Team Chabuk-Political Desk: જયરાજસિંહે પોતાના રાજીનામાની પોસ્ટમાં એક વફાદાર કોંગ્રેસી નેતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. ગુજરાતની વિવિધ ચેનલોમાં જયરાજસિંહ પરમાર દ્વારા ભાજપ પર કરવામાં આવતો કટાક્ષ નીરસ ડિબેટને રસહીન બનાવી દેતો હતો. કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ ચેનલમાં જઈ ચર્ચા કરી કોંગ્રસનો પક્ષ રાખ્યો જ છે, પરંતુ તેમનામાં અને જયરાજસિંહ પરમારમાં હાથી ઘોડાનો ફર્ક રહ્યો છે. જયરાજસિંહની કાયમી એક ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખ રહી છે. નકરા તુક્કા નથી માર્યા પણ જમીની હકીકતો કહી છે.
એક કોંગ્રસ કાર્યકર્તા સિવાય જયરાજસિંહ સોશિયલ મીડિયામાં પણ ભરપૂર એક્ટિવ રહેતા હતા અને આજે પણ રહે છે. જોકે કેટલાક સમયથી તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા હતા. ગઈકાલે તેમની નારાજગી ટીવી ચેનલની સ્ક્રિનમાં અને ડિઝીટલ માધ્યમમાં આંખ આડે આવી હતી. જોકે સમાચાર તો રાજીનામું આપ્યા પછી જ બને, અફવાઓ અને વાતોના વડાથી ન બને, કારણ કે જયરાજસિંહની ઓળખ એક વિશ્વાસુ કાર્યકર્તા તરીકેની રહી છે. જે વ્યક્તિ 37 વર્ષથી એક જ પાર્ટીમાં હોય તે કેવી રીતે રાજીનામું આપી શકે? જોકે આજે નાટક પરથી પડદો હટી ગયો અને જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી વિદાય લીધી. આ સમયે જયરાજસિંહની સોશિયલ મીડિયા પોસ્ટનું વિશ્લેષણ કરવું જરૂરી બની જાય છે. કેમ કે તેમાં કોંગ્રેસની ત્રુટીઓ ઉજાગર થતી જોવા મળે છે. આખરે શા માટે કોંગ્રેસ 27 વર્ષથી શાસનથી વંચિત રહ્યો છે. તેના જવાબો તમને જયરાજસિંહની પોસ્ટ પરથી મળશે.
એક જગ્યાએ જયરાજસિંહ લખે છે કે, ‘જયરાજસિંહનો ઉપયોગ ઢાલ તરીકે કરવો કે તલવાર તરીકે એનો નિર્ણય મે પક્ષના સેનાપતિઓ પર છોડી એક વફાદાર સૈનિકનું કર્તવ્ય નિભાવ્યું.’ જયરાજસિંહ આટલા વર્ષોથી પાર્ટીમાં હતા પણ તેમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં નહોતી આવી. ગુજરાત કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો એક બાદ એક પક્ષપલ્ટો કરીને ચાલ્યા ગયા હતા. વિરોધ પક્ષ તરીકેના નેતાઓ પણ સુષુપ્ત અવસ્થામાં હતા. એવામાં કદાચ જયરાજસિંહની એવી આશા હોય શકે કે હવે જવાબદારી તેમના હાથમાં આવશે. જોકે આ નેતાનો તલવાર તરીકે પક્ષ ઉપયોગ નહોતી કરી શકી. ઢાલ તરીકે તો જ્યારે જ્યારે કોંગ્રેસના રાજીનામા પડ્યા છે ત્યારે ત્યારે પક્ષનો મીડિયા સામે જઈ બચાવ કર્યો જ છે. જેમ કે એક વખત તેમણે કહેલું કે, ‘અહીંથી લઈ ગયેલા કોંગ્રસેના નેતાઓ જ મંત્રીમંડળમાં બેસે છે, ભાજપના કાર્યકર્તાઓ તો છાશ વિતરણનું કાર્ય કરે છે.’
જયરાજસિંહ અહીં કોંગ્રેસના નેતાઓની નિષ્ક્રિયતા પર પણ વાત કરે છે. તેઓએ લખ્યું છે કે, ‘પણ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહીં પરંતુ લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે.’ મહત્વનું છે કે કોંગ્રેસના કેટલાક કદાવર નેતાઓ છેલ્લા કેટલાય સમયથી શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. પેપર ફૂટવાથી લઈને કેટલીય ઘટનાઓ બની ગઈ હતી, પરંતુ કોંગ્રેસના કેટલાય નેતાઓ મેદાન પર ઉતરવાની જગ્યાએ સોશિયલ મીડિયા પર શૂરબંકા બનીને રહ્યા હતા. આવી કેટલીય તકો ઉડતા ઘોડાની જેમ આવી હતી. જેનો કેટલેક અંશે ઉપયોગ આમ આદમી પાર્ટીએ કરી લીધો હતો. કોળિયો કોંગ્રેસ માટે હતો પણ હાથમાં આમ આદમી પાર્ટીના આવી ગયો હતો.
જયરાજસિંહે લખેલી સૌથી મોટી વાત એ છે કે, ‘પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ ‘વારા પછી વારો, તારા પછી મારો’ના સ્વાર્થીપણાનો ભાર હવે થકવી રહ્યો છે.’ અર્થાત્ કેટલાક એવા નેતાઓ પક્ષમાં છે જે પોતાની લીટી ક્યારે મોટી થાય અને મારા પછી તારી લીટી મોટી કરી નાખજેમાં રચ્યા પચ્યા રહે છે. જયરાજસિંહની પોસ્ટ પરથી નવા ચહેરાઓને તક ન મળતી હોય અને જૂના જોગીઓ જ વર્ષોથી ચાલતા આવતા હોય એ અંગેનું દુ:ખ પણ દેખાઈ રહ્યું છે. પોસ્ટમાં તેઓ લખે છે, ‘ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં આજેય પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાડવાની પરિપાટી જાળવી રાખી છે. ગુજરાતનો કોઈ પણ જિલ્લો કે શહેર જોઈ લો, તમને જાજમનો છેડો દબાવીને બેઠેલા એના એ જૂના પુરાણા ચહેરાઓ નજરે પડશે.’
કોંગ્રેસના લોકો પક્ષ શા માટે છોડી રહ્યા છે તેના વિશે જયરાજસિંહે લખ્યું છે કે, ‘નવું સ્વીકારવા, નવું વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌદ્ધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે જેના કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે.’
જયરાજસિંહે ખૂદને સત્તા લોલુપ ન હોય તે વાત પણ અહીં કહી હતી અને સાથે જણાવ્યું હતું કે તેઓ પોતે ગદ્દાર નથી. તેમણે કોઈ દિવસ ટિકિટ માગી નથી. ટિકિટ મળી નથી તોપણ તેઓ વફાદાર રહ્યા છે. પોતાના અંગત જીવનને જયરાજસિંહે પોસ્ટમાં ઉજાગર કર્યો છે. તેઓ લખે છે, ‘કોંગ્રેસનો પક્ષ રાખવાની આક્રમકતાના કારણે એક પ્રતિષ્ઠીત ચેનલની ડીબેટ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો, ઢળી પડ્યો, સદનસીબે બચ્યો. આ ઘટના બાદ પરિવાર, મિત્રો અને શુભચિંતકો દ્વારા રાજકીય વ્યસ્તતા ઘટાડવા દુરાગ્રહ પણ થયો, છતાં મારી પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં કમી નહોતી આવવા દીધી. દોસ્તો હ્રદયરોગના હુમલાથી વિચલીત નહીં થયેલો તમારો જયરાજસિંહ પક્ષના આંતરિક માળખાથી, સિસ્ટમથી હારી ગયો છે.’ જયરાજસિંહનું રાજકીય ભવિષ્ય શું એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ