Team Chabuk-Literature Desk: ખલીલ ધનતેજવી હમણાં જ પાછા પ્રકાશમાં આવ્યા હતા. પ્રકાશમાં આવવાનું કારણ તેમનો 952 ગઝલનો સંગ્રહ સમગ્ર ખલીલ ધનતેજવી. ભાગ્યે જ આટલી ગઝલો ગુજરાતીના અન્ય કોઈ સાહિત્યકારે રચી હશે. ખલીલના જેટલા વાચકો એટલા જ ચાહકો. વાચકોએ પણ ખલીલને કદી વિવેચકની દૃષ્ટીથી નિહાળ્યા નથી. ખલીલ વિવેચકો માટેના ચોગઢામાં બેસવા માટે બન્યા જ નહોતા.
ખલીલ જીવ્યા ત્યાં સુધી મુશાયરાના ધ્રૂવ તારા સમાન રહ્યા. ખાસ એમની ગઝલો સાંભળવા માટે ભીડ ઉમટતી હતી. એમની ગઝલોમાં સરળતા છે. નિખાલસતા છે. હોય એવું કહી દે છે. જાણે રમત રમતમાં એક વાકય કહી દીધું હોય. ખલીલ ગઝલમાં સસ્પેન્સ થ્રીલરના માસ્ટર રહ્યા. એ પહેલી પંક્તિ લખે તો બીજી પંક્તિમાંથી શું નીકળશે તેની આતુરતા ભાવકની આંખમાં નિહાળી શકાય. ખલીલના એવા ચાહકો પણ ખરા કે ખલીલ બોલે તો તેની સાથે ને સાથે ગઝલ બોલતા જાય. એને કડકડાટ મોઢે હોય. ભણવામાં ધ્યાન ન દીધું હોય પણ ખલીલની ગઝલમાં ધ્યાન ચોક્કસથી આપ્યું હોય.
ખલીલ ધનતેજવી પોતાનું ધનતેજ ગામડું છોડીને વડોદરામાં વસવાટ કરવા માટે આવ્યા. જ્યારે આવ્યા ત્યારે પોતાનું અનાજ વેચી નાખ્યું અને પછી અનાજ ખરીદવા દુકાનની લાઈનમાં ઊભા રહ્યા ત્યારે તેમને રાશન કી કતારો મેં નજર આતા હું પંક્તિ સ્ફૂરી હતી. આ વાતનો તેમણે ઘણી જગ્યાએ ઉલ્લેખ કરેલો છે.
એમના દાદાને એક માત્ર સંતાન એટલે એમના પિતા. પિતા પણ પાંચ વર્ષની વયે જ આ દુનિયા છોડી ચાલ્યા ગયા. ખલીલની જવાબદારી દાદાના માથે આવી પડી. એ પછી તેઓ ભણ્યા. ચોથી ચોપડી સુધી જ ભણ્યા. ભણવું હોય તો બહાર જવું પડે પણ ખલીલ વિના ખેતી કોણ સંભાળે ? ખલીલ ખેતી કરવામાં વ્યસ્ત થઈ ગયા અને ભણવાનું ત્યજી દીધું. આજે સ્થિતિ એવી છે કે ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ખલીલની ગઝલોનો અભ્યાસ કરે છે. જેણે અભ્યાસ નથી કર્યો તેના પર અભ્યાસપૂર્ણ લેખો લખવામાં આવે છે. આ ચાર ચોપડી ભણેલા પર બે વિદ્યાર્થી પીએચડી અને બે વિદ્યાર્થી એમફીલ થઈ ચૂક્યા છે.
પણ કહીએ તો ખલીલ સારું કામ કરતા ગયા છે. વીસ જેટલી નવલકથાઓ પણ આપેલી, જોકે એ નવલકથાઓ ખૂબ ઓછા વાચકોનાં હાથમાં આવી છે. તેઓ ગુજરાત સમાચારમાં ત્રિકોણનો ચોથો ખૂણો નામે કોલમ પણ લખતાં હતાં. હવે એ કોલમ પર પણ પૂર્ણવિરામ. આજે એ નિષ્કર્ષ પર આવ્યા વિના નથી રહેવાતું કે ખલીલ ગમે તેટલું સારું સાહિત્ય સર્જી દેત પણ વખાણાત અને યાદ કરાત તો તેમની ગઝલોના કારણે જ.
ખલીલને તો સનત મહેતાએ પૂછ્યું પણ હતું કે, તું ડાબેરી છો ? એ વખતે ખલીલને ખ્યાલ જ નહોતો કે ડાબેરી કોને કહેવાય. બાદમાં ખબર પડી કે તેઓ સામ્યવાદ વિષે પૂછવા માગતા હતા. ક્યારેક અજ્ઞાની હોવું એ પણ જ્ઞાનની જ નિશાની છે. ખલીલમાં આ હતી. ખલીલ ફક્ત વેદનાઓને વાચા આપતા રહ્યા. એમને એ ખબર નહોતી કે, આ વેદના – જેને હું મારી કે મારા નજીકના વ્યક્તિની સમજીને કાગળ પર ઉતારું છું, એ આખી દુનિયાની એક સરખી જ હોય છે.
બીજું બધું વિસરાય જશે પણ ખલીલનો અવાજ નહીં ભૂલાય. એમની ગઝલને રજૂ કરવાની આવડત ભાગ્યે જ કોઈ અન્ય ગઝલકારમાં જોઈ છે. એમનું અનુકરણ પણ ન કરી શકાય, કારણ કે આ તેમને ભેટમાં મળેલી દોલત હતી. નાભીમાંથી આવતો અવાજ અને તેની ઘેઘુરતા તેમને પઠન ક્ષેત્રે સુપરસ્ટાર બનાવતી હતી. કોઈ મૂશાયરામાં ભીડને ટકાવવી હોય તો સૌ પ્રથમ આમંત્રણ પત્રિકામાં ખલીલનું નામ લખો અને જ્યારે મુશાયરો યોજાય તો ખલીલને છેલ્લે રજૂ કરો. જેથી લોકો પણ એકઠા થાય ભીડ પણ ટકેલી રહે. ગઝલમાં હંમેશાં યાદ રહેશો ખલીલ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત