ગોવાબાપા : હે ચાબુક કેવી છે આ દુનિયા ? એના કરતા કઉં કેવી છે આ મીડિયા ? વિરાટ અને અનુષ્કાને ત્યાં પુત્રીનો જન્મ થયો. વિરાટ કોહલીએ પીળા કલરના પોસ્ટર સાથે અંગ્રેજી અને હિન્દી આમ બંને ભાષામાં સોશિયલ મીડિયા પર જાહેરાત કરી. એ સાથે જ તમામ મીડિયા પ્લેટફોર્મ જાગૃત થઈ ગયા.

ભારતે ઐતિહાસિક ટેસ્ટ મેચ ડ્રો કર્યો એ ઘટના તેમના માટે જૂની થઈ ગઈ. ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી તેમના માટે હડપ્પા અને મોહે-જો-દરોની સૃષ્ટી સમયની ઘટના થઈ ગઈ. જ્યાં જ્યાં નજર પડે વિરાટ અને અનુષ્કાની જ ફોટો સાથે અભિનંદનની તસવીર દેખાય. હવે એ ગમે ત્યાંથી છોકરીનો ફોટો લઈને જ રહેશે. બાકી એમને મજા નહીં આવે. ગળા નીચે અન્ન નહીં ઉતરે.

હવે મીડિયા સમાજમાં વિરાટ અને અનુષ્કાની પુત્રીની જ ખબર આવશે. તૈમૂર ઈઝ ઓલ્ડ. પણ આ લોકોને ખબર જ છે કે તૈમૂરનો પણ એક ભાઈ કે બહેન આવવાની છે. તો એની પાછળ પડી જશે. હવે તો ફિલ્મસ્ટાર અને ક્રિકેટરના પુત્રો કે પુત્રીઓને રાષ્ટ્રીય બાળક ઘોષિત કરવાની કોઈ યોજના લઈ આવીએ તો સારું.

મીડિયા માટે નવું કિંગ વિરાટ અને અનુષ્કાનું બેબી છે. અમારેય સમાજમાં તો રહેવું પડેને ? કેમ ચાબુક ? અમારા તરફથી પણ વિરાટ અને અનુષ્કાને ઘરે લક્ષ્મીજી પધાર્યા આ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાંભળ્યું છે કે પુત્રીનું નામ અન્વી રાખવાના છો?
No If No But
હવે ચાબુક વેક્સિન સરકારે ખરીદી લીધી છે. ભારતના તમામ રાજ્યમાં આવી ગઈ એમ જ સમજી લે તું. આજે પ્રધાનમંત્રીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં ત્રણ કરોડ લોકોને આપવામાં આવશે. હવે હું રિપીટ નહીં કરું ચાબુક કે એ ત્રણ કરોડ કોણ છે ?
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંનેએ એક સાથે મળીને કામ કરવાનું છે. ભારત કોરોના સામેના યુદ્ધમાં હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યું છે. આમ કહી પ્રધાનમંત્રીએ સરકારની કામગીરીના વખાણ કર્યા હતા. અને બીજી વખત એ વાત ઉચ્ચારી કે ભારતમાં બીજા દેશોની તુલનાએ કોરોના એટલી તબાહી નથી મચાવી શક્યો. એટલે જો અને પણ કર્યા વિના કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને કામ કરવાનું છે.
નીતિનભાઈને નોટિસ
‘કેમ ખેડૂત આંદોલનમાં ગુજરાતનું કંઈ કનેક્શન છે ? તે આપણા નીતિનભાઈને નોટિસ મોકલી છે.’
છે એવું કે ખેડૂતો વિરોધ દિલ્હી તરફ ભલે કરતા પણ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ પોતાના વક્તવ્યમાં ખેડૂતોને ખાલીસ્તાની કહ્યા એટલે એક ખેડૂતે તેમના પર નોટિસ ફટકારી દીધી છે. પંજાબના ખેડૂતે બદનક્ષીનો દાવો ઠોકી દીધો છે.
‘શું છે ખેડૂતનું નામ ?’
રમણિકસિંઘ રંધાવા. એણે વાયરમાં એક અહેવાલ પ્રસિદ્ધ થયો તેના આધાર પર ટાંકતા કહ્યું છે કે નીતિન પટેલે ખેડૂતોના આંદોલન માટે કંઈક એવું કહેલું કે, ‘‘ખેડૂતોના નામે રાષ્ટ્રવિરોધી તત્વો, આતંકવાદીઓ, ખાલિસ્તાનીઓ, સામ્યવાદીઓ ચીન તરફી નમેલા લોકો ઘૂસી ગયા છે. આપણે તેમને પિત્ઝા-પકોડા ખાતાં જોઈએ છીએ. આ બધું તેમને મફત મળે છે. દેશવિરોધી તત્વો તેમને લાખો રૂપિયા આપે છે.’’
એટલું જ નહીં ચાબુક પણ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ પણ નોટિસ મોકલી છે. મીડિયા સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, ‘તેઓ પીઢ નેતા છે. આવા શબ્દો તેમને શોભતા નથી.’
વેક્સિનનો ભાવ 200 રૂપિયા
SII એટલે કે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ સરકારને વેક્સિન વેચવાની તૈયારી કરી દીધી છે. એ પ્રમાણે 200 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. હવે દર અઠવાડિયે એક કરોડથી વધારે ડોઝની સપ્લાઈ કરવામાં આવશે. આખરે કોરોનાના જવાના દાડા આવી ગ્યા ચાબુક…
‘બોલ હા મોજ હા.’
‘એ હા ગોવાબાપાની મોજ હા.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત