ઝાલાવાડી જલજીરા: હોરર આપણે ડરવા માટે જોઈએ છીએ. કોઈ વખત ડરવું એ જ મુખ્ય હેતુ હોતો નથી. ફિલ્મ કે સિરીઝનાં બેકગ્રાઊન્ડમાં વારંવાર આવતા અવાજો, એ દર્શકને ડરાવી હોરર હોવાની ખાતરી કરાવતા જાય છે, પણ સમય જતાં તેમાં એ બિહામણું સ્વરૂપ નથી દેખાતું. સમયાંતરે આવી હોરર ફિલ્મો વારંવાર જુઓ તો વ્યંગ બનીને રહી જાય છે. કોઈને અચાનક તાળી પાડીને પણ ડરાવી શકાય. ભર બપોરે ટ્રાફિકમાં પણ કેટલાક અચાનક હોર્નના અવાજથી ડરી નથી જતાં.
ધ હન્ટિંગ ઓફ હિલ હાઉસ એવી સિરીઝમાંથી છે જેને ડરાવવા માટે કોઈ ભયાનક ભાતીગળ વસ્તુઓની આવશ્યક્તા નથી પડી. અન્ય ફિલ્મ અને સિરીઝથી અલગ પડવા કોઈ નવા ભૂતનું સર્જન નથી કરવું પડ્યું. 1959ની સાલમાં લેખિકા શ્રીલી જેક્સને આ નવલકથા લખી હતી. હોરર ક્લાસિક તેને એ માટે પણ કહેવામાં આવે છે કે સ્ટીફન કિંગ આજેય તેના વખાણ કરતાં થાકતા નથી. કિંગે પોતાના હોરર વિવેચન સંગ્રહમાં પણ આ નવલકથાના અતિશય વખાણ કર્યા છે.
આપણી ભાષામાં એ ભાગ્યે જ બને છે કે હોરરનો સાહિત્યમાં સમાવેશ થાય અને ઉતરોતર તે વખાણાતી જાય. એક તબક્કે ગુજરાતીમાં હોરર લખેલું ભૂંસાવા લાગે છે. કોઈ એકાદ પેઢીને આકર્ષે છે બાદમાં જો પ્રકાશક છાપવાની તસ્દી ન લે તો તે ભૂતકાળ બનીને રહી જાય છે. શ્રીલી જેક્સનની નવલકથા સાથે એવું નથી થયું. 1959થી 2021ની સાલ સુધી અને આગળ ખબર નહીં કેટલાય વર્ષો સુધી તે અમરત્વ ભોગવવાની છે.
1) આ સિરીઝની મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારના લાઉડ બ્રેકગ્રાઊન્ડ સ્કોરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. હોલિવુડ અને બોલિવુડમાં અત્યાર સુધી ‘આ હોરર ફિલ્મ છે’ તેની સાબિતી કરાવવા માટે આવા સાઉન્ડનો ઉપયોગ કરાય છે. તેની જગ્યાએ માત્ર છથી સાત વખત જ સિરીઝમાં ભૂતની બુમ પડે છે. બાકી માહોલ શાંત છે. કોઈના ખૂનમાં પણ શાંત છે, કારણ કે ખૂન એ વેદનાસભર છે. વિષાદગ્રસ્ત છે.
2) મેકઅપ અને વિઝ્યુઅલ ઈફેક્ટનો હોરર ફિલ્મોમાં ખાસ્સો ઉપયોગ થાય છે. જેથી દર્શકોને ભયભીત કરાવી શકાય અને હોરર ફિલ્મ બનાવ્યાનું સાર્થક થાય. અહીં તો એ પણ નથી. છેક 9માં એપિસોડમાં એવું હોરર દેખાય છે અને જમીનથી એક વેત અદ્ધર રહી ચાલતા એક ભૂતમાં. એ ભૂત તો 10 મિનિટ પણ નથી દેખાતું.
3) આ કથા સાવ કપોળકલ્પિત નથી લાગતી. તેની પાછળનું કારણ તેની અંદરનો ડ્રામા છે. જુડવા ભાઈ બહેન છે. એક ડ્રગ એડિક્ટ ભાઈ છે. જે ડ્રગ્સથી છૂટકારો મેળવવા હવાતિયાં માર્યા રાખે છે અને પોતાના મોટા ભાઈ બહેનને પૈસા માટે હેરાન કર્યા રાખે છે. એક બહેન છે જે ડોક્ટરનાં પ્રેમમાં પડી લગ્ન કરી લે છે. મોટી બહેન મુડદાઓને તૈયાર કરે છે જેથી તેના અંતિમ સંસ્કાર કરી શકાય. એક બહેન મનોવૈજ્ઞાનિક ડોક્ટર છે. સૌથી મોટો ભાઈ લેખક છે. એ બાળપણમાં પરિવારની સાથે ટેકરી પરના એ ઘરમાં શું થયું હતું તે વિષે લખે છે. એ હોરર નવલકથાને રસપ્રદ બનાવવા માટે તેમાં કાલ્પનિક ઘટનાઓ ઉમેરે છે. તેની માતાને પાગલ ઠેરવે છે. આ કારણે પરિવારના લોકો ગુસ્સે ભરાય છે. જોકે એ જ પરિવારના લોકો લેખકભાઈ રોયલ્ટી આપવાનું કહે છે તો રોયલ્ટી લેતાં અચકાતા નથી.
4) કથા ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ જેવી લાગે. આખી નહીં ક્યાંક ક્યાંક. અંતરે અંતરે. જ્યારે વર્ષોથી દેખાતું ભૂત હું હોઉં એવો મને અચાનક ભાસ થઈ જાય તો શું કરવું ? આ સ્પોઈલર નથી. માત્ર અંદેશો છે. આખી કથા તો કાંઈક બીજી જ છે. જે લખવાનું દરેક લેખકને મન હોય અને બનાવવાની દરેક ફિલ્મ મેકરની ચાહના હોય.
5) આખી સિરીઝમાં અભિનેતાઓ પુષ્કળ પ્રમાણમાં બોલે છે. અનહદ બોલે છે, કારણ કે ભૂત કરતાં અહીં પ્રત્યાયનનું વધારે મહત્વ છે. કથા આખેઆખી બે રીતે ઊભી થાય છે. એક નાનપણમાં અને બીજું અભિનેતાઓનાં સંવાદમાં. ભૂત પણ સંવાદ કરવા આવે છે. ભૂત પણ એક સામાન્ય માનવીની માફક બોલે છે. બે સંવાદો ગમ્યા છે. તોફાનો ચાલ્યા જવા માટે આવતા હોય છે. બીજો સંવાદ એવા સીનમાં આવે છે જ્યારે ઘરની લાઈટ ચાલી ગઈ હોય છે. પ્રતીકાત્મક રીતે દીકરો અને બાપ બોલે છે, હવે પ્રકાશ નહીં આવે. જે દર્શકને મૂંઝવે છે કે કયા પ્રકાશની વાત થઈ રહી છે. જીવનના પ્રકાશ કે ઈલેક્ટ્રિસિટી?
6) દિગ્દર્શક માઈક ફ્લેનેગને નવલકથામાંથી સિરીઝ બનાવતી વખતે ઘણી છૂટછાટ લીધી છે. એ આખી કથાને મોર્ડન એરામાં લાવ્યા છે. 21મી સદીમાં લાવ્યા છે જેથી કોઈને જૂનો અને જર્જરીત થઈ ગયેલો માલ ન લાગે. ઉપરથી 1992માં બનેલી ઘટનાને પણ તેઓ સાકાર કરે છે. એ વખતે 90ની વસ્તુઓ તેઓ અભિનેતાના હાથમાં મૂકે છે. દિગ્દર્શકની મહેનત એટલા માટે પણ ઘટી ગઈ છે કારણ કે એક મકાનની અંદર જ શૂટિંગ થઈ ગયું છે. 1990નો બહારનો માહોલ નથી દેખાડવો પડ્યો. બસ, મોબાઈલ સંતાડી દીધા અને કપડાં પહેરાવી દીધા.
7) લેસ્બિયન બહેનનું ઘરમાં હોઉં એ બીજા ભાઈ બહેન પર કેવી અસર છોડે એ વાત અહીં સાંપ્રત સમયનો આધાર રાખી કહી છે. બહેન લેસ્બિયન છે તો તેના પર અન્ય ભાઈ બહેનો ફક્ત હસી શકે છે. એ તેને રોકતા નથી. ટોકતા નથી. આ જ લેસ્બિયન બહેન એક છોકરીને તેના હવસખોર બાપ પાસેથી પણ છોડાવે છે. તેની આંખો અને તેના પાત્ર દ્વાર પુરુષોને સેક્સ ભૂખ્યા કંડાર્યા છે.
8) આ સિરીઝ જોયા પછી એ હોરર ફિલ્મો પરથી વિશ્વાસ ઉઠી જશે જે બે કલાકમાં તાંત્રિકને બોલાવી ભૂતને પતાવી નાખતી હોય છે, કારણ કે હોન્ટિંગમાં એક એક વસ્તુનું ડિટેલિંગ છે. નાનામાં નાની વસ્તુ પણ ચૂકાઈ નથી ગઈ. એ જે બોલે છે ભવિષ્યમાં થાય છે. ફક્ત કહેવા પૂરતું બોલીને શબ્દો ફેંકી દીધા એવું નથી.
9) ગણતરી નથી કરી પણ આખી સિરીઝમાં પચ્ચીસેક વખત તો એવું થયું જ છે કે જ્યારે કોઈ પાત્રએ દરવાજો ખોલ્યો હોય અને સીન બદલીને ભૂતકાળમાં ચાલ્યો ગયો હોય. એક જગ્યાએથી દૃશ્યનું બીજી જગ્યાએ ક્ષણવારમાં સ્થાળાંતરણ થઈ જાય છે. એક એપિસોડ ભૂતકાળમાં બીજો એપિસોડ વર્તમાનમાં એવું પણ નથી. કટકે કટકે કથા ચાલે છે. પાંચમાં એપિસોડ બાદ તો અચાનક ભૂતકાળ અને વર્તમાનકાળ જ આવ્યા રાખે છે, પણ દર્શક તરીકે આપણે ચૂકતા નથી.
10) સિરીઝની ખાસ વાત કે નથી કોઈ ભૂવો, નથી કોઈ તાંત્રિક, નથી કોઈ પ્રિસ્ટ, નથી કોઈ બાબા જે આવીને ભૂતથી પાત્રોની રક્ષા કરી જાય. આ વગર સંઘર્ષ ચાલે છે. અહીં કોઈ મહાઅવતાર નથી જે જાણે છે કે ભૂતને કેમ મારવું ?
11) આ સિરીઝ તેના ડાયરેક્શન સિવાય માઈકલ ફિમોગરીની સિનેમેટોગ્રાફી માટે પણ જોવા લાયક છે. નાની બહેનના ફ્યુનરલ સમયે લેવાયેલો વનટેક સીન અને કેમેરાનું ઘુમવું તથા કારનો સીન જેમાં બે બહેનો વાત કરતી હોય અને અચાનકથી ભૂત આવી જાય છે. આ સિરીઝનું સૌથી શ્રેષ્ઠ દૃશ્ય છે. દસ પાર્ટની સિરીઝ છે. લાંબી છે. સમય ખાઈ જાય છે પણ મજા આપે છે. અચૂક જુઓ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત