Team Chabuk-Speacial Desk: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર એટલે નરેશ કનોડિયા. 27 ઓક્ટોબર 2020માં તેમણે આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી પરંતુ તેમની યાદો આપણી સાથે છે. તેમની યાદો અમર છે. આજે સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મદિવસ છે ત્યારે ટીમ ચાબુક આજે નરેશભાઈ વિશે એવી વાતો લઈને આવી છે જેનાથી મોટા ભાગના લોકો અજાણ છે.
ઉર્વીશ કોઠારીએ ઉપેન્દ્ર ત્રિવેદીની મુલાકાત લીધેલી. એ સાક્ષાત્કારમાં ઉપેન્દ્રભાઈને એમણે પ્રશ્ન કરેલો, ‘દક્ષિણના કે મરાઠી-બંગાળી ભાષાના કલાકારોની સરખામણીમાં ગુજરાતી કલાકારોને ઓછું માન મળે છે, એવું લાગ્યું છે?’
ઉપેન્દ્રભાઈનો જવાબ હતો, ‘‘ગુજરાતમાં માનપાન આપવાની રીતમાં ફેર છે. ગ્લેમર-સન્માન-થેલી એ બધું નહીં. પણ ગમે ત્યારે બહાર જઈએ અને નાના નાના માણસોને મળીએ ત્યારે ખ્યાલ આવે કે તેમનાં હ્રદયમાં આપણું કેવું સ્થાન છે અને તે કેટલા બધા ચાહે છે! ગુજરાતમાં પહેલેથી બે સ્પષ્ટ ભાગ પડેલા છે. હવે તો કદાચ, ‘પડેલા હતા.’ એવું કહી શકાય : ભદ્રસંસ્કૃતિ અને લોકસંસ્કૃતિ. આ બંને જુદા છે. મેઘાણીભાઈને પણ પ્રારંભમાં સાહિત્યકાર તરીકે સ્વીકારતા ઘણા લોકો અચકાતા હતા કે, ‘આ તો સંપાદક.. સંશોધક…. આ તો ધૂળધોયો.’ ટૂંકમાં સર્જક નહીં. પણ જખ મારીને તેમને સ્વીકારવા પડ્યા. મેં જે પ્રકારની કથાઓ કરી, તેને ભદ્રસંસ્કૃતિવાળા બિનકેળવાયેલા લોકોનું સાહિત્ય કહેતા હતા. બિનકેળવાયેલા લોકો પાસેથી સંસ્કારની અપેક્ષા ન રાખી શકાય એવું એક દ્રઢ મંતવ્ય હતું. પછી આ ભેદની ભીંતો મેઘાણીએ ભાંગી અને બંનેને એકબીજાનો પરિચય કરાવ્યો.’’
આ તો આખો જવાબ વાંચવા મળે એટલા માટે ઉપેન્દ્ર ત્રિવેદી આત્મકથન તથા અન્ય આલેખ સંપાદન રજનીકુમાર પંડ્યા અને બિરેન કોઠારીના પુસ્તકમાંથી લીધેલું છે. નહીં તો ઉપેન્દ્રભાઈએ કહેલી ઉપરની બે લાઈન નરેશભાઈને પણ લાગુ પડે. જો ગુજરાતી કલાકારો ગુજરાતી કલાકાર તરીકે જ છેલ્લે સુધી અણનમ રહે તો અન્ય પ્રાદેશિક ઉદ્યોગોમાં ઓળખાતા નથી.
કેવું લાગે ? ગુજરાતના એક સાથે બે હીરલા ચાલ્યા ગયા. બે દિવસ પહેલા મહેશ કનોડિયાએ આપણી વચ્ચેથી વિદાય લીધી અને હવે નરેશભાઈ કનોડિયા આપણી વચ્ચે નથી. હવે સોશિયલ મીડિયા પર લોકો શેર કરી રહ્યા છે. નરેશ કનોડિયાની ફિલ્મ જોડે રહીશું રાજની પંક્તિ, ‘કે સાથે જીવશું સાથે મરશું…’
બેઉં ભાઈઓ માટે એ ગીતની પંક્તિ નક્કર સત્ય સાબિત થઈ. કનોડિયા એ તેમની અટક નથી. એક વખત એમણે સાંભળ્યું કે કોઈની અટક બિલિમોરા હતી. બિલિમોરા તો ગામ છે. આવો વિચાર આવ્યો પછી પોતાના જ ગામડાને પોતાની અટક બનાવી લીધી. કનોડા ગામ પરથી અટક આવી કનોડિયા. સાચી વાત એ છે કે તેમની અટક પરમાર છે.
નરેશ અને મહેશ આ બેઉંને રોકસ્ટાર ગણી શકો. ગુજરાતીમાં રોકસ્ટારનો ત્યારે જમાનો લાવનારા નરેશ અને મહેશ હતા. એલ્વિસ પ્રેસલી ઓફ ગુજરાત. બેઉં ભાઈઓ ગીત ગાવાનું કામ કરે. ત્યાંથી મહેશભાઈ સંગીત સાધનામાં વળગી ગયા અને નરેશભાઈ ફિલ્મમાં અભિનય ક્ષેત્રે જોડાઈ ગયા. લોકો જાણવા તલપાપડ છે કે નરેશ અને મહેશભાઈને સ્ટેજ પર કામ કરતાં કરતાં ફિલ્મ કેવી રીતે મળી ગઈ ? એ આ લેખમાં જ આગળ જોઈશું.
નરેશ કનોડિયાની ફિલ્મોની ખાસિયત એ રહેતી કે તેમાં ગામઠી બેકગ્રાઉન્ડ ઘડવામાં આવ્યું હોય. નરેશ ભાઈને મૂછો હોય. ફિરોઝ ઈરાની વિલન હોય. રમેશ મહેતા વિદૂષકનાં પાત્ર તરીકે દર્શકની માગને સંતોષતા હોય. સ્નેહલતા સાથે જોડી હોય. મહેશભાઈનું સંગીત પણ હોય. આટલા ફિક્સ લોકોએ કેટ કેટલીય હિટ ફિલ્મો આપી. જેને ચાર વાગે દૂરદર્શન પર જોઈ લોકો ખુશખુશાલ થઈ જતા હતા.
નરેશભાઈએ કહેલું કે, ‘જનતાના મગજમાં એક માણસ ઉતરી જાય અને પછી એ કોઈ દિવસ ઉતરે જ નહીં એ તો નસીબની વાત છે.’
નરેશ કનોડિયા સાચા અર્થમાં આવા નસીબદાર માણસ હતા. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી હજુ ક્લાસમાં લોકપ્રિય. એમનો અભિનય ગમે. તેમની ફિલ્મો ગમે, પણ નરેશભાઈ જેવું નહીં. નરેશભાઈની ફિલ્મો જોવા ટોળેટોળા ઉમટે. એક રીતે ઉપેન્દ્રભાઈ કરતાં નરેશભાઈ લોકપ્રિયતાની દૃષ્ટીએ ચડીયાતા હતા. ઉપેન્દ્રભાઈ ક્લાસમાં આવ્યા અને નરેશભાઈ માસમાં. એવું આપણે કહી શકીએ. ઉપેન્દ્રભાઈ અભિનયમાં પ્રયોગ કરતાં હતા જ્યારે નરેશભાઈનો એક સરખો અભિનય અને સંવાદકળા લોકોની જીભે રમતી થઈ ગઈ હતી.
‘કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે?’
નરેશભાઈની ઉંમર 8 વર્ષની હતી. મહેશ્વરબેન્ડ પાર્ટીમાં કામ કરતાં હતા. અગણિત કાર્યક્રમો થતાં. દિવસના પાંચ તો ખરાં જ. રાત પડી જાય ત્યારે નરેશભાઈને મોટાભાઈ મહેશ ખભ્ભા ઉપર ઉપાડીને લઈ આવતા.
નરેશભાઈનું સ્ટેજ નામ જ્હોની જૂનિયર હતું, કારણ કે નરેશ કનોડિયા જ્હોની વોકરના ગીતો ઉપર ડાન્સ કરતાં હતા. એમની જેવો જ અદ્દલ અવાજ કાઢી લોકોને હસાવતા હતા. એમાં વચ્ચે વચ્ચે નૃત્યમાં શમ્મી કપૂર આવી જતા શશી કપૂર પણ આવી જતા.
મુંબઈમાં પ્રોગ્રામ હતો. તેઓ આ જ રીતે કૂદકા મારતા નકલ કરતા હતા. મહેમાનોમાં એક પ્રોડ્યુસર અને ડાયરેક્ટર બેઠા હતા. ડાયરેક્ટર હતા મનુકાન્ત પટેલ અને પ્રોડ્યુસર હતા મફતભાઈ શાહ.
પ્રોગ્રામ પૂરો થયા પછી મનુકાન્ત અને મફતભાઈ આવ્યા નરેશભાઈ અને મોટાભાઈ મહેશની પાસે અને કહ્યું, ‘અમને સાથ સહકાર આપો. અમે એક ફિલ્મ બનાવીએ છીએ.’ બંને ભાઈઓને મજા આવી ગઈ. બંનેએ એક ઝાટકે કામ કરવાની હા પાડી દીધી. ફિલ્મનું નામ હતું, ‘વેલીને આવ્યા ફૂલ.’ વર્ષ હતું 1969નું. મહેશભાઈ સંગીત આપે અને નરેશ ભાઈ અભિનય કરે.
એ વખતે થીએટરનાં પડદા પર નરેશ કનોડિયાની જગ્યાએ નરેશ કુમાર લખાતું હતું અને પછીથી નરેશ કનોડિયા લખાતું થઈ ગયું. અને પછી શરૂ થઈ નરેશ કનોડિયાની સફર. જે અંત સુધી ચાલુ રહી.
નરેશ કનોડિયા પોતાની સફળતા વિશે કહેતા હતા કે, ‘એ વખતે લોકોને ફાઈટ અને ડાન્સ જોવા નહોતા મળતા. એ જોયું અને લોકોને મજા આવી અને અમે સફળ થયા.’
એમની મહેશ્વર એન્ડ બેન્ડ પાર્ટીએ વિશ્વભરમાં 13,000 કરતાં વધારે શો કરેલા. એક દિવસ આફ્રિકામાં જવાનું થયું. બેન્ડ પણ સાથે હતો. આફ્રિકામાં કરફ્યુ લાગેલો હતો. હવે કરફ્યુ લાગેલો તેની મહેશ-નરેશ બંને ભાઈઓને ખબર નહોતી. પોલીસે એમને અડધે રસ્તે જ રોકી લીધા અને નક્કી કર્યું કે કરફ્યુમાં બહાર નીકળ્યા છો તો મારી નાખીએ. દેશ અલગ અને કાયદા તો અલગ જ. છેલ્લી ઈચ્છા. મહેશ અને નરેશે કહ્યું, ‘અમને એક ગીત ગાવા દો.’
નરેશ અને મહેશે ગીત ગાવાની શરૂઆત કરી અને આફ્રિકાની પોલીસ મોજમાં આવી ગઈ. પોલીસનો અધિકારી નજીક આવીને એટલું જ બોલ્યો, ‘અદભૂત. લાજવાબ. તમે ખુશીથી જઈ શકો છો.’
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા