Team Chabuk-Political Desk : મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, જીત ભાજપ સાથે અડીખમ છે. સાથે જ સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિનો વિજય છે. ભારતીય જનતા પાર્ટીમાં મહાનગરોના મતદારોએ મૂકેલા વિશ્વાસને ભાજપ એળે નહીં જવા દે. એટલું જ નહીં આ મહાનગરોના વિકાસમાં પણ કોઇ કચાશ રહેવા દેશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું કે, ૬ મહાનગરપાલિકાઓના મતદાતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતને ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત પૂરવાર કર્યુ છે અને ‘‘ગુજરાત મક્કમ ભાજપ સાથે અડીખમ’’ સૂત્રને પણ સાર્થક કરી બતાવ્યું છે.
ભાજપની જીતના કારણો
પેજ પ્રમુખની રણનીતિ ફળી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. ચૂંટણી આવવાની હતી તે પહેલાંથી જ ભાજપ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ હતી. ભાજપે ઠેર ઠેર પોતાના પેજપ્રમુખની નિમણૂક કરી જવાબદારી સોંપી હતી. ભાજપના આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને ભાજપના વિકાસ રથને આગળ ધપાવવામાં મદદ કરી હતી. પેજ પ્રમુખ અને પેજ સમિતિના કારણે જે કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હતા તેઓમાં પણ નવા પ્રાણ ફૂંકાયા અને વધુ જોમ અને જુસ્સા સાથે કામ કરવા લાગ્યા. જેનું પરિણામ ભાજપને છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળ્યું.
પાટીલ ફોર્મ્યુલાએ કમાલ કરી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે ઉમેદવારો માટે જે નિયમ બનાવ્યો હતો તે ફળ્યો. લોકોએ નવા અને યુવા ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કરી ખોબલે ખોબલે મત આપ્યા અને પોતાના નેતા તરીકે ચૂંટી લીધા. ચૂંટણી પહેલાં આ નિયમનો ઠેર ઠેર વિરોધ પણ થયો હતો અને પાટીલ ફોર્મ્યૂલા કામ નહીં આવે તેવી પણ વાતો વહેતી થઈ હતી. સી.આર.પાટીલે નક્કી કર્યું હતું કે, આ વખતે ત્રણ ટર્મથી ચૂંટાતા ઉમેદવારોને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારે ટિકિટની માગણી ન કરવી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર.પાટીલની મજબૂત રણનીતિ
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મજબૂત રણનીતિ કામ કરી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ એક પણ સભા ચૂક્યા નથી. ચાલુ સભામાં ઢળી પડ્યા બાદ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. હોસ્પિટલમાંથી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહ્યા હતા. તેવી રીતે સી.આર.પાટીલે પણ પાર્ટીમાં કોઈ કકળાટ થવા દીધો નથી. કેટલાક નેતાઓ નારાજ થયા હતા જેઓને પણ મનાવી લેવાયા હતા. તો જે લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું તેમની સામે લાલ આંખ કરી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આમ ભાજપ કાર્યકર્તાઓમાં સિસ્ત જળવાઈ જેનું પરિણામ આપણી સામે છે.
ભાજપનો અસરકારક પ્રચાર
ચૂંટણીના પ્રચાર પડઘમ શરૂ થતાંની સાથે જ કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાઈ ગયા હતા. ભાજપનું આઈટી સેલ પણ વધુ સક્રિય બન્યું હતું. સોશિયલ મીડિયા પર વિકાસના કાર્યોના ગુણગાનની વણઝાર અને વિપક્ષ પર પ્રહારો યથાવત હતા. ઓફલાઈન પ્રચારમાં પણ ભાજપે ક્યાંય કચાશ છોડી નથી. પ્રચાર અભિયાનમાં કેટલીય વાર નિયમોનો ભંગ પણ જોવા મળ્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં પણ ભાજપે વિકાસનો મુદ્દો રાખી લોકો પાસે મત માગ્યા હતા.
રાષ્ટ્રીય નેતાઓની હાજરી
સ્થાનિક નેતાઓની સાથે રાષ્ટ્રીય નેતાઓ પણ પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં સભાઓ ગજવી ચુક્યા છે. પ્રધાનમંત્રીએ અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું. બીજી તરફ સ્મૃતિ ઈરાની અને પુરૂષોત્તમ રૂપાલા જેવા પ્રખર વક્તાઓએ પણ મતદારોને પોતાની છટામાં આકર્ષ્યા હતા અને વિપક્ષની નિષ્ફળતાઓ ગણાવી ભાજપ સાથે અડીખમ રહેવા અપીલ કરી હતી જેને લોકોએ સ્વીકારી છે.
શહેરી ક્ષેત્રોમાં થયેલા વિકાસકાર્યોને પ્રજાનું સર્ટીફિકેટ
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિતના શહેરોમાં ચૂંટણી અગાઉથી જ વિકાસના કાર્યોનું લોકાર્પણ શરૂ થયું હતું. ખાસ અમદાવાદ અને રાજકોટના વિકાસ કાર્યોએ લોકોને આકર્ષ્યા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ, શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બનાવેલા ઓવરબ્રિજ તેમ જ મેટ્રોની કામગીરીથી લોકોને સંતોષ હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ રાજકોટમાં તબીબી સારવાર માટે એઈમ્સને મળેલી મંજૂરીને પણ લોકોએ ધ્યાને લીધી હોય તેવું મનાઈ રહ્યું છે.
કોંગ્રેસની હારના કારણો
છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા
મહાનગરપાલિકામાં મળેલી કારમી હારથી કોંગ્રેસ ફરી બેકફૂટ પર ધકેલાઈ ગઈ છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી પણ કરી શકી ન હતી. ઉમેદવારોના નામ જાહેર કરવામાં પણ કોંગ્રેસને ડર લાગતો હોય તેમ ખાનગીમાં મેન્ડેટ આપી દેવાયા હતા. તો ઉમેદવારોની પસંદગી બાદ પણ અનેક વિવાદો થયા હતા. સેન્સ પ્રક્રિયાથી લઈને ફોર્મ ભરવા સુધી અનેક એવી ઘટનાઓ બની જેના કારણે કોંગ્રેસ પરથી લોકોને વિશ્વાસ ઉઠતો ગયો.
કોંગ્રેસનો આંતરિક વિખવાદ
ટિકિટની ફાળવણી બાદથી જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો હતો. જેમની પર હાઈકમાન્ડે પસંદગીનો કળશ ઢોળ્યો હતો તેમનો સ્થાનિક નેતાઓએ જ વિરોધ કર્યો હતો. આમ એક જ પાર્ટીમાં સ્થાનિક સ્તરે બે ભાગ પડી ગયા હતા. અમદાવાદના ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તો ટિકિટ ફાળવણી મુદ્દે નારાજ થઈને રાજીનામું પણ ધરી દીધું હતું.
કોંગ્રેસ પાસે મજબૂત નેતાગીરીનો અભાવ
અનેક વર્ષોથી સત્તાનો સ્વાદ ન ચાખનાર કોંગ્રેસ પાસે એવા મજબૂત નેતાનો અભાવ છે. જે બે-ચાર મોટા નેતા છે તેઓને પક્ષમાં જ અંદરખાને વિરોધ થઈ રહ્યો છે. તો આ તરફ યુવા નેતા હાર્દિક પટેલ પર પણ પટેલ જ્ઞાતિના નેતાનું લેબલ લાગેલું હોવાથી અન્ય લોકો ઝડપથી ભરોસો મૂકે તેમ નથી.
કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં આક્રમકતાની ઉણપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રચાર પ્રસારમાં પણ ઉણી ઉતરી. ભાજપે સ્મૃતિ ઈરાની અને પુરૂષોત્તમ રૂપાલા જેવા કેન્દ્રીય મંત્રીને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે સામે કોંગ્રેસના કોઈ મોટા રાષ્ટ્રીય નેતા ચૂંટણીમાં ફરક્યા પણ નહીં. જેનું નુકસાન પણ કોંગ્રેસને વેઠવું પડ્યું. ઘણી જગ્યાએ તો કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીનો પ્રચાર જનતાને સારો લાગતો હતો.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની નિરસતા
ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા. તો આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના ધારાસભ્યો અને સાંસદ સભ્યો ગુજરાતમાં ચૂંટણી સભોઓ ગજવી ગયા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તો છેલ્લે છેલ્લે તમામ સમાચાર ચેનલોને ઇન્ટરવ્યૂ પણ આપ્યા. જ્યારે સામે કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ ફરક્યા પણ નહીં. આમ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરસતા કોંગ્રેસને નડી ગઈ.
આપ અને ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા
ભાજપે તમામ મહાનગરપાલિકા સાચવી રાખી. જ્યારે કોંગ્રેસ ગત ચૂંટણી કરતાંય ધોવાઈ ગઈ. કોંગ્રેસની હાર પાછળનું એક મોટું કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને પણ માનવામાં આવે છે. સુરત જેવા શહેરમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલવી શકી. તો ઘણા શહેરોમાં કોંગ્રેસના ઉમેદવાર જેટલા જ મત આમ આદમી પાર્ટીને મળ્યા. ભાજપે પોતાની વોટબેંક સાચવી રાખી જ્યારે કોંગ્રેસના મતનું વિભાજન આપ અને ઓવૈસીની પાર્ટીમાં થયું હોવાનું મનાય છે. કોંગ્રેસથી નારાજ જનતાએ આમ આદમી પાર્ટીને મત આપ્યા.
ઓછું મતદાન
મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ પક્ષોના ઉમેદવારોને ચિંતામાં મૂકી દીધા હતા. કેમ કે અડધો અડધ લોકોએ મતદાન જ ન કર્યું. જેના કારણે પહેલાં લાગ્યું કે લોકો સત્તા પક્ષથી નારાજ છે. પરંતુ પરિણામોમાં આ નારાજગી ન દેખાઈ. પરિણામ બાદ કહી શકાય કે ઓછું મતદાન ભાજપને ફળ્યું.
ચૂંટણી પહેલાં જ શરણાગતિ
કોંગ્રેસનો આંતરિક વિખવાદ કહો કે કોંગ્રેસનું નબળું મેનેજમેન્ટ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે ઘણી જગ્યાએ હથિયાર હેઠાં મૂકી દીધા હતા. સુરતમાં પાસ સમર્થિત ઉમેરવાદોને કોંગ્રેસે ટિકિટ આપી હતી પરંતુ અંદરો અંદર વિખવાદ થતાં કેટલાક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યા. જેથી આવી બેઠકો પર ભાજપ માટે જીતનું મેદાન મોકળું થઈ ગયું.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત