Homeતાપણુંઊના: કે.સી.રાઠોડ ફરી કમળના નિશાન પરથી લડશે, 2007માં પૂંજા વંશને 10,706 મતોથી...

ઊના: કે.સી.રાઠોડ ફરી કમળના નિશાન પરથી લડશે, 2007માં પૂંજા વંશને 10,706 મતોથી હરાવ્યા હતા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને ચૂંટણી લડવા માટે સજ્જ કરી રહ્યા છે. એક બાદ એક સીટ પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે ભાજપે ગીર સોમનાથની ઊના ભેઠક પર પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડના નામ પર મહોર મારી છે. ભાજપ પાસે ઊના બેઠક પરથી કુલ 10 નામ આવ્યા હતા. 2017માં પૂંજા વંશ સામે હારેલા ઉમેદવાર હરિ સોલંકી, કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના પુત્રી દીપા બાંભણિયા તેમજ દેલવાડા ગામના પૂર્વ સરપંચ વિજય બાંભણિયા સહિતના વ્યક્તિના નામ સામેલ હતા. જો કે, ભાજપના મોવડી મંડળે કે.સી.રાઠોડના નામ પર વિશ્વાસ મુક્યો છે. કે.સી.રાઠોડ છેલ્લા 25 વર્ષથી ભાજપમાં સક્રીય છે. તેઓના નેતૃત્વમાંં ઉના નગરપાલિકા પર ભાજપ ભગવો લહેરાવવામાં સફળ રહી છે.

ભાજપના ઉમેદવાર કે.સી.રાઠોડ

2007માં જીત્યા હતા કે.સી.રાઠોડ

2007માં ઊનામાં ભાજપ તરફી માહોલ બન્યો હતો. ઊના-93 બેઠક પરથી ભાજપે કે.સી.રાઠોડ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો જેના પર કે.સી.રાઠોડ ખરા ઉતર્યા હતા. 2007માં કે.સી.રાઠોડે કોંગ્રેસના પૂંજા વંશને 10 હજાર 706 મતથી હારનો સ્વાદ ચખાડ્યો હતો. કે.સી.રાઠોડને કુલ 1 લાખ 32 હજાર 690માંથી 71,698 મત મળ્યા હતા જ્યારે પૂંજા વંશને કુલ 60,992 મત મળ્યા હતા.

2012માં કે.સી.રાઠોડ હાર્યા હતા
2012માં ઊના-93 વિધાનસભા બેઠક પર કુલ 1 લાખ 48 હજાર 381 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી પૂંજા વંશને કુલ 69,824 મત મળ્યા હતા જ્યારે કાળુ રાઠોડને 62,317 મત મળ્યા હતા. એટલે કે કાળુ રાઠોડ 7,507 મતથી કોંગ્રેસના પૂંજા વંશ સામે હાર્યા હતા. પૂંજા વંશને કુલ મતના 47.11 ટકા મત મળ્યા હતા જ્યારે કાળુ રાઠોડને કુલ મતના 42.05 ટકા મત મળ્યા હતા.

હરિ સોલંકીનું પત્તું કપાયું
2017માં કુલ 1 લાખ 49 હજાર મતદાતાએ મતદાન કર્યું હતું. જેમાંથી પૂંજા વંશને 72 હજાર 775 મત મળ્યા હતા જ્યારે હરિ સોલંકીને 67 હજાર 847 મત મળ્યા હતા. એટલે કે, હરિ સોલંકીની 4,928 મતે હાર થઈ હતી. પૂંજા વંશને કુલ મતના 48.56 ટકા મત મળ્યા હતા જ્યારે હરિ સોલંકીને કુલ મતના 45.27 ટકા મત મળ્યા હતા. આ વખતે પણ તેમને આશા હતી કે પક્ષ ટિકિટ આપશે જો કે, પક્ષના મનમાં કંઈક અલગ છે.

સી.આર.પાટીલ સાથે હરિ સોલંકી

કોંગ્રેસમાંથી પૂંજા વંશનું નામ નક્કી
મહત્વનું છે કે, ઊનામાં અત્યાર સુધીમાં કોંગ્રેસનું વધુ વર્ચસ્વ રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂંજા ભાઈ વંશ પર ઊનાના ગામડાની પ્રજાએ પ્રેમ વરસાવ્યો છે. જો કે આ વખતે માહોલ થોડો અલગ જોવા મળી રહ્યા છે. ઊના-93 વિધાનસભા સીટ પરથી પૂંજા વંશ 1990, 1995, 1998, 2002, 2012 અને 2017 આમ કુલ છ વાર ચૂંટાયા છે. હાલ કોંગ્રેસે સત્તાવાર તેમનું નામ જાહેર નથી કર્યું પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓએ પોતાનું નામ નક્કી માની લીધું અને અને કહ્યું છે કે, “2022ની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યો છું”

પૂંજા વંશ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments