Homeસિનેમાવાદઆપણા નરેશભાઈની વાતો, તેમને કેવી રીતે ફિલ્મમાં કામ કરવાની તક મળી ?

આપણા નરેશભાઈની વાતો, તેમને કેવી રીતે ફિલ્મમાં કામ કરવાની તક મળી ?

Team Chabuk-Special Desk: નરેશ કનોડિયાની બે વાત તમને અગાઉના લેખમાં કહી દીધી. એક વાત કે તેમની અટક કનોડા ગામ પરથી આવી છે અને આ પહેલા સરનેમ પરમાર હતી. કેવી રીતે તેમને ફિલ્મમાં કામ કરવાની તક મળી? ત્યાંથી લઈને આફ્રિકામાં કેવી રીતે મહેશ અને નરેશનો જીવ એક ગીત ગાવાનાં કારણે બચી ગયો. તે આપણે જોયું. હવે આગળ વધીએ.

‘ના’ નહીં પાડવાની

નરેશભાઈને જુઓ તો લાગે જ નહીં કે આ માણસે અભ્યાસ નથી કર્યો. એ વધારે ભણેલા નહોતા અને આર્થિક સમસ્યાના રાક્ષસ સામે ખૂબ લડેલા. ખૂદ એમને જોયા છે. કોઈને પણ સેલ્ફી કે ઓટોગ્રાફ જોતો હોય તો નરેશભાઈ ના ન પાડે. ઉપરથી સામેથી કહે, ‘તમારે કોઈએ મારી સાથે ફોટો નથી પાડવો?’ એટલે સામેના વ્યક્તિને મજા આવી જાય કે, લે આ તો સામેથી કહે છે. ફેન્સને બીજા સુપરસ્ટાર્સની જેમ અંદરથી રિબાવા ન દે કે, હું એમને સેલ્ફીનું પૂછીશ અને એ ના પાડશે તો!! ફેન અને સુપરસ્ટાર વચ્ચે આવતો એ ડર તેઓ પહેલી મુલાકાતમાં જ પૂર્ણ કરી નાખે. એટલે વચ્ચે ખાલી સંબંધ રહે નરેશભાઈનો અને તમારો. કદાચ તેમની લોકપ્રિયતા બીજા ગુજરાતી સુપરસ્ટાર કરતાં વધારે ટકી તેનું કારણ પણ આ જ હોવું જોઈએ.

રોનાલ્ડોએ કહેલું કે, ‘હું ક્યારેય મારા ફેન્સને સેલ્ફી કે ઓટોગ્રાફ માટે ના નથી પાડતો, કારણ કે મને ખબર છે કે ફૂટબોલના હાર્ડકોર ફેન હોવું એટલે કેવી ફિલીંગ થાય?’ નરેશભાઈ ભલે ઓછું ભણેલા હતા, પણ સામેના માણસ સાથે કેવી રીતે વાતચીત કરવી અને સુપરસ્ટાર કે મોટો અભિનેતાની વ્યાખ્યાને ભૂંસી એક સામાન્ય માણસ બની જાવું તેની કોઠાસૂઝ એમનામાં ખૂબ ભરેલી હતી. ઘણા કલાકારો આ નથી કરી શકતા. નરેશભાઈ એ કરી શક્યા.

કોઈ ફાઈટ માસ્ટર નહીં

તમે બોડી ડબલ કે ડુપ્લિકેટનું નામ સાંભળ્યું હશે. ફિલ્મ લાઈનમાં લાગ્યા પછીથી ક્યારેય નરેશ કનોડિયાએ બોડી ડબલનો ઉપયોગ નહોતો કર્યો. તેઓ પોતાના જોખમી સ્ટન્ટ જાતે જ કરતાં હતા. લાઠીદાવ શીખેલા, તલવારબાજી પણ શીખેલા. દેશી ફાઈટિંગ (માર્શલ આર્ટ્સ) પણ ફિલ્મને અનુરૂપ પાત્ર માટે શીખ્યા હતા. આ તમામ વાતો એમને તેમની દરેક ફિલ્મમાં કામ લાગી હતી. જાત મહેનત જિંદાબાદ એ નરેશ કનોડિયાએ સાર્થક કરી બતાવ્યું હતું.

કરજણ બેઠક અને ભાથીજીનો પહેરવેશ

અત્યારે કરજણ બેઠકની ચૂંટણી છે. સુપરસ્ટાર નરેશ કનોડિયા પણ કરજણ બેઠક પરથી જ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. સૌથી મોટી વાત એ કે ચૂંટણીનો પ્રચાર કરવા નીકળ્યા ત્યારે તેઓ ભાથીજીના પહેરવેશમાં હતા. લોકો એમ નહોતા કહી રહ્યા કે સુપરસ્ટાર નરેશ કનોડિયા આવ્યા છે. એમ કહી રહ્યાં હતા કે આ તો ભાથીજી છે. આમ કહી લોકો ભાથીજીની જય બોલાવતા હતા. એમની ભાથીજી મહારાજ પર ફિલ્મ આવેલી. જે ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચી ગઈ હતી અને તેમના સ્ટારડમમાં વધારો થઈ ગયો હતો.

સાહિત્ય પ્રેમી કનોડિયા

ગુજરાતી સાહિત્યકાર શયદા. જેમનું ગઝલ ક્ષેત્રે ખૂબ મોટું નામ. એમની એક ગઝલ છે વણઝારી વાવ. તેના પરથી નરેશભાઈએ વણઝારી વાવ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. નવનીત સેવક નામના આપણા એક નવલકથાકાર. એમની નવલકથા પ્રીતના પડછાયા પરથી તમે રે ચંપોને અમે કેળ ફિલ્મ બનાવી હતી. તો હરકિસનભાઈ મહેતાની નવલકથા જોગ-સંજોગ પરથી એ જ નામની ફિલ્મ બની તેમાં પણ કામ કરનારા નરેશભાઈ જ હતા. એટલે આમ ભલે સાહિત્યનો અભ્યાસ નહીં પણ સાહિત્યને પડદા પર લઈ આવ્યા.

હિન્દીમાં પણ સંગીત આપ્યું

નરેશની વાત એકલી ન આવે. નરેશની જ્યાં જ્યાં વાત આવે ત્યાં ત્યાં મહેશની પણ વાત આવે. ગુજરાતીમાં જ આ બંને કલાકારો લોકપ્રિય હતા એવું નથી. લતા મંગેશકરના હૂબહુ અવાજમાં મહેશભાઈએ ગીત ગાયું તેની તો બે દિવસથી ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. પણ નરેશ-મહેશે હિન્દીની પણ કેટલીક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. જે એટલી પોપ્યુલર નહોતી થઈ. છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, આવારા લડકી મઝે લે લો જેવી ફિલ્મોનો તેમની લિસ્ટમાં સમાવેશ થાય છે.

આ તો કોઈ દિવસ નહીં ખબર હોય

નરેશ કનોડિયાએ કેટલી હીરોઈનો સાથે કામ કર્યું? આ વાત કાને પડે એટલે 90 ટકા ગુજરાતીઓ એકસાથે સ્નેહલતાનું નામ બોલે. એમની ફિલ્મોમાં હીરોઈનોનું ખૂબ આકર્ષણ રહેતું હતું. હીરોઈન કઈ કઈ ? તો કે સ્નેહલતા, રીટા ભાદુરી, રાગીણી, રોમા માણેક, અરૂણા ઈરાની. કેટલીક વખત આ બધી હીરોઈનોના ગીતના અવાજ મહેશભાઈ આપી દેતા. આટલેથી વાત પૂરી નથી થતી. ઘણી વખત એવું બનતું કે નાના ભાઈ નરેશ અને તેની લીડ હીરોઈન બંનેનો અવાજ મહેશભાઈ કાઢી બતાવતા હતા. જેથી સમય બચી જાય અને કામ પણ થઈ જાય.

અમિતાભ અને નરેશનો સંબંધ

એક ગીત છે. લાવારિસ ફિલ્મનું. મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ. આ ગીતમાં અમિતાભના નારી દેહને જોતા હસી હસીને લોટપોટ થઈ જઈએ. નરેશભાઈએ આ સીન અમિતાભ પહેલા ક્રિએટ કર્યો હતો. તેઓ અદ્દલ બનારસી ઢબે ગીત રજૂ કરી રહ્યા હતા. જેને જોઈ ગયા કલ્યાણજી-આનંદજી. આપણી ગુજરાતી સંગીત બેલડી. પછી આ ગીત લાવારિસ ફિલ્મમાં આવ્યું. અમિતાભનું ગીત લોકપ્રિય છે પણ તેના મૂળિયાં નરેશભાઈમાં ધરબાયેલા પડ્યા છે.

નરેશની જાત મહેનત જીવ બચાવી ગઈ

ગોવિંદભાઈ પરમારની એક ફિલ્મ. ફિલ્મે તો આખા ગુજરાતમાં રિલીઝ થયા પછી ટંકશાળા પાથરી દીધેલી. ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેણે ફિલ્મ નહીં જોય હોય. ઢોલા મારું. ફિલ્મનો એક સીન છે. નરેશભાઈ ઘોડા પર બેઠા છે અને તેમણે સામે છેડે ઉભેલી સ્નેહલતાને મળવા જવાનું છે. ઘોડો પુલની વચ્ચે પહોંચ્યો અને પુલ કડડડભૂસ થઈ તૂટી પડ્યો.

નરેશભાઈ લટકે. તાત્કાલિક દોરડું ફેંકવામાં આવ્યું અને નરેશભાઈ એ દોરડા પર ચડીને ઉપર આવી ગયા. નરેશભાઈને એમણે પોતે કરેલા સ્ટન્ટ કામ આવી ગયા. સીન કોઈ જીવસટોસટનો ન હતો, રોમેન્ટીક હતો. રોમેન્ટીક સીનમાં નરેશભાઈ સાથે આવું થઈ ગયેલું. નરેશભાઈની આવી તો કેટલી બધી વાતો છે. તમારા જન્મદિવસ પર લખવાનું વિચારેલું અને કેવા દિવસે લખવું પડે છે. એક ગીત યાદ આવે છે, ‘હું મોજીલો કિમીયાગર…’

(આ લેખ જલજીરાએ ચાબુક માટે લખ્યો છે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments