Team Chabuk-Political Desk: ગુજરાતના રાજકારણમાં અવાર નવાર ખોડલધામ મંદિરના પાટીદાર અગ્રણી નરેશ પટેલની કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તેવી વાતો વહેતી વહેતી આવે છે. જોકે નરેશ પટેલે સ્વયં કોઈ દિવસ, કોઈ પક્ષમાં જોડાવાની વાતનું ખુલ્લીને સમર્થન નથી કર્યું. મંદિરમાં કે કોઈ અન્ય જગ્યાએ પાટીદાર રાજકારણીઓ સાથેની તેમની બેઠક હંમેશાંથી મીડિયામાં ચર્ચાનો વિષય બની છે, પણ કોઈ દિવસ આવી બેઠકોનું અંતિમ પરિણામ નરેશ પટેલ આ કે તે રાજકીય પક્ષ સાથે જોડાય છે, એ રીતે સામે નથી આવ્યું.
હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર અનામત આંદોલનમાં મોખરાનું નામ એવા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે નરેશભાઈ પટેલને પક્ષમાં જોડાય તેવી અપીલ કરી છે. પત્રમાં શું શું લખવામાં આવ્યું છે તે તરફ એક નજર કરી લઈએ.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા આ પત્રમાં હાર્દિક પટેલે સત્તાધારી પક્ષ ભાજપ પર ચાબખા મારતા લખ્યું છે કે, તમે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એક જ પક્ષનું શાસન છે અને આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે. કારણ એ પણ છે કે સત્તા પક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગયું છે.

ભાજપ દ્વારા ખેડૂતની માગણી સંતોષવામાં આવતી ન હોય એ વાતનો ઉલ્લેખ કરી હાર્દિક પટેલે કહ્યું છે કે, સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજ્જારો યુવાન બન્યા છે. પાટીદાર સમાજના હજ્જારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરે છે. તમે સારી રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડૂતોની માગણીઓ સંતોષવામાં આવી નથી અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.
હાર્દિકે નરેશ પટેલને ઉલ્લેખી લખ્યું છે કે, આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરું છું. 2015થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજ પણ હજ્જારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસથી પીડાય છે. પાટીદારી સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.
હાર્દિકે નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે લખતા કહ્યું છે કે, હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે તમે કોઈ પણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યની હિત અને અસ્તિત્વની લડાઈના શ્રી ગણેશ કરો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત