Team Chabuk-Political Desk: ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની માંગને લઈને આજે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હોવા છતાં ખેડૂતોને આઠ કલાક વીજળી મળતી ન હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે અને પૂરતી વીજળી આપવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વિધાનસભા પરિસરમાં બેસીને દેખાવો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો અને ધારાસભ્યોએ વીજળી આપોના નારા લગાવ્યા હતા.
ધારાસભ્યોએ શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો
વીજળીના મુદ્દા ઉપર કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર બેસ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો ધારાસભ્યો પ્રવેશે છે એ જ જગ્યાએ બહાર સૂત્રોચ્ચારો શરૂ કર્યા હતા. ખેડૂતોને વીજળી આપવાની માગણી કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત કગથરા, પુંજાભાઈ વંશ સહિત એક ડઝન જેટલા ધારાસભ્યો ધરણા પર બેસ્યા હતા. પરિસરમાં વીજળી આપો, વીજળી આપોના સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ શર્ટ ઉતાર્યો હતો.
ભાજપે આ પ્રકારના વિરોધને અસભ્યતાપૂર્ણ ગણાવ્યો
વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા ધરણાં સામે વિધાનસભા ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ભાજપે ઉપસ્થિત કર્યો હતો. ભાજપના દંડક પંકજ દેસાઈ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ઠપકો આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ભાજપના દંડક ના પ્રસ્તાવ ઉપર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટેકો આપી વિમલ ચુડાસમા શર્ટ કાઢી નાખવાના મુદ્દાને પણ અસભ્યતાપૂર્ણ અને વિરોધ નોંધાવ્યો હતો. જીતુ વાઘાણી આ અંગે કહ્યુ હતું કે, શર્ટ કાઢીને આવવુ એ ચલાવી લેવાય નહિ. આવા સંસ્કારો ચલાવી ન લેવાય. આ કેવા પ્રકારની માનસિકતા છે?
વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને પુરતી વીજળી અપાતી નહીં હોવાના મુદ્દે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે, સરકારે પ્રશ્નના જવાબમાં છેલ્લા બે વર્ષમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં 3265 મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવ્યું છે પણ સામાજિક આર્થિક સમીક્ષામાં રાજ્યમાં બે વર્ષમાં માત્ર 240 મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવાયું છે. જેથી સરકાર સાચો જવાબ આપતી નથી. જો ક્ષમતા વધી હોય તો વીજળીની શોર્ટેજ કેવી રીતે થઈ રહી છે. તમે ખેડૂતોને દિવસે વીજળી તો આપી શકતા નથી.
વીજળીની ઘટ બે-ત્રણ દિવસમાં પૂરી થઈ જશેઃ ઉર્જા મંત્રી
ધારાસભ્ય નિરંજન પટેલે કહ્યું હતું કે સરકાર દેવું વધારે છે પણ પાવર હાઉસ ઉભા કરવા દેવું વધાર્યું હોત તો ખેડૂતોને પુરતી વીજળી આપી શકાતી હોત. તે સમયે રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલે જવાબ આપતા કહ્યું હતું કે અગાઉ કોલસાની વૈશ્વિક તંગીને કારણે મુશ્કેલી ઉભી થઈ હતી જ્યારે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે ગુજરાતમાં વીજળીની શોર્ટેજ ઉભી થઈ છે. છતાં પણ ગઇકાલે 14મી માર્ચના રોજ 18114 મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવી હતી. આ ઘટ બે ત્રણ દિવસમાં પૂરી થઈ જશે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ