Homeવિશેષગુજરાતી છાપાઓમાં વિજ્ઞાનની કોલમો કેટલી ?

ગુજરાતી છાપાઓમાં વિજ્ઞાનની કોલમો કેટલી ?

Team Chabuk-Special Desk : આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આપણે ભણ્યા છીએ કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને વ્યવસ્થિત જ્ઞાન. દુનિયાને અનેક શોધ વિજ્ઞાને આપી છે. આપણે અત્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીને સાથે જોડીને બોલીએ છીએ. પરંતુ જ્યારે ટેક્નોલોજી ન હતી ત્યારે પણ વિજ્ઞાન કોઈને કોઈ રૂપે હતું જ.

અભ્યાસમાં વિજ્ઞાન વિષય ભલભલાની આંખે પાણી લાવી દે. પરીક્ષામાં ઘણાયના આ વિષયમાં ડાંડિયા ડુલ થઈ જાય. સાહેબ વિજ્ઞાન વિષય ભણાવતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓને નિંદર માણી લેવાનું મન પણ થઈ જાય. જાણીતા વૈજ્ઞાનિકોના નામ પૂછો તો પણ આઈન્સ્ટાઈન, ન્યૂટન જેવા બે-ચાર નામો બોલીને અટકી જવાય.

અઘરા લાગતાં આ વિષયને વાંચનારા અને રસ લેનારા ઓછા છે તેમ લખનારા પણ ઓછા છે. એમાંય ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગણ્યાં ગાઠ્યા લેખકો વિજ્ઞાન વિષયને આવરીને લખે છે. ગુજરાતના છાપાઓની પૂર્તિઓને ચાબુકે ફંફોસી ત્યારે ખ્યાલ આવ્યો કે આરોગ્ય, શિક્ષણ, સેક્સની સમસ્યા, સાહિત્ય, ક્રાઈમ વગેરે ઉપર લખાતી કોલમોની સાપેક્ષમાં વિજ્ઞાન પર લખાતી કોલમો સાવ કહેવા પૂરતી જ છે. વિજ્ઞાન દરેક વિષયમાં હોય, ધર્મથી લઈને રમત-ગમત સુધી દરેક વિષયમાં વિજ્ઞાનની ભૂમિકા હોય છે. વિજ્ઞાન પર લખાતી આવી કેટલીક કોલમો વિષે વાત કરીએ.

ડૉ. જે.જે. રાવલ (વિજ્ઞાન જગત)- જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તિ

ડૉ. જે.જે. રાવલ ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયના જાણીતા કટાર લેખક છે. તેમની કોલમમાં અનુભવોનો નિચોડ જોવા મળે. જેનું કારણ છે કે, ડૉ. જે.જે. રાવલ પોતે ખગોળ વૈજ્ઞાનિક છે. રાવલ સાહેબ હાલ જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તિમાં વિજ્ઞાન જગત નામથી કોલમ લખે છે. મુંબઈ સમાચારની પૂર્તિમાં પણ તેઓ વિજ્ઞાનની કોલમ લખે છે. ઉપરાંત ડૉ. જે.જે. રાવલ ગુજરાતમાં ઘણી વખત વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વિજ્ઞાનની સમજણ આપતા રહે છે. ખગોળ વૈજ્ઞાનિક હોવાથી ખગોળિય ઘટનાઓ ઉપર તો તેઓ લખે જ છે એ સિવાય અન્ય રોચક વિજ્ઞાન વિષયોને પણ તેમની કોલમમાં સ્થાન વારંવાર મળે છે.

ડૉ. વિહારી છાયા (ડિસ્કવરી)- ગુજરાત સમાચારની શતદલ પૂર્તિ

હાલના સમયમાં ગુજરાતી ભાષામાં વિજ્ઞાન કટાર લેખકોમાં અગ્રીમ હરોળમાં નામ લેવું હોય તો ડૉ. વિહારી છાયાનું લઈ શકાય. ગુજરાતના પ્રથમ નંબરના અખબાર એવા ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં વર્ષોથી ડૉ. વિહારી છાયા વિજ્ઞાન વિષય પર કોલમ લખીને વિજ્ઞાનનું જ્ઞાન વાચકોને પિરસી રહ્યા છે. ડૉ. વિહારી છાયાએ વિજ્ઞાન પર ઘણા પુસ્તકો પણ લખ્યા છે. મારી વિજ્ઞાન યાત્રા હેઠળ ‘અવકાશ વિજ્ઞાન’, ‘બ્રહ્માંડ અને સૌર મંડળ’, ‘બ્રહ્માંડ અને તેની તલાશ’, ‘ન્યૂક્લિયર ઊર્જા’, ‘અવકાશમાં નજર’, ‘અવકાશમાં માનવીના પગરણ’, ‘સૌરમંડળને પાર’, ‘વિસ્તરતું વિજ્ઞાન’ જેવા અનેક વિષયો પર ડૉ. વિહારી છાયા લખી ચુક્યા છે. ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયમાં આટલા વૈવિધ્યપૂર્ણ પુસ્તકો લખવા એ નાની માના ખેલ નથી.

કે.આર. ચૌધરી (ફ્યુચર સાયન્સ)- ગુજરાત સમાચારની રવિપૂર્તિ

ગુજરાત સમાચારની રવિવારની રવિપૂર્તિમાં કે.આર.ચૌધરી વિજ્ઞાન વિષય પર કોલમ લખે છે. કોલમનું નામ છે ફ્યુચર સાયન્સ. કોલમના નામ પરથી જ કહી શકાય કે લેખક આ કોલમમાં વિજ્ઞાનના ભવિષ્યને લઈને લખતાં હશે. કે.આર. ચૌધરી ફ્યુચર સાયન્સની સાથે સાથે તેમની કોલમમાં અમુક હટકે વિષયો પર પણ કલમ ચલાવી જાણે છે.

વિનોદ પંડ્યા (સાયન્સ મોનિટર)- સંદેશની સંસ્કાર પૂર્તિ

સંદેશ અખબાર સાથે દર રવિવારે પ્રસિદ્ધ થતી સંસ્કાર પૂર્તિમાં વિનોદ પંડ્યા વિજ્ઞાન પર એક કોલમ લખે છે. કોલમનું નામ છે સાયન્સ મોનિટર. પૂર્તિમાં કોલમને સ્પેસ પણ ખાસ્સી એવી મળી છે. વિનોદ પંડ્યા દર અઠવાડિયે આ કોલમમાં વિજ્ઞાનના વિષય પર લખે છે. ખાસ કરીને તેમની આ કોલમમાં વર્તમાનમાં બનતી નાની-મોટી ઘટનાઓને આવરીને લખવામાં આવે છે.

ડૉ. રાજીવ શાહ (શોધ અને શોધકો)- ફૂલછાબની યુવાભૂમિ પૂર્તિ

ફૂલછાબની યુવાભૂમિ પૂર્તિમાં ડૉ. રાજીવ શાહ શોધ અને શોધકો નામથી કોલમ લખી રહ્યા છે. તેમની કોલમ વિશ્વમાં થયેલી અવનવી શોધ અને શોધકર્તાઓ ઉપર આધારિત હોય છે. શોધ અને શોધ કરના વિષે રસપ્રચુર માહિતી આ કોલમમાં આપવામાં આવે છે.

લલિત ખંભાયતા (સમયાંતર) – ગુજરાત સમાચાર રવિપૂર્તિ

લલિત ખંભાયતા દસેક વર્ષથી વિજ્ઞાન અને સાહસના વિષયો પર કલમ ચલાવે છે. તેમની કલમમાંથી નીતનવા વિષયો પાંગરતા રહે છે. આ વિષયોને તેમના ફળદ્રુપ ભેજાની કમાલ જ કહી શકાય. સંદેશથી શરૂ થયેલી સમયાંતરની સફર ગુજરાત સમાચારના છાપા સુધી પહોંચી છે. વિજ્ઞાન અને સાહસના વિષયોને જ કેન્દ્રસ્થાને રાખી લખાયેલા તેમના પુસ્તકોની સિરીઝ બ્રેવ હાર્ટ્ઝ ભાગ-1-3 પણ ખાસ્સી લોકપ્રિય છે.

હર્ષ મેસવાણીયા (સાઈન ઈન) રવિપૂર્તિ

ગુજરાત સમાચારમાં જ હર્ષ મેસવાણીયા સાઈન ઈન નામની કોલમ લખે છે. જેમાં કોઈ કોઈ વખત વિજ્ઞાનના વિષયો જોવા મળી જાય છે. આ સિવાય લલિત ખંભાયતા સાથે જ તેઓ કોઈ ખાસ દિવસ પર સ્પેશિયલ પેજ કરે છે. જેમાં વિજ્ઞાન વિષયનનું પ્રમાણ 70 ટકા ગણવું રહ્યું.

હર્ષલ પુષ્કર્ણા (એક નજર આ તરફ) શતદલ અને રવિપૂર્તિ

વર્ષો સુધી સફારીમાં અને હવે જીપ્સી મેગેઝિન દ્વારા જ્ઞાન-વિજ્ઞાન અને પ્રવાસની માહિતી આપતા હર્ષલ પુષ્કર્ણા બુધવાર અને રવિવારે એક નજર આ તરફ કોલમ લખે છે. તેઓ વિજ્ઞાનનો એક એવો વિષય આપણી સામે રાખે છે જે આ અઠવાડિયે જ આપણી આંખો સામેથી પસાર થઈ ગયો હોય અને છતાં આપણું ધ્યાન ન પડ્યું હોય. આ સિવાય સાહસ, પ્રવાસ એ તો એમના ગમતાં વિષય છે.

આ ઉપરાંત વિવિધ અખબારોમાં વિજ્ઞાન વિષય પર લખતાં કટાર લેખકોની વાત કરીએ તો ગુજરાત મિત્રની દર્પણ પૂર્તિમાં કનુ જોષી સાયન્સ વર્લ્ડ કોલમ લખે છે. ફૂલછાબની યુવાભૂમિ પૂર્તિમાં આઠમો રંગ વિજ્ઞાન નામની કોલમ દીપક જગતાપ લખી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં જ્વલંત નાયક સિમ્પલ સાયન્સ નામે કોલમ લખે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments