Team Chabuk : એક વખત રાજા વિક્રમાદિત્ય દરબાર ભરીને બેઠા હતા અને દરબારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. વાતચીત વચ્ચે દરબારીઓમાં એ વાતને લઈ ચર્ચા છેડાઈ કે વ્યક્તિ જન્મથી મહાન હોય છે કે કર્મથી મહાન હોય છે. વાર્તાલાપનો અંત નહોતો થઈ રહ્યો. વાર્તાલાપ વિવાદમાં પરિણમ્યો. દરબારીઓ બે ભાગમાં વિભાજીત થઈ ગયા.
એક ભાગ કહેતો હતો કે, ‘જન્મથી મહાન હોય છે, કારણ કે મનુષ્યનો જન્મ તેના પૂર્વજન્મનું ફળ હોય છે. સારા સંસ્કાર મનુષ્યમાં વંશાનુગત હોય છે. જેમ કે રાજાનો દીકરો રાજા થાય છે. તેનો વ્યવહાર પણ રાજાની માફક જ હોય છે.’
બીજો ભાગ કહેતો હતો કે, ‘કર્મથી મહાન હોય છે. સારા કુળમાં જન્મેલા વ્યક્તિઓ પણ દુર્વ્યસની થઈ જાય છે અને મર્યાદાની વિરૂદ્ધ કર્મોમાં લીન થઈને પતનની દિશા તરફ ચાલ્યા જાય છે. પોતાના દુષ્કર્મો અને દુરાચારના કારણે કોઈ સામાજીક પ્રતિષ્ઠા પ્રાપ્ત નથી કરતા અને જગતની સર્વે જગ્યાએ તિરસ્કારને પાત્ર બને છે.’
તેના પર પહેલા જૂથે તર્ક આપતા કહ્યું કે, ‘મૂળ સંસ્કાર નષ્ટ નથી થઈ શકતા, જેવી રીતે કમળનું ફૂલ કાદવમાં રહેવા છતાં તેના ગુણો નથી ભૂલતું. ગુલાબ કાંટા પર પેદા થઈને પણ પોતાની સુગન્ધ નથી ગુમાવતું અને ચંદનના વૃક્ષ પર સાપનો વાસ હોવા છતાં પણ તેની સુગન્ધ અને શીતળતા રાખે જ છે. ક્યારેય ઝેરીલું નથી થતું.’
બંને પક્ષો પોત પોતાના તર્ક દ્વારા ખુદને સત્ય સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કોઈ પણ પોતાના વિચારને બદલવા માટે રાજી નહોતા. વિક્રમ તો ચૂપચાપ તેમની ચર્ચાની મજા લઈ રહ્યા હતા. જ્યારે ચર્ચામાં વધારે રાડારાડી થવા લાગી તો મહારાજાએ કહ્યું, ‘હું પ્રત્યક્ષ આ ઉદાહરણની તપાસ કરીશ. મનુષ્ય જન્મે મહાન કે કર્મે મહાન તેની શોધ કર્યા પછી અંતિમ જવાબ આપીશ.’
મહારાજાની આજ્ઞાનું પાલન થયું. એ દિવસનો વાર્તાલાપ સમાપ્ત થઈ ગયો.
મહારાજાએ બીજા દિવસે આદેશ આપ્યો, ‘જંગલમાંથી સિંહનું બચ્ચું પકડીને લાવવામાં આવે.’
રાજાની વાત માનતાં કેટલાક શિકારીઓ ગયા અને સિંહણે જન્મ આપેલા એક નવજાત શિશુને ઉઠાવી લાવ્યા. મહારાજાએ બીજો આદેશ આપ્યો અને એક ભરવાડને બોલાવી લાવવામાં આવ્યો.
મહારાજાએ ભરવાડને કહ્યું, ‘આ નવજાત સિંહનાં બચ્ચાંને બકરીઓ અને ઘેટાંઓની સાથે ઉછેરવામાં આવે.’
ભરવાડને તો આ વાતમાં શું માલ છે તેની ખબર જ નહોતી પડી રહી. જોકે આદેશ રાજાનો હતો એટલે એ આદેશનું પાલન કરતા તે તેને લઈ ગયો. હવે સિંહણનાં બચ્ચાનું લાલન પાલન બકરીઓનાં બચ્ચાંની સાથે થવા લાગ્યું. ભૂખ પૂરી કરવા માટે તે બકરીઓને ધાવવા લાગ્યો. જેમ બકરીનાં બચ્ચાં કરતાં હતાં તેમ સિંહનું બચ્ચું પણ કરતું હતું. બકરીઓનાં બચ્ચાં મોટા થયા તો ઘાસ ખાવા લાગ્યાં. સિંહણનાં બચ્ચાંએ પણ તેનું અનુકરણ કર્યું.
મહારાજાએ એક દિવસ ભરવાડને બોલાવીને પૂછ્યું, ‘સિંહણનું બચ્ચું શું કરે છે ?’
‘મહારાજા, એ છે તો સિંહણનું બચ્ચુ પણ વર્તન બકરીઓ જેવું કરે છે. તેની જેમ જ બકરીઓનું દૂધ પીતું હતું અને હવે તો ઘાસ ખાવા લાગ્યું છે. હું વીનંતી કરું છું મહારાજ કે સિંહણના બચ્ચાને ઘાસની જગ્યાએ માંસ આપો. ઘાસ ખાવું એ તેને સારું નથી લાગતું.’
વિક્રમે ના પાડી દીધી અને ફક્ત દૂધ અને ઘાસ પર જ તેનું પાલન પોષણ કરવાનું કહ્યું. ભરવાડ તો ચિંતામાં ગરકાવ થઈ ગયો કે મહારાજા એક માંસાહારીને શાકાહારી બનાવવાની ફિરાકમાં કેમ લાગેલા છે. એ ઘરે પરત ફર્યો.
સિંહણનું બચ્ચું હવે સિંહ થઈ ગયું હતું. મોટું થતાં તેના ખોરાકમાં પણ વધારો થયો હતો. એ દૂધ પીતો અને વધારે ભૂખ લાગે તો ઘાસ ખાવા લાગતો હતો. રાતના બીજી બકરીઓની માફક તેને ટોકીને ચલાવવામાં આવે તો તે નીચું માથું કરી ચાલવા લાગતો. જાણે સિંહ નહિ બકરી હોય.
એક દિવસ અન્ય બકરીઓની સાથે તે ચરી રહ્યો હતો તો પીંજરામાં બંધ એક સિંહ તેની સામે લાવવામાં આવ્યો. સિંહને જોતાની સાથે જ બધી બકરીઓ ઊભી પૂંછડીયે ભાગવા લાગી તો અન્ય બકરીઓની માફક અનુકરણ કરતા સિંહ પણ ભાગવા લાગ્યો.
રાજાએ ભરવાડને બીજો હુકમ કર્યો, ‘હવે સિંહને સ્વતંત્ર રાખવામાં આવે.’
સિંહ હવે બકરીઓથી નોખો થઈ ગયો. ભૂખ વધતા તેણે સસલાનો શિકાર કર્યો. થોડા દિવસ સ્વતંત્ર રહેવા પર જ તે શિકાર કરતા શીખી ગયો. નાના નાના પ્રાણીઓનો શિકાર કરી તે મોટું પેટ ભરતો હતો. જોકે ભરવાડ તેને હુકમ કરતો તો તે બકરીની માફક જ શાંતિથી પીંજરામાં બંધ થઈ જતો હતો. દિવસો વિતતા ગયા અને તેનો બકરીની માફક રહેલો સ્વભાવ જવા લાગ્યો.
એક વખત પુન: પીંજરામાં બંધ સિંહને તેની સામે લાવવામાં આવ્યો તો બધી બકરીઓ ભાગી ગઈ પણ પેલો સિંહ ભાગ્યો નહિ. સિંહની ગર્જના તેણે સાંભળી તો એણે પણ સામે ગર્જના કરી. રાજા આ ઘટના પોતાના દરબારીઓની સાથે ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા.
તેમણે દરબારીઓને કહ્યું, ‘માણસમાં તેની મૂળ પ્રકૃતિ સિંહનાં બચ્ચાની માફક જ જન્મજાત હોય છે. અવસર પામતા જ એ પ્રવૃતિઓ સ્વત: ઉજાગર થઈ જાય છે. જેવી રીતે આ સિંહનાં બચ્ચાની સાથે થયું. બકરીઓની સાથે રહેવાથી તેની સિંહવાળી પ્રકૃતિ છુપાઈ ગઈ. પણ સ્વતંત્ર રીતે વિચરણ કરતા તેના લક્ષણો પ્રગટ થવા લાગ્યા. તેને આ તમામ વસ્તુ તો કોઈએ શીખવી જ નહોતી. પણ મનુષ્યનું સન્માન તેના કર્મના અનુસરણના આધારે જ કરવું જોઈએ.’
તમામ લોકો સહમત થઈ ગયા પણ એક મંત્રી રાજાની વાતથી સહમત નહોતો થતો. તે જોરથી બોલ્યો, ‘વિક્રમ રાજકુળમાં પેદા થયો એટલે મહારાજ બન્યો નહિતર તે સાત જન્મેય સારા કર્મ કર્યા બાદ પણ રાજા નહોત.’
રાજા હસ્યા. સમય વીતવા લાગ્યો. એક દિવસ દરબારમાં એક હોડી ચાલક સુંદર ફૂલ લઈ હાજર થયો. ફુલ સાચે જ વિલક્ષણ હતું. લોકોએ પહેલી વખત આટલું સુંદર લાલ રંગનું ફૂલ જોયું હતું. રાજાએ ફૂલનું ઉદ્દગમન સ્થળ શોધવા માટે મંત્રીઓને કહ્યું.
કેટલાક મંત્રીઓ એ દિશામાં હોડી લઈ જઈ રહ્યાં હતાં જ્યાં ફૂલ હતું. નદીની ધારા અત્યંત સાંકળી થતી જઈ રહી હતી. પહાડો ઉપરથી વહી રહી હતી. ખૂબ જ દુર્ગંમ વિસ્તાર હતો. પસાર થતાં થતાં હોડી એ જગ્યાએ કિનારા પર પહોંચી જ્યાં એક અદભુત દૃશ્ય હતું.
એક મોટું વૃક્ષ હતું. તેના પર એક યોગી લટકેલો હતો. તેને સાંકળ દ્વારા બાંધેલો હતો. સાંકળ તેના શરીરમાં એટલી ઘસાઈ હતી કે શરીર પર ઘા પડી ગયા હતા. તે ઘામાંથી લોહી ટપકી રહ્યું હતું. લોહી ત્યાંથી નદીમાં પડતું હતું અને રક્તવર્ણ પુષ્પમાં બદલી જતું હતું.
તેનાથી થોડે દૂર કેટલાક સાધુઓ તપસ્યામાં લીન હતા. ફૂલો લઈ મહેલમાં મંત્રીઓ ફર્યા તો તેમણે રાજાને બધી વાત કહી. વિક્રમે તેમને કહ્યું, ‘ઉલટા લટકેલા યોગીને રાજા સમજો અને સાધનામાં રત સંન્યાસીઓને તેનો દરબારી સમજો. પૂર્વજન્મના તેના કર્મ તેને રાજા કે દરબારી બનાવે છે.’
હવે મંત્રીને રાજાની વાત સમજમાં આવી ગઈ. તેણે માની લીધું કે પૂર્વજન્મના કર્મના ફળ રૂપે જ કોઈ રાજા બને છે અને તેને રાજગાદી પ્રાપ્ત થાય છે.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત