Homeતાપણુંજેમને આમ આદમી પાર્ટીએ બનાવ્યા એ આમ આદમી પાર્ટીને બનાવીને ચાલ્યા ગયા

જેમને આમ આદમી પાર્ટીએ બનાવ્યા એ આમ આદમી પાર્ટીને બનાવીને ચાલ્યા ગયા

Team Chabuk-Political Desk: ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જે રીતે ઉદય થયો તે રીતે લાગી રહ્યું હતું કે આવનારા સમયમાં પક્ષ દમદાર બનશે, ગુજરાતની જનતાને એક વિકલ્પ મળશે, અપક્ષ તરીકેની ખોટ પૂરાશે અને લોકોના કામ થશે. આ માટે સુરતમાં જ, જ્યાં સી.આર.પાટીલનો ગઢ છે ત્યાં જ, આમ આદમી પાર્ટીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જંગી સફળતા પ્રાપ્ત કરી હતી. ખૂદ સી.આર.પાટીલને મંચ પરથી એવું કહેવાની ફરજ પડી હતી કે સુરતમાં મજા ન આવી. આ વિજયથી આમ આદમી પાર્ટી અને તેના કાર્યકરોમાં જુસ્સાનો સંચાર થયો હતો. લોકો માટે પણ એક વિકલ્પ ઊભો થયો હતો. એવામાં આમ આદમી પાર્ટી સાથે પણ એ જ થયું જે કોંગ્રેસની સાથે થતું આવ્યું છે. આપના નેતાઓનું ભાજપમાં રંગેચંગે વિલિનીકરણ થઈ ગયું. અત્યાર સુધીની ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની મહેનત પર એક ઝાટકે ઝાડુ લાગી ગયું.

સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં 27 બેઠકો જે રીતે જીતી હતી એ રીતે કદાચ હાઈકમાન્ડ કેજરીવાલને પણ એવું લાગ્યું હશે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં પક્ષ જીતે નહીં તો કંઈ નહીં પરંતુ કોંગ્રેસને હટાવી બીજો મજબૂત પક્ષ બની જશે. જોકે ફેબ્રુઆરીનો મહિનો આમ આદમી પાર્ટી માટે વજ્રઘાત સમાન રહ્યો હતો. જેને આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો તેમણે જ પક્ષ સાથે દ્રોહ કરી ભાજપમાં ડૂબકી લગાવી લીધી હતી. સ્થિતિ એવી ઉદ્દભવી છે કે જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હતું ત્યાં પણ હવે ધબડકો થઈ ગયો છે. સુરતમાંથી ધીમે ધીમે આમ આદમી પાર્ટી સાફ થવા લાગી છે.

આવજો કરનારા પ્રથમ મહેશ સવાણી હતા. જેમણે જાન્યુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીને સાયોનારા કરી નાખ્યું હતું. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી એક બાદ એક એમ જેમને આમ આદમી પાર્ટીએ બનાવ્યા એ આમ આદમી પાર્ટીને બનાવીને ચાલ્યા ગયા. એ છ લોકોમાં વિપુલ મોવલિયા, મનીષાબેન કુકડિયા, ઋતા કાકડિયા ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા અને કુંદન કોઠિયાનો સમાવેશ થાય છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે જનતા પણ નાખુશ થવાની જ છે, કારણ કે આ આમ આદમી પાર્ટી સાથે તો થયેલ દ્રોહ ગણાય જ પરંતુ મતદારો સાથે પણ થયેલું કપટ ગણાય. જે મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા એ ભાજપમાં ચાલ્યા ગયા. આ કારણે સુરતમાં ભાજપનું સંખ્યાબળ જે 93 હતું તે 99 થઈ ગયું છે. આપના 27માંથી 21 કોર્પોરેટર રહ્યા છે.

અંતે તો આ તમામ નેતાઓએ પક્ષપલ્ટાનું એક જ કારણ ગણાવ્યું હતું કે આપમાં મજા નથી આવતી. ભાવનાબહેને કહેલું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ મારી સાથે અછૂત જેવું વર્તન કરતા હતા. જ્યોતિકાબહેન કહે કે ધર્મેશભાઈ ભંડેરી ટેકો નહોતા આપતા. સૌથી ચર્ચામાં ઋતા કાકડિયા રહ્યા હતા. જેમણે એક સમયે કહેલું કે ભાજપે મને ત્રણ કરોડની ઓફર આપેલી પણ હું ભાજપમાં જોડાઈશ નહીં. બાદમાં તેઓ જ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપમાં જોડાયા ત્યારે તેમણે પણ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યાં હતાં કે મારા અંગત જીવન પર આપના નેતાઓએ રાજનીતિ કરી મને ત્રાસ આપ્યો. વિપક્ષમાં ટકી રહેલા માટે 24 સભ્યો જરૂરી હોય છે પણ હવે આમ આદમી પાર્ટી પાસે 21 જ છે. કહેવાય છે કે આંતરિક વિખવાદના કારણે સંગઠન શક્તિ નબળી પડી છે.

જનતાનું કામ કરવા આવ્યા છીએ અને એક મોકો આપને પછી જો ગુજરાતને જેવી વાત કરતી આમ આદમી પાર્ટીના સભ્યો જ પોતાનું રાજકીય ભવિષ્ય શોધવા હવાતિયાં મારી રહ્યા છે. જેમાંથી કેટલાકને તો મળી પણ ગયું છે. એવી વાતો થઈ રહી છે કે જ્યારે મહેશ સવાણીએ પાર્ટીનો ત્યાગ કર્યો એ ભેગી આંતરિક ચર્ચા થવા લાગેલી કે હવે આપણું રાજકીય ભાવિ શું? સવાણીની એક્ઝિટ બાદ કોર્પોરેટરો પોતાના લાભાલાભ અંગે મહામંથન કરવા લાગ્યા હતા. નો ડાઉટ ગોપાલ ઈટાલિયાની મહેતન દેખાય. એ હજુ કરી જ રહ્યા છે. પરંતુ ચૂંટણી આવતા આવતા તેમની સાથે કેટલા ખભે ખભો મિલાવી ઊભા હશે એ પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થાય છે.  

વિધાનસભાની ચૂંટણીને હવે દસ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનું રાજકીય ભવિષ્ય કેવું હશે તે જોવાનું રહેશે. ગુજરાતમાં ત્રીજો મોર્ચો સફળ નથી જતો એવું રાજનીતિના નિષ્ણાતોએ પારાવાર વખત કહ્યું છે. ભૂતકાળમાં કેશુભાઈ પટેલે પણ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વાવાઝોડાની વચ્ચે 182 સીટ પર ઊભેલી અને જીતનો પ્રચાર દરમિયાન વારંવાર દાવો કરતી જીપીપીને માત્ર બે જ સીટ મળી હતી. એક વિસાવદરથી ખૂદ કેશુભાઈ પટેલની અને બીજી ધારીથી નલિનભાઈ કોટડિયાની. બાકીનાઓની ડિપોઝિટ ડૂલ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments