Team Chabuk-Political Desk: ગુજરાત કોંગ્રેસને આજે એક મોટી ખોટ પડી છે. કોંગ્રેસના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી એવા ડો. અનિલ જોશિયારાનું નિધન થયું છે. બે મહિનાથી કોરોના સંક્રમિત પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાએ 69ની ઉંમરે વિદાય લીધી છે.
મહત્વનું છે કે, કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને કોરોના થયો હતો. એક મહિના પહેલા વધુ સારવાર અર્થે તેઓને ચેન્નઈ લઈ જવાયા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેઓને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો. જોશિયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે ડો. અનિલ જોશિયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી હતી.
ભિલોડાના ધારાસભ્ય શ્રી ડો.અનિલભાઈ જોષીયારાના અકાળે નિઃધનથી દુઃખની લાગણી અનુભવું છું.તેઓશ્રીનું એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 14, 2022
24 એપ્રિલ 1953ના રોજ જન્મેલા ડો.અનિલ જોશિયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા. તેમણે 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ડો. અનિલ જોશિયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992 સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે. તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે.
ડો.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડાના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
