉથ આફ્રિકા સામે સિરીઝ આવવાની છે અને હવે અમારે આગળ જોવાની જરૂર છે. આ સિરીઝમાં અમે ભારતીય ટીમ સામે હારી ગયા. અમે બીજી ઈનિંગમાં ત્રણસોથી વધારેનો સ્કોર કરી મેચ અને સિરીઝ જીતવા ઈચ્છતા હતા. જો વરસાદ ન થાત તો અમારી પાસે કદાચ 20 વધારે ઓવર હોત. પણ ભારતીય ટીમે ખૂબ સરસ રમત દાખવી. રિવ્યૂ એ રમતનો જ ભાગ છે. ઘણી વખત તે અમારા પક્ષમાં રહે છે ઘણી વખત નહીં. પણ જીતનો તમામ શ્રેય ભારતીય ટીમને જાય છે. અમારા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતીય બેટ્સમેનોને ચિંતિત કર્યા.’’

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિનભાઈ લેંગરે શું કીધું એ તો સાંભળ ચાબુક

‘‘ભારતીયોને ઓછા ન આંકો. એ 150 કરોડની વસતિ છે અને તેમાંથી અગિયાર રમી રહ્યા છે જેનો પણ મુકાબલો કરવો મુશ્કેલ છે.’’

હા મોજ હા આપણે ટોપ પર

વાત કંઈ અહીંથી જ પૂરી નથી થતી. આજે ઓસ્ટ્રેલિયાને પાણી પીવડાવ્યા પછી ચાલી રહેલી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગઈ છે. આ જીતથી ઈન્ડિયા પહેલા નંબરે, એના પછી ન્યુઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયાની ટીમ છે. ભારતના 71.67 પર્સેન્ટાઈજ પોંઈન્ટ છે. હવે ન્યુઝીલેન્ડ આગળ નો નીકળી જાય એટલા સાટુ ભારતે ઈંગ્લેન્ડની સામે જીત મેળવવાની છે અને 80 પોંઈન્ટ કરવાના છે. ઈંગ્લેન્ડથી યાદ આવી ગયું કે ઈંગ્લેન્ડ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે.

ઈંગ્લેન્ડ ભારત આવે છે

દેશમાં હોકી ભલે રાષ્ટ્રીય રમત હોય પણ રમાય સૌથી વધુ ક્રિકેટ છે. અને એટલે જ આજ તો મારુંય મન ક્રિકેટની વાતો કરવાથી ધરાતું નથી. ભારત હવે ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમવાનું છે. એ સાટુ ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં આવવાની છે. જેના માટે ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. આ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદમાં એક મહિનો ઉતારો કરશે. એટલે અમદાવાદની જનતા માટે મોજે દરિયા છે, કારણ કે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ અને તેમાં ભારત સામે ઈંગ્લેન્ડની ટીમ એટલે વાત જ જવા દે. પેલા હું તને પ્રથમ બે ટેસ્ટ માટે ભારતની ટીમમાં કોણ કોણ છે એ જણાવી દઉં.

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કે.એલ રાહુલ, આર .અશ્વિન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર…

એલા ગોવાબાપા આટલું જ કીધું છે તો એક વખત ટીમનું આખુ ટાઈમ ટેબલ તો આપી દો

લે આ ટ્વીટર…

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments