Team Chabuk-National Desk : ગુજરાત સહિત દેશભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો થયો છે. સવાર થતા ગોદળામાંથી નીકળવાનું મન ન થાય તેવી ઠંડીની ઝપેટમાં લોકો આવી ગયા હતા. બે દિવસ સુધી તાપમાનનો પારો ગગડ્યો નહોતો પણ આજ સવારમાં ઠંડીનો પારો ગબડતા લોકો ધ્રૂજી ઉઠ્યા હતા.
ગુજરાતની જો વાત કરવામાં આવે તો નલિયા સૌથી ઠંડુ રહ્યું હતું. નલિયામાં હાડ થીજવી દેતી 3.4 ડિગ્રીની ઠંડી રહી હતી, તો રંગીલા રાજકોટમાં 10, મેગા સિટી અમદાવાદમાં 11 ડિગ્રી, બટેટા માટે વખણાતા ડિસામાં 8 ડિગ્રી, કેશોદમાં 8 ડિગ્રી, ગુજરાતના મોટા સમુદ્ર કાંઠા કંડલામાં 8 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં 9 ડિગ્રી, વલસાડમાં 10 ડિગ્રી, સંસ્કારી નગરી વીરુક્ષેત્ર વડોદરામાં 11 ડિગ્રી, સોનાની મૂરત સુરતમાં 13 ડિગ્રી, ભાવેણા ભાવનગરમાં 11 ડિગ્રી, ગાંધીનગરી પોરબંદરમાં 11, મહુવામાં 10 અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 10 ડિગ્રી ઠંડી તાપમાન રહ્યું હતું.
દેશની શું સ્થિતિ ?
દેશની રાજધાની દિલ્હીની જો વાત કરવામાં આવે તો તેની આસપાસના વિસ્તારો ઠંડીની ઝપેટમાં આવી ગયા હતા. ભારે ઠંડીના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા અને માનવ અવરજવર ઓછી થઈ ગઈ હતી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. ગાડીઓ દિવસ થતાં સુધીમાં લાઈટ ચાલુ રાખવાની ચાલકોને ફરજ પડી હતી.
હમણાં ઠંડીમાં રાહત નહિ
દિલ્હી સિવાય ઉત્તર ભારતના અસંખ્ય રાજ્યો ગુલાબી ઠંડીની ઝપેટમાં આવી ગયા હતા. છેલ્લા કેટલાય દિવસોથી સ્વેટર વિના રખડતા લોકો પણ જર્સી ઠઠારીને બહાર નીકળ્યા હતા. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં તો ઠંડીમાંથી રાહત મળવાના કોઈ સંજોગો દૂર દૂર સુધી દેખાતા નથી. સવારનું તાપમાન બુધવારની તુલનાએ વધારે નીચુ ગયું છે.
કામકાજમાં અડચણ
હવામાન વિભાગે આ સાથે એ પણ જણાવ્યું છે કે ઠંડીનો પારો ધીમે ધીમે ગબડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોની કેટલીય જગ્યાએ ભારે ઠંડીના કારણે જન જીવન પ્રભાવિત થયું હતું. મધ્યપ્રદેશના પણ એક બે વિસ્તારોમાં ધુમ્મસછાયું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે સવારના કામકાજમાં અડચણ પેદા થઈ હતી.
પહાડીના કારણે મેદાનને અસર
ઉત્તરભારતના હવે મોટાભાગના રાજ્યો ઠંડીની ઝપેટમાં આવી ગયા છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. જે કારણે મેદાની વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે. ત્યાં ભારતીય હવામાન વિભાગે આ અંગે પણ આશંકા વ્યક્ત કરી છે કે, ઉત્તર ભારતના મેદાનો અને મધ્ય ભારતમાં પણ આગામી ચાર દિવસ સુધી ઠંડી હવાઓ ચાલશે. જેના કારણે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશમાં ચાર દિવસ સુધી ભારે ઠંડીનું સામ્રાજ્ય રહેશે.
તડકામાં પણ ઠંડી
ગુરૂવારના રોજ રાંચી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ હલકાથી મધ્યમ પ્રકારની ધુમ્મસની ચાદર છવાઈ હતી. જોકે સવારમાં આઠ વાગ્યાની આજુબાજુ તડકો નીકળ્યો હતો. પણ પશ્ચિમી હવાઓનાં કારણે તડકામાં પણ ઠંડીનો અનુભવ થતો હતો. હવામાન વિભાગે રાંચીને લઈ જાહેરાત કરી છે કે હવમાન ઠંડુ રહી શકવાની સંભાવના છે.
તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડશે
આ અંગે હવમાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બે દિવસ ન્યૂનતમ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પારો ગગડી શકવાની સંભવાના છે. જેની પાછળનું કારણ મેદાની વિસ્તારમાં ચાલતી ભારે બરફ વર્ષા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત